સલમાન પર આધારિત ફિલ્મ 'બ્લેક બક' વિવાદોમાં
સુપરસ્ટારે મોકલી કાનૂની નોટિસ, નિર્માતાએ આપ્યો પડકાર

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Salman Khan Kala Hiran Movie Controversy: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને વિવાદોનો નાતો દાયકાઓ જૂનો છે, પરંતુ હવે તેમના જીવનની સૌથી મોટી કાનૂની લડાઈ મોટા પડદા પર આવતા પહેલા જ કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગઈ છે. સલમાન ખાનના 1998ના ચકચારી કાળિયાર શિકાર કેસ (Blackbuck Poaching Case) અને તેના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સર્જાયેલી લોહિયાળ દુશ્મનાવટ પર આધારિત ફિલ્મ "બ્લેક બક: ધ બેટલ ફોર લેગસી" (Black Buck: The Battle for Legacy) ની જાહેરાત થતાં જ હોબાળો મચી ગયો છે. આ મામલે સૌથી નવો ફણગો એ ફૂટ્યો છે કે સલમાન ખાનની કાનૂની ટીમે આ ફિલ્મની રિલીઝ રોકવા માટે નિર્માતા-દિગ્દર્શકને કાનૂની નોટિસ ફટકારી છે. જોકે, ફિલ્મના વિવાદાસ્પદ નિર્માતા અમિત જાનીએ સલમાન ખાન સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
સલમાન ખાનની કાનૂની નોટિસ અને નિર્માતાનો પલટવાર
સલમાન ખાનની કાનૂની ટીમ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ફિલ્મના પ્રમોશન, પોસ્ટર્સ અને આગામી સામગ્રીને તાત્કાલિક અસરથી હટાવી લેવા અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે કહેવામાં આવ્યું છે. જો આ આદેશનું પાલન નહીં થાય તો કોર્ટમાં ખેંચવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે. બીજી તરફ, નિર્માતા અમિત જાનીએ આ નોટિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કરીને સલમાન ખાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અમિત જાનીએ આક્રમક વલણ અપનાવતા લખ્યું કે, "સલમાન ખાન કાનૂની નોટિસ આપીને 'બ્લેક બક' ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને ધમકાવી રહ્યો છે. તેનો હેતુ લોકોને ડરાવવાનો છે જેથી તેઓ તેના ગ્લેમરનો ભોગ બને. લોકોને ડરાવવાની તેની જૂની આદત હોઈ શકે છે, પરંતુ ડરવું એ મારો સ્વભાવ નથી. જો તે એમ વિચારતો હોય કે હું ડરી જઈશ, તો તેને કહી દેજો કે હું પીછેહઠ કરવાનો નથી." ઉલ્લેખનીય છે કે, અમિત જાની અગાઉ ઉદયપુરના કન્હૈયાલાલ દરજી હત્યાકાંડ પર પણ ફિલ્મ બનાવીને ભારે હેડલાઇન્સ મેળવી ચૂક્યા છે.
20 જૂને રિલીઝ થશે ટીઝર: ફિલ્મમાં શું જોવા મળશે?
ભરત એસ. શ્રીનેત દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું પહેલું પોસ્ટર 30 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ વાસ્તવિક જીવનની કાનૂની લડાઈઓ, કોર્ટરૂમ ડ્રામા, ક્રાઈમ અને એક્શનથી ભરપૂર ઘટનાઓ પર આધારિત છે, જેને હોલીવુડ શૈલીમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના સંભલ, મુરાદાબાદ અને અન્ય શહેરોમાં કરવામાં આવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચેના હાઈ-પ્રોફાઈલ વિવાદને પણ મુખ્યતાથી વણી લેવાયો છે. જોકે, મુખ્ય ભૂમિકા કયો અભિનેતા ભજવી રહ્યો છે તેનો ચહેરો પોસ્ટરમાં છુપાવવામાં આવ્યો છે. ફિલ્મનું બહુપ્રતિક્ષિત ટીઝર 20 જૂનના રોજ રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
1998નો કાળિયાર કેસ: જેની આસપાસ વણાયેલી છે વાર્તા
આ સમગ્ર વિવાદનું મૂળ વર્ષ 1998માં છે. જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ "હમ સાથ સાથ હૈ" ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર અને ચિંકારાના ગેરકાયદે શિકારનો આરોપ લાગ્યો હતો. બિશ્નોઈ સમુદાયની ફરિયાદના આધારે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ કેસ નોંધાયા હતા. 12 ઓક્ટોબર, 1998ના રોજ સલમાનની પહેલીવાર ધરપકડ થઈ હતી. લાંબી કાનૂની લડત બાદ, એપ્રિલ ૨૦૦૬માં ચિંકારા કેસમાં સજા થઈ, જ્યારે જાન્યુઆરી 2017માં તેને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરાયો. ત્યારબાદ, 5 એપ્રિલ, 2018ના રોજ જોધપુર કોર્ટે સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં દોષિત ઠેરવી ૫ વર્ષની જેલ અને ₹10,0000નો દંડ ફટકાર્યો હતો, જ્યારે અન્ય કલાકારો નિર્દોષ છૂટ્યા હતા. આ કેસ હાલમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં મે 2026માં આ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે આગામી તારીખ 13 જુલાઈ, 2026 નક્કી કરી છે અને સલમાન હાલ જામીન પર બહાર છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી અને ગેલેક્સી એપાર્ટમેન્ટ ફાયરિંગ
કાળિયારને બિશ્નોઈ સમુદાય પવિત્ર માને છે, જેથી આ શિકાર બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. વર્ષ ૨૦૨૩માં જેલમાંથી આપેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં લોરેન્સે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, સલમાન ખાનને મારવો એ તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. આ દુશ્મનાવટ ત્યારે વધુ વણસી જ્યારે વર્ષ 2024માં સલમાન ખાનના મુંબઈ સ્થિત 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર બે બાઇક સવારોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેની જવાબદારી લોરેન્સના વિદેશમાં બેઠેલા ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. હવે, આ રિયલ લાઈફ ગેંગસ્ટર અને સુપરસ્ટાર વચ્ચેના ખતરનાક વિવાદને ફિલ્મમાં દર્શાવવા સામે સલમાનની ટીમે કાનૂની હથિયાર ઉગામ્યું છે, જેના કારણે ફિલ્મની રિલીઝ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.