અમદાવાદ મનપામાં 15 અનામત બેઠકો વધી, જનરલ 17 ઘટી
27 ટકા ઓબીસી અનામતનો અમલ કરવામાં આવતાં 39 કોર્પોરેટરોની ટિકિટ કપાવાની શક્યતા

અમદાવાદ મનપામાં 118થી વધીને 133 અનામત બેઠકો થતાં જનરલમાં મહિલાની 17 સીટ ઘટી

અમદાવાદ મનપામાં 118થી વધીને 133 અનામત બેઠકો થતાં જનરલમાં મહિલાની 17 સીટ ઘટી
અમદાવાદ સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. તેના ભાગરૂપે મંગળવારે રાજ્ય ચૂંટણી પંચે 15 મહાનગરપાલિકાની બેઠકોનું રોટેશન જાહેર કર્યુ છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 27 ટકા ઓબીસી અનામતના કારણે અત્યાર સુધી અનામત 118 બેઠકો વધીને 133 બેઠકો અનામત જાહેર થઈ છે. અનામત બેઠકો 15 વધતાં જનરલ મહિલા બેઠકો 17 ઘટી ગઈ છે. આ રોટેશનના કારણે શહેરના 39 કોર્પોરેટરોની ટિકિટ કપાવાની શક્યતા છે.
અમદાવાદ મનપાની ગત ટર્મની ચૂંટણીમાં ઓબીસીની 10 મહિલા અને 9 પુરુષો માટે બેઠકો અનામત રાખવામાં આવી હતી. તેની સામે આ વખતે ઓબીસીની 52માંથી 26 મહિલા અને 26 પુરુષ ઉમેદવારો માટે અનામત બેઠક રાખવામાં આવી છે. ઓબીસી અનામત બેઠકો વધવાના કારણે જનરલ બેઠકોમાં મહિલાઓ માટે ગત ચૂંટણીમાં 76 બેઠકો હતી તેમાં ઘટાડો થઈને હવે 59 બેઠક રહેશે.
એસસી, એસટી, ઓબીસી અનામતના કારણે વર્તમાન 192 કોર્પોરેટર પૈકી 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવા સંજોગો ઊભા થશે. રાણીપ, નરોડા, નિકોલ, ઇસનપુર, વાસણા વોર્ડમાં કોઈ ફેરફાર થશે નહી. જ્યારે જોધપુરમાં પુરુષમાં એસસી કેટેગરીને બદલે જનરલ કરવામાં આવી છે. દરિયાપુરમાં મહિલા એસસીને બદલે ઓબીસી અનામત આવતાં બેઠક કપાશે. ઇન્ડિયા કોલોનીમાં પુરુષમાં જનરલ બેઠકના બદલે ઓબીસી માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવારો માટે અનામત બેઠકો
સાબરમતી, ઘાટલોડિયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, શાહીબાગ, બોડકદેવ, ઈન્ડિયા કોલોની, સરસપુર -રખિયાલ, બહેરામપુરા, વસ્ત્રાલ અને વટવા મળી 10 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
અનુસૂચિત જાતિના પુરૂષ ઉમેદવારો માટે અનામત બેઠકો
ચાંદખેડા, થલતેજ, નારણપુરા, સૈજપુર, ખાડિયા, મકતમપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમા 10 બેઠક અનામત રાખવામાં આવી છે. જયારે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે એક તથા એક મહિલા માટે ચાંદખેડા વોર્ડમા એમ કુલ 2 બેઠક અનામત રખાઈ છે તથા વાસણા વોર્ડમા એક પુરુષ ઉમેદવાર માટે અનામત બેઠક રાખવામા આવી છે.
ઓબીસી મહિલા ઉમેદવારો માટે અનામત બેઠકો
ચાંદલોડિયા, રાણીપ, થલતેજ, નારણપુરા, સરદારનગર, સૈજપુર, કુબેરનગર, નવરંગપુરા, જોધપુર, દરિયાપુર, વિરાટનગર, બાપુનગર, ખાડીયા, જમાલપુર,વાસણા,સરખેજ, મકતમપુરા, નવા વાડજ, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, અમરાઈવાડી, ઓઢવ, ઈન્દ્રપુરી, ભાઈપુરા તથા રામોલ-હાથીજણ વોર્ડમાં ઓબીસી મહિલા ઉમેદવારો માટે એક-એક બેઠક અનામત રાખવામાં આવી છે.
ઓબીસી પુરૂષ ઉમેદવારો માટે અનામત બેઠકો
ગોતા,ચાંદલોડીયા, સાબરમતી, ઘાટલોડીયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, નરોડા,કુબેરનગર, અસારવા, શાહીબાગ, શાહપુર,નવરંગપુરા,બોડકદેવ,ઈન્ડિયા કોલોની, ઠકકરબાપાનગર,નિકોલ,સરસપુર, જમાલપુર, પાલડી, વેજલપુર,બહેરામપુરા,મણિનગર, વસ્ત્રાલ, ખોખરા,લાંભા અને વટવા બેઠક ઓબીસી પુરૂષ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.
ચાંદખેડા વોર્ડમાં ઓબીસી અનામતનો અમલ નહી થાય
અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં જાતિ આધારીત વસતી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની એક મહિલા તથા અનુસૂચિત જાતિ માટે એક પુરૂષ બેઠક અસ્તિત્વમા છે. તેના કારણે ચાંદખેડા વોર્ડમાં ઓબીસી અનામતનો અમલ નહીં કરવામા આવે.
પાંચ વોર્ડમાં ઓબીસી અનામતની બે-બે બેઠકો
અમદાવાદના ચાંદલોડિયા ઉપરાંત કુબેરનગર, નવરંગપુરા, જમાલપુર અને મણિનગર વોર્ડમાં ઓબીસી વર્ગના 2-2 ઉમેદવારો મનપાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉતારવા પડશે.
ક્યા વોર્ડમાં અસર નહી થાય?
રામોલ-હાથીજણ, ગોતા, અસારવા, નવરંગપુરા, ખાડિયા, વેજલપુર, સરખેજ, ઓઢવ વોર્ડમાં અનામતમાં બદલાવ છતાં કોઈ અસર જોવા નહિ મળે. રામોલ હાથીજણમાં મહિલા ઓબીસી છે. પરંતુ વર્તમાન મહિલા ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. ગોતામાં પુરુષ ઉમેદવાર ઓબીસી મૂકાવાથી જનરલની બેઠક કપાશે.
ક્યા વોર્ડમાં શું ફેરફાર થયો?
અમદાવાદ મનપામાં હાલમાં ચૂંટાયેલી 96 મહિલા કોર્પોરેટરો પૈકી 75 જનરલ કેટેગરીમાં હતી. તે હવે ઘટીને 59 મહિલા જનરલ કેટેગરીમાં વિજેતા થશે. પુરુષમાં 96 બેઠક પૈકી 76 બેઠકો પર જનરલ કેટેગરીના ઉમેદવાર હતા. તે હવે ઘટીને 59 પુરુષો રહેશે.
ક્યા હોદ્દેદારની બેઠકમાં ફેરફાર થશે?
મેયર પ્રતિભા જૈન, પૂર્વ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીતા પટેલ, હાલમાં પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટની બેઠકમાં બદલાવ થશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં 46 લાખ મતદારમાંથી 17 લાખથી વધુ એટલે કે 48 ટકા મહિલા મતદાર છે. જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 45.92 લાખ મતદારો નોંધાયા છે. તેમાંથી 23.79 લાખ પુરુષ અને 22.12 લાખ મહિલા મતદારો છે. શહેરની 16 વિધાનસભા બેઠક પર મતદારોમાં સૌથી વધુ 4.55 લાખ ઘાટલોડિયામાં અને સૌથી ઓછા 2 લાખ મતદારો દરિયાપુરમાં છે.
અમદાવાદ શહેરમાં અંદાજે 17 લાખથી વધુ મતદારો ઓબીસી છે. શહેરના 48 વોર્ડની 192 બેઠકોમાંથી 27 ટકા એટલે કે 52 બેઠક ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. દર ત્રીજી કે ચોથી બેઠક પર ઓબીસી ઉમેદવાર ઊભો રહેશે. ઓબીસી અનામતનો અમલ થયા પહેલા ઓબીસી માટે 19 બેઠકો હતી. આ વખતે ઓબીસી અનામતની 33 બેઠકોનો વધારો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ