દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સુરત રેલવે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ થઈ રહી છે. લોકો 12-12 કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે.
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે.
રવિવારના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. વતન જવા માટે મુસાફરોની બે કિમિથી વધુ લાંબી લાઈનો થઈ ગઈ હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
કેટલાક મસાફરો પરિવાર સાથે શનિવાર રાત્રીના ત્રણ વાગ્યાથી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠા છે.અનેક લોકોના સામાન ગુમ થવાની પણ વાતો તઈ રહી છે. જેને પગલે મુસાફરો સરકારને વિનંતી કરી રહ્યા છે કે ટ્રેનોની સંખ્યામાં વધારો કરાવે. લાખો મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા છે.
સ્ટેશન ડિરેક્ટર જણાવ્યું હતું કે, 10થી 12 હજારની ભીડ છે, બે ટ્રેન ચલાવી દેવામાં આવી છે. બે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી છે, જેમાં લાઈનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. હજુ વધુ બે ટ્રેનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.