ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર તથા પૂજા જોશીના ઘરે કિલકારી ગુંજશે. એટલે કે બન્ને સેલેબ્સ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. પૂજા જોશીએ આ ખુશખબરી પોતે એક પોસ્ટ શેર કરીને આપી છે જેમાં લખ્યુ છે કે, 'અમારો પરિવાર થોડો મોટો બની રહ્યો છે. હાલમાં અમે ઘણા જ ખુશ છીએ અને અમને આ જાહેરાત કરતાં ઘણો જ એટલે ઘણો જ આનંદ થઈ રહ્યો છે. અમારી નાનકડી સુંદર દુનિયા હવે ત્રણ લોકોની બની રહી છે. અમે ઘણા સમયથી આ સપનું જોઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં અમારા જીવનનું નવું સપનું સાકાર થશે. નવા આનંદ ને ઊંઘ વગરની રાતો માટે અમે તૈયાર છીએ. બહુ જ બધો પ્રેમ...'
સો.મીડિયામાં જાહેરાત કરતાં જ મલ્હાર-પૂજાને ચાહકો તથા ગુજ્જુ સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. હિતેન તેજવાની, રોનક કામદાર, રાજ અનડકટ, હેમાંગ દવે, જિનલ બેલાની સહિતના અનેક સેલિબ્રટીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ગયા વર્ષે 26 નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં ફંક્શન ત્રણ દિવસ ચાલ્યાં હતાં, જેમાં મહેંદી, હલ્દી, સંગીત, લગ્ન તથા રિસેપ્શન યોજવામાં આવ્યાં હતાં. મલ્હાર-પૂજાનાં લગ્ન-રિસેપ્શનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટી આવી હતી. રિસેપ્શનમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા.