સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ મનપાની અનામત બેઠકો જાહેર
જૂની 6 અને નવી 9 મહાનગરપાલિકાના વોર્ડ દીઠ અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું

રાજકોટ, અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા

રાજકોટ, અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા
ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. તે માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી છે. 6 મહાનગરપાલિકાઓની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. નવી 9 મહાનગરપાલિકાઓ સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે અનામત બેઠકોની યાદી જાહેર કરાતાં તેમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની કુલ 192 બેઠકો છે. તેમાં 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જનરલ માટે 59, અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ(ઓબીસી) માટે 52 અને અનુસૂચિત જનજાતિ માટે 2 બેઠકો અનામત રાખવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ શહેરની વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ કુલ વસતી 56,64,062 છે. શહેરમાં કુલ 48 વોર્ડ આવેલા છે. જેમાં વોર્ડ દીઠ સરેરાશ વસતી 1,18,001 છે. જેમાં સરેરાશ વસતીના 10 ટકા વધારા મુજબ ગણતરી કરીએ તો 1,29,801 અને સરેરાશ વસતીના 10 ટકા ઘટ મુજબ 1,06,201 થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની કુલ 72 બેઠકો છે. જેમાં 50 ટકા પ્રમાણે 36 બેઠકો મહિલાઓ માટે, 5 અનુસૂચિત જાતિ માટે, 1 અનુસૂચિત જનજાતિ માટે, 19 ઓબીસી માટે અને 22 બેઠકો જનરલ માટે અનામત રાખવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગે નવી બનેલી ગાંધીધામ, મહેસાણા, પોરબંદર, કરમસદ-આણંદ, નડિયાદ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વાપી મહાનગરપાલિકા માટે 2011ની વસતી ગણતરીના આધારે 13 વોર્ડ અને 52 બેઠકો માટે વોર્ડ રચના જાહેર કરી છે. આ તમામ મહાનગરપાલિકાના મેયર માટે પણ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે.
ફેબ્રુઆરી-2025માં ચૂંટણી યોજાય તેવી શક્યતા
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર તેમજ ગાંધીધામ, મહેસાણા, પોરબંદર, કરમસદ-આણંદ, નડિયાદ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, વાપી એટલે કે જૂની 6 અને નવી 9 સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી-2025માં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ જૂનાગઢ મનપામાં કરાયા બાદ હવે જૂની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ,જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત નવી 9 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થશે.
ક્યા વર્ષની વસતી ગણતરીના આધારે વોર્ડ જાહેર કરાયા?
વર્ષ 2011 પછી વસતી ગણતરી ન કરવામાં આવી હોવાથી વોર્ડ સીમાંકન અને અનામતના આધાર તરીકે તે જ આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં એક પોળ, વાસ, શેરી કે સોસાયટીનું વિભાજન વિના, વધુમાં વધુ 10 ટકા વસતી વિસંગતતા સુધી સીમાંકન કરવાનું રહેશે. વોર્ડોની ગણતરી શહેરના ઉત્તર-પશ્ચિમ ખૂણેથી શરૂ કરીને દક્ષિણ-પૂર્વ દિશામાં ઝીગઝેગ પદ્ધતિથી આગળ વધશે.
આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં હવે 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે. જે અગાઉ માત્ર 10 ટકા હતી. તેના કારણે જૂની 6 મહાનગરપાલિકાઓમાં રોટેશન બદલાયું છે. નવા મેયર પદ માટે અનામત ફાળવણીમાં ફેરફાર કરાયા છે. મહેસાણા, પોરબંદર, ગાંધીધામ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં અનામત બેઠક પરથી પ્રતિનિધિત્વ મળતાં નગરસેવકો માટે પ્રથમ વખત મેયરપદની તક મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ