GTA VI Beat Avengers Endgame: વર્ષોની રાહ, લાખો ગેમર્સની અપેક્ષા અને લોન્ચ થતાં જ કમાણીનો એવો ધમાકો કે ફિલ્મો પણ પાછળ રહી ગઈ! Rockstar Gamesની બહુપ્રતિક્ષિત વીડિયો ગેમ Grand Theft Auto VI (GTA 6) એ રિલીઝના પહેલા જ દિવસે કમાણીનો નવો ઇતિહાસ રચ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગેમે લોન્ચના પ્રથમ 24 કલાકમાં વિશ્વભરમાં $3.79 બિલિયનની રિટેલ કમાણી કરી છે. આ આંકડા સાથે GTA VIએ મનોરંજન જગતના અત્યાર સુધીના સૌથી મોટા લોન્ચનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સફળતાએ હોલિવૂડની સુપરહિટ ફિલ્મ Avengers: Endgameની વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કમાણીનો આંકડો પણ પાછળ છોડી દીધો છે. 2019માં રિલીઝ થયેલી આ માર્વેલ ફિલ્મે વિશ્વભરમાં આશરે $2.94 બિલિયનની કમાણી કરી હતી. તેની સામે GTA VIએ માત્ર એક જ દિવસમાં $3.79 બિલિયનની કમાણી નોંધાવી છે. એટલે કે ગેમની પ્રથમ દિવસની કમાણી ફિલ્મના કુલ બોક્સ ઓફિસ કલેક્શન કરતાં પણ ઘણી વધારે રહી છે.
GTA VIએ GTA Vનો રેકોર્ડ પણ તોડ્યો
GTA ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતા નવી નથી. વર્ષ 2013માં રિલીઝ થયેલી Grand Theft Auto V (GTA 5)એ પણ લોન્ચ સમયે કમાણીના અનેક રેકોર્ડ બનાવ્યા હતા. જોકે, 13 વર્ષ પછી આવેલી GTA VIએ તેના અગાઉના ભાગને પણ પાછળ છોડી દીધો છે. રોકસ્ટાર ગેમ્સના જણાવ્યા અનુસાર, GTA VIએ પહેલા 24 કલાકમાં $3.79 બિલિયનની રિટેલ કમાણી કરી છે. તેની સરખામણીમાં GTA Vએ રિલીઝના પ્રથમ દિવસે અંદાજે $800 મિલિયનની કમાણી કરી હતી. આ રીતે GTA VIની પ્રથમ દિવસની કમાણી અગાઉના ભાગ કરતાં લગભગ પાંચ ગણી છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે ગેમે રિલીઝ પહેલાં જ 32.5 મિલિયન યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. આ આંકડાએ પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, માર્કેટ એનાલિટિક્સ કંપની Sensor Towerના અંદાજ મુજબ વેચાણ અને આવકના આંકડા અલગ હોઈ શકે છે.
GTA VIની વાર્તા શું છે? જેસન અને લુસિયાની જોડી ચર્ચામાં
GTA VIની વાર્તા કાલ્પનિક રાજ્ય લિયોનિડામાં આકાર લે છે. તેમાં જેસન ડુવાલ અને લુસિયા કેમિનોસ નામનાં બે મુખ્ય પાત્રો ગુનાની દુનિયામાં ફસાઈ જાય છે. એક સરળ લૂંટની યોજના નિષ્ફળ ગયા પછી બંને એક મોટા ષડયંત્રમાં ફસાઈ જાય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે છે. ગેમમાં અમેરિકાના મિયામીથી પ્રેરિત કાલ્પનિક શહેર વાઇસ સિટી પણ મુખ્ય આકર્ષણ છે. ખેલાડીઓ આ શહેર અને લિયોનિડાની દુનિયામાં વિવિધ મિશન, ગુનાખોરી, સાહસ અને એક્શનનો અનુભવ કરી શકે છે.
કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે GTA VI?
Rockstar Gamesએ GTA VIને 19 નવેમ્બર, 2026ના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ કરી છે. હાલ આ ગેમ PlayStation 5 અને Xbox Series X|S માટે ઉપલબ્ધ છે. ગેમના લોન્ચને લઈને વિશ્વભરના ગેમર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. GTA Vના 13 વર્ષ બાદ ફ્રેન્ચાઇઝીનો નવો ભાગ આવતાં જ તેણે ફિલ્મો અને ગેમિંગ ઇન્ડસ્ટ્રી વચ્ચે કમાણીની નવી ચર્ચા શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે GTA VI આગામી દિવસો અને મહિનાઓમાં વેચાણના કેટલા નવા રેકોર્ડ બનાવે છે.