Jaden Smith and Michelle Lamy Engagement Rumors: હોલીવુડના દિગ્ગજ અભિનેતા વિલ સ્મિથના પુત્ર અને અભિનેતા-ગાયક જેડન સ્મિથ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વખતે તેની ચર્ચા કોઈ ફિલ્મ કે મ્યુઝિક પ્રોજેક્ટને લઈને નહીં, પરંતુ તેના નામ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ડેટિંગ અફવાને કારણે થઈ રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે 28 વર્ષીય જેડન સ્મિથ 82 વર્ષીય ફ્રેન્ચ ફેશન ઉદ્યોગસાહસિક મિશેલ લેમીને ડેટ કરી રહ્યો છે. બંનેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ દાવાઓ પાછળનું સત્ય કંઈક અલગ છે.
વાયરલ તસવીરોએ ડેટિંગની અફવાઓને આપ્યો વેગ
સોશિયલ મીડિયા પર ફરતી તસવીરોમાં જેડન સ્મિથ અને મિશેલ લેમી એકબીજાની નજીક જોવા મળે છે. કેટલીક પોસ્ટમાં બંને હાથ પકડીને અને કિસ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ તસવીરોના આધારે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની અટકળો શરૂ થઈ હતી. એટલું જ નહીં, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં તો જેડન અને મિશેલની સગાઈ થઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચેનો 54 વર્ષનો વય તફાવત પણ ચર્ચાનો વિષય બન્યો છે.
શું ખરેખર જેડન સ્મિથ મિશેલ લેમીને ડેટ કરી રહ્યો છે?
વાયરલ તસવીરો અને વીડિયોને કારણે આ અફવાઓને વેગ મળ્યો હોવા છતાં, જેડન સ્મિથ અને મિશેલ લેમી વચ્ચે ડેટિંગ સંબંધ હોવાના કોઈ પ્રમાણિત પુરાવા સામે આવ્યા નથી. ABC 10 ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી ફેક્ટ-ચેકમાં આ કથિત સંબંધના દાવાઓને ખોટા ગણાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો AIની મદદથી બનાવવામાં આવી હોવાની શક્યતા છે, જ્યારે અન્ય તસવીરોમાં ડિજિટલ રીતે ફેરફાર કરવામાં આવ્યો હોવાનો દાવો છે.
જેડન લેમીના ઘરે ગયો હોવાની પોસ્ટથી શરૂ થઈ ચર્ચા
આ અફવાઓની શરૂઆત 9 નવેમ્બરના રોજ એક ભૂતપૂર્વ પ્રેમિકા સાથે જોડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હોવાનું કહેવાય છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેડન સ્મિથ મિશેલ લેમીના ઘરે તેમના આશીર્વાદ લેવા ગયો હતો. શરૂઆતમાં આ મુલાકાતને માતા અને પુત્ર વચ્ચેના સંબંધ જેવી રીતે રજૂ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ અન્ય એક સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બંને ડેટિંગ કરી રહ્યાં હોવાની અને સગાઈ કરી લીધી હોવાની વાત ફેલાવવામાં આવી હતી. ABC 10 ન્યૂઝની ફેક્ટ-ચેકમાં જેડન મિશેલ લેમીને તેમના ઘરે મળવા ગયો હોવાના દાવાને સમર્થન આપતો કોઈ સ્વતંત્ર પુરાવો મળ્યો નહોતો. જેડન કે મિશેલ, બંનેમાંથી કોઈએ પણ ડેટિંગ કે સગાઈ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેથી હાલ આ ચર્ચાઓને માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા તરીકે જ જોવી યોગ્ય છે.
જેડન સ્મિથ અભિનય અને સંગીત બંને ક્ષેત્રે સક્રિય
જેડન સ્મિથ હોલીવુડના જાણીતા અભિનેતા વિલ સ્મિથનો પુત્ર છે. પિતાની જેમ જ તેણે પણ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી છે. અભિનય ઉપરાંત જેડન રેપર અને ગાયક તરીકે પણ સક્રિય છે. ફિલ્મો અને સંગીતના કારણે તે સતત ચર્ચામાં રહે છે. જોકે, મિશેલ લેમી સાથેના કથિત સંબંધ અંગે હાલ કોઈ વિશ્વસનીય પુષ્ટિ ઉપલબ્ધ નથી.