દિવાળીમાં ફરવા જવું મોંઘું!: ફ્લાઈટના ભાડામાં 5થી 20 હજારનો વધારો
દુબઈની રાઉન્ડ ટ્રીપ 45 હજારથી 50 હજારમાં પડશે

દિવાળીમાં ફરવા જવું મોંઘું પડશે

દિવાળીમાં ફરવા જવું મોંઘું પડશે
દિવાળી વેકેશન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતીઓ માટે ફરવા જવું મોંઘું પડશે. હાલ ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં 5 હજારથી 20 હજારનો વધારો થયો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જ્યારે દેશમાં કેરળ અને કાશ્મીર જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
દુબઇ, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, બાલી, ગોવા, દિલ્હી, બેંગ્લોર સહિતની ફ્લાઈટના ભાડામાં 5 હજારથી 20 હજાર રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 1 હજારથી 1 હજાર 400 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ભાડે મળતી કારના ભાવમાં પ્રતિ કિમી રૂ.2થી 5નો વધારો જોવા મળી રહ્યો છે.
દિવાળી વેકેશનના પેકેજની વાત કરીએ તો ગત વર્ષે દક્ષિણ ભારતની ટુરમાં વ્યક્તિ દીઠ લગભગ રૂ.20 હજાર હોય તો આ વર્ષે તે જ ટુર અને તેટલા જ દિવસની દક્ષિણ ભારતની ટુરમાં 22 હજારથી 23 હજાર થઈ શકે છે. એટલે કે બસ દ્વારા વેકેશન માણવા માટે આ વર્ષે અમદાવાદીઓએ 2થી 3 હજારનું બજેટ વધારવું પડશે.
આ વર્ષે ગુજરાતીઓ શ્રીનગર, કોચીન, ગોવા, બાગડોગ્રા, કોલકાત્તા અને દિલ્હી માટે અમદાવાદથી સીધી ફ્લાઈટ પંસદ કરી રહ્યા છે કારણ કે, કાશ્મીર, કેરળ, ગોવા, સિક્કિમ અને નોર્થ ઇસ્ટના રાજ્ય તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તદુપરાંત ઇન્ટરનેશનલ ટ્રીપ માટે દુબઇ જેવા ડેસ્ટિનેશન માટે રાઉન્ડ ટ્રીપના 22 હજારથી 25 હજાર સામાન્ય દિવસોમાં હોય છે, પરંતુ હાલમાં જો ટિકિટ બુક કરવી હોય તો તે વધીને 45 હજારથી 50 હજાર સુધી થઈ ગઈ છે, જ્યારે થાઈલેન્ડ માટે પણ સામાન્ય દિવસો કરતા હાલમાં રાઉન્ડ ટ્રીપ માટે બેથી ત્રણ ગણો ભાવ ચૂકવવો પડે છે.
આ અંગે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત મેમ્બરના ચેરમેનના જણાવ્યા પ્રમાણે,આ વર્ષે એર ફેરમાં ધરખમ વધારો થયો છે. તેમાં પણ અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવતા ડેસ્ટિનેશન માટે વધુ ટિકિટના ભાવ છે, પરંતુ કેટલાક ટ્રાવેલ એજન્ટ અગાઉથી જ ફરવાલાયક સ્થળની ટિકિટ બુક કરાવી લે છે. તે સમયે તે સ્થળ માટે ટિકિટનો ભાવ લગભગ 5 હજાર રૂપિયા હોય તો તે હાલમાં 20,000થી 25 હજાર રૂપિયા સુધીનો થયો છે. એટલે કે ટુર પેકેજીસમાં કેટલાક ટ્રાવેલ એજન્ટ સસ્તા ભાવે ટુર પેકેજ રાખે છે. જેથી જે એજન્ટે અગાઉથી બુકિંગ કર્યું હો તેમને ઓછા ભાવમાં ટિકિટ આપી શકે છે.
અમદાવાદ સ્થિત ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ એજન્ટ પાસે આ દેશ માટે સૌથી વધુ ઇન્કવાયરી આવી રહી છે. જોકે, ગત સપ્તાહ સુધી વિયેતનામ માટે પણ ઇન્કવાયરી આવી રહી હતી, પરંતુ ગત સપ્તાહમાં વિયેતનામમાં વાવાઝોડાએ જે તારાજી કર્યા બાદ અમદાવાદથી વિયેતનામ ફરવા જવાનું બાદ કરીને અન્ય કોઇ ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી દુબઇ, વિયેતનામ, થાઈલેન્ડ, કુઆલાલુમ્પુર વગેરે સ્થળ માટે જુદી જુદી એરલાઈન્સની સીધી કનેક્ટિવિટી છે. તેથી મુસાફરો માટે આ સ્થળ પસંદગીના ફરવા લાયક સ્થળ બની ગયા છે.
6 સીટરના ભાવ પ્રતિ કિમી રૂ.3 વધ્યા
સામાન્ય દિવસોમાં કાર ભાડું કિમી દીઠ રૂ.11થી 12 હોય છે, જેને બદલે દિવાળી વેકેશન દરમિયાન પ્રતિ કિમી રૂ.14થી 15 ચૂકવવા પડે છે. આ ઉપરાંત છ સીટર કાર એટલે કે, ખાસ કરીને ઇનોવા ક્રિસ્ટા કે ઇનોવાના ભાવમાં સામાન્ય દિવસોની સરખામણીમાં રૂ.3 સુધી વધારો થયો છે. જેમાં દરેક કાર એજન્સી અથવા કંપની દ્વારા અલગ અલગ ભાવ રાખવામાં આવ્યો છે. જેમાં ઇનોવા ક્રિસ્ટા પ્રતિ કિમી રૂ.21થી 23 ભાવ છે. આમ કારમાં ફરવા જવાનું પણ મોંઘુ પડશે.
ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું કે, નજીકના ફરવા લાયક સ્થળ પર અમદાવાદીઓ જાતે જ પોતાની કાર લઇને જવાનું પસંદ કરે છે. તેમ છતાં બસ દ્વારા ગ્રુપ ટુરના આયોજનમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બસ ભાડામાં 5 ટકાનો વધારો થયો છે. તે ફક્ત બસનું ભાડું જ છે, જ્યારે ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા બાદ હોટલના ભાવ તો આ વર્ષે પણ 29 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીના દિવસોમાં આસમાને જ રહેશે. તેથી જો હજુ પણ એડવાન્સ બુકિંગ ન કરાવ્યું હોય તો તે દિશામાં વિચારવું આવશ્યક છે.
દિવાળી પહેલાં ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનો ફુલ થઈ ગઈ છે. કેટલીક ટ્રેનોમાં 150થી વધુનું વેઈટિંગ બતાવી રહ્યું છે. બીજી તરફ કેટલીક લોકપ્રિય ટ્રેનો ફુલ થઈ ગઈ છે. તેમાં રૂમ બતાવે છે, પરંતુ પ્રવાસીઓને વેઇટિંગ ટિકિટ પણ નથી મળતી. ઉલ્લેખનીય છે કે, 2023માં દિવાળીમાં પણ ટ્રેનો ફુલ થઈ ગઈ હતી અને રેલવેએ વધારાની ટ્રેનો દોડાવી ન હતી. તેથી સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટનામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ રેલવે તંત્ર જાગ્યું હતું અને વધારાની ટ્રેનો દોડાવી હતી. આ વર્ષે પણ ધીમે ધીમે ટ્રેનની જાહેરાત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 86 વધુ ટ્રેન દોડાવવાનો જાહેરાત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ