દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ વિવિધ ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.તમામ ફૂલોના ભાવમાં અંદાજે 30 થી 40 ટકાનો ઉછાળો નોંધાયો છે.ધનતેરસ અને ચોપડા પૂજનમાં ગુલાબ અને ગલગોટાની માગ સૌથી વધારે જોવા મળી રહી છે.
આ વર્ષે પણ દિવાળીના દિવસોમાં ફૂલ બજારોમાં શહેરીજનો રંગબેરંગી ફૂલોની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બજારના ભાવ મુજબ 30-40 રૂપિયે કિલો મળતા ગલગોટાનો ભાવ 80 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે 50 રૂપિયામાં મળતો ગુલાબનો હાર 100માં મળી રહ્યો છે. તો આસોપાલવનું 25 ફૂટ લાંબુ તોરણ 50 રૂપિયામાં મળતું હતું. જેનો ભાવ પણ આ વર્ષે 100 રૂપિયા થયો છે. આ ઉપરાંત લક્ષ્મીપૂજનમાં ખાસ વપરાતા કમળના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે.
તહેવારોને લઇ અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી છે. લોકો મોંઘાભાવના ફૂલ લોકલ વેપારી પાસેથી ખરીદવાના બદલે જમાલપુર ફૂલ બજારમાં આવીને ખરીદી રહ્યા છે. લોકોનું કહેવું છે કે લોકલ વેપારીઓ 10-20 રૂપિયામાં માત્ર એક ગુલાબ આપે છે. અને ગલગોટાના હાર માટે નાના વેપારીઓ 50 થી 100 રૂપિયા વસૂલે છે. તેની સામે ફૂલ બજારમાંથી ફૂલો સસ્તા પડે છે.