પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકી ઠેકાણાઓ પર કરેલા હુમલા બાદ પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી પશ્ચિમી સરહદ પર લગભગ 400 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ત્યારે આજે ભારતે સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવાસ્ત્ર'નું સફળ પરીક્ષણ ઓડિશાના ગોપાલપુરમાં કર્યું હતું. SADL એ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવાસ્ત્ર'નું સફળ પરીક્ષણ કર્યું છે જે એક સાથે મલ્ટીપલ ડ્રોન પર પ્રહાર કરવામાં સક્ષમ છે.
આ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલા માઇક્રો રોકેટનું ગોપાલપુરના સીવર્ડ ફાયરિંગ રેન્જમાં ઘણું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન તેણે તમામ નિર્ધારિત ઉદ્દેશ્યો પૂરા કર્યા હતા. આર્મી એર ડિફેન્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં 13 મે 2025 ના રોજ ગોપાલપુરમાં રોકેટ માટે ત્રણ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. એક-એક રોકેટ છોડીને બે પરીક્ષણ કરવામાં આવ્યા હતા. એક પરીક્ષણ 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં બે રોકેટ છોડીને કરવામાં આવ્યું હતું. તમામ ચારેય રોકેટે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું હતું અને મોટા પાયે ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હતા.
જાણો તેની ખાસિયતો...
ભારતીય ડિફેન્સ કંપની સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL)એ હાર્ડ કિલ મોડમાં ઓછી કિંમતવાળી એન્ટી ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્રને ડિઝાઇન અને વિકસિત કરી છે.
તેની ખાસિયત એ છે કે, ભાર્ગવાસ્ત્ર ડ્રોનના ઝુંડને 6 કિલોમીટર કે તેથી વધુની દૂરથી શોધી શકે છે અને તેના હુમલાને નિષ્ક્રિય કરી શકે છે.
અનમેન્ડ એરિયલ વ્હીકલના જોખમોનો તે સારી રીતે સામનો કરી શકે છે.
2.5 કિમી સુધીની દૂરથી આવતા નાના ડ્રોનને શોધવા અને તેમને ખતમ કરવાની ક્ષમતાથી સજ્જ
ભાર્ગવાસ્ત્ર એક માઇક્રો-મિસાઇલ આધારિત ડિફેન્સ સિસ્ટમ છે. તેને ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેને ડ્રોન હુમલાઓથી બચવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ મલ્ટી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે, જેમાં સંરક્ષણના પ્રથમ સ્તર તરીકે બિન-માર્ગદર્શિત માઇક્રો રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 20 મીટરની ઘાતક ત્રિજ્યાવાળા ડ્રોનના ઝુંડને પોતાના પ્રહારથી નિષ્ક્રિય કરી શકે છે.
તેને સમુદ્ર સપાટીથી 5 હજાર મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોની સાથે સાથે અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે દેશની સુરક્ષામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને હાલના દિવસોમાં જે રીતે પાકિસ્તાન તરફથી ભારત પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે તેનાથી એક મજબૂત એન્ટી ડ્રોન સિસ્ટમની ખૂબ જ જરૂર છે.