Avengers: Doomsday Advance Booking: હોલિવૂડની સૌથી ચર્ચિત સુપરહીરો ફિલ્મોમાંની એક ‘Avengers: Doomsday’ ભારતમાં રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆતના સંકેત આપી રહી છે. Marvel Studiosની આ ફિલ્મને લઈને ભારતીય દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો ₹34.53 કરોડ સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે. ખાસ વાત એ છે કે ફિલ્મની રિલીઝને હજુ લગભગ એક મહિનો બાકી છે, છતાં ટિકિટ બુકિંગમાં ભારે તેજી જોવા મળી રહી છે.
ચાર દિવસના એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી
‘Avengers: Doomsday’નું એડવાન્સ બુકિંગ 17 થી 20 ડિસેમ્બર સુધીના શરૂઆતના ચાર દિવસ માટે જોરદાર પ્રતિસાદ મેળવી રહ્યું છે. બ્લોક સીટ્સ સહિત ફિલ્મનું કુલ એડવાન્સ કલેક્શન ₹34.53 કરોડ નોંધાયું છે. જ્યારે બ્લોક સીટ્સને બાદ કરતાં આ આંકડો આશરે ₹28.65 કરોડ હોવાનું જણાવાયું છે. દિવસ પ્રમાણે એડવાન્સ બુકિંગના આંકડા પર નજર કરીએ તો 17 ડિસેમ્બરના પ્રથમ દિવસે ફિલ્મે ₹16.48 કરોડનું ગ્રોસ બુકિંગ નોંધાવ્યું છે. આમાં બ્લોક સીટ્સનો પણ સમાવેશ થાય છે. બીજા દિવસે એટલે કે 18 ડિસેમ્બરે ₹6.72 કરોડ, 19 ડિસેમ્બરે ₹6.06 કરોડ અને 20 ડિસેમ્બરે ₹5.08 કરોડનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે. પ્રથમ દિવસ માટે જ અંદાજે 2.08 લાખ ટિકિટોનું બુકિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે Marvelના ચાહકો ફિલ્મને મોટા પડદા પર જોવા માટે અત્યારથી જ ઉત્સુક છે.
અંગ્રેજી વર્ઝનને સૌથી વધુ પ્રતિસાદ
ફિલ્મના ભાષાવાર એડવાન્સ બુકિંગમાં અંગ્રેજી વર્ઝન સૌથી આગળ છે. પ્રથમ દિવસના બુકિંગમાં અંગ્રેજી વર્ઝનનો હિસ્સો આશરે ₹13.98 કરોડ હોવાનું જણાવાયું છે, જે કુલ ઓપનિંગ-ડે બુકિંગના લગભગ 85 ટકા જેટલો છે. બીજી તરફ હિન્દી વર્ઝનનું એડવાન્સ બુકિંગ ₹2.12 કરોડ નોંધાયું છે. તમિલ વર્ઝન માટે ₹29.79 લાખ અને તેલુગુ વર્ઝન માટે ₹8.70 લાખનું બુકિંગ નોંધાયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં અંગ્રેજી વર્ઝનને સૌથી વધુ માંગ મળી રહી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ બુકિંગ
રાજ્યવાર એડવાન્સ બુકિંગની વાત કરીએ તો મહારાષ્ટ્ર સૌથી આગળ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં પ્રથમ દિવસ માટે ₹4.17 કરોડનું ગ્રોસ બુકિંગ નોંધાયું છે. ત્યારબાદ દિલ્હીમાં ₹2.73 કરોડ અને કર્ણાટકમાં આશરે ₹2.49 કરોડનું બુકિંગ નોંધાયું છે.
17 ડિસેમ્બરે ભારતમાં થશે રિલીઝ
‘Avengers: Doomsday’નું નિર્દેશન જો અને એન્થની રુસોએ કર્યું છે. ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઇવાન્સ, ક્રિસ હેમ્સવર્થ, પેડ્રો પાસ્કલ, પોલ રડ, એન્થની મેકી, ફ્લોરેન્સ પ્યુ, વેનેસા કિર્બી, ચેનિંગ ટેટમ, સિમુ લિયુ અને ઇયાન મેકકેલન સહિતના દિગ્ગજ કલાકારો જોવા મળશે. ફિલ્મને PG-13 રેટિંગ મળ્યું હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. ‘Avengers: Doomsday’ 17 ડિસેમ્બર, 2026ના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં જ ₹34.53 કરોડના એડવાન્સ બુકિંગના આંકડા સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી શરૂઆતના સંકેત આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે રિલીઝ સમયે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કેટલો મોટો રેકોર્ડ બનાવે છે.