મેટા પર ₹120 લાખ કરોડના તોતિંગ દંડનું જોખમ!
બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ અમેરિકાના રાજ્યો પહોંચ્યા કોર્ટ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Meta Faces Lawsuit In US: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પર અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સંકટ તોળાઈ રહ્યો છે. અમેરિકાના 4 મુખ્ય રાજ્યોએ કંપની વિરુદ્ધ ગંભીર આરોપો સાથે દાવો દાખલ કર્યો છે, જેમાં ટેક ઉદ્યોગના ઇતિહાસમાં ક્યારેય ન ફટકારાયો હોય એટલો તોતિંગ દંડ કરવાની માંગ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ કેસમાં મેટાને અંદાજે $1.4 ટ્રિલિયન (ભારતીય ચલણમાં આશરે ₹120 લાખ કરોડ) નો દંડ થઈ શકે છે. આ રકમ કેટલી વિશાળ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મેટા કંપનીનું કુલ બજાર મૂલ્ય (માર્કેટ કેપ) $1.5 ટ્રિલિયન છે, અને દંડની માંગ તેના કુલ મૂલ્યની એકદમ નજીક છે.
બાળકોને ડિજિટલ વ્યસની બનાવવાનો ગંભીર આરોપ
આ સમગ્ર કાનૂની વિવાદ કોઈ સામાન્ય ડેટા લીક કે હેક થયેલા યુઝર એકાઉન્ટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી ઘણો ઊંડો અને વ્યાપક છે. અમેરિકાના રાજ્યોનો સીધો આરોપ છે કે મેટા કંપનીએ બાળકો અને કિશોરોને પોતાની એપ્સના બંધાણી બનાવવા માટે જાણી જોઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું માળખું એ રીતે ડિઝાઇન કર્યું છે. કંપની પાસે આ પ્લેટફોર્મ્સથી થતા માનસિક જોખમોની આંતરિક વૈજ્ઞાનિક જાણકારી હોવા છતાં, તેણે યુઝર્સને અંધારામાં રાખ્યા અને પોતાના પ્લેટફોર્મ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કરીને દુનિયાને ગેરમાર્ગે દોરી.
કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં ઓગસ્ટમાં થશે સુનાવણી
બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આ હાઈ-પ્રોફાઈલ કેસની કાનૂની સુનાવણી આગામી ઓગસ્ટમાં કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. હાલમાં આ મુખ્ય કેસમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટુકી અને ન્યુ જર્સી જેવા શક્તિશાળી રાજ્યો સત્તાવાર રીતે સામેલ છે. આ ઉપરાંત, અન્ય 14 રાજ્યોએ પણ મેટા વિરુદ્ધ અલગથી કાનૂની મોરચો ખોલી દીધો છે. રાજ્યોના વકીલોનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આપવામા આવતી સુવિધાઓ જેમ કે સતત સ્ક્રોલ થતી ફીડ્સ, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન્સ, લાઇક્સ સિસ્ટમ અને એન્ગેજમેન્ટ અલ્ગોરિધમ્સ ખાસ કરીને બાળકોનો સ્ક્રીન ટાઈમ વધારવા અને તેમને ચોંટાડી રાખવા માટે જ બનાવવામાં આવ્યા છે.
ચિંતા, ડિપ્રેશન અને ઊંઘની બીમારીઓ: મેટાનો બચાવ
સરકારી એજન્સીઓનો આરોપ છે કે મેટાની આ નીતિઓને કારણે લાખો બાળકોમાં ભારે ચિંતા, હતાશા, ઊંઘની ગંભીર સમસ્યાઓ અને સોશિયલ મીડિયાના ખતરનાક વ્યસન જેવી માનસિક બીમારીઓ ઘર કરી ગઈ છે. બીજી તરફ, મેટાએ આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. કંપનીની દલીલ છે કે 'સોશિયલ મીડિયાનું વ્યસન' એ કોઈ સત્તાવાર તબીબી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત માનસિક બીમારી નથી, તેથી જાણી જોઈને વ્યસન પેદા કરવાનો દાવો પાયાવિહોણો છે. કંપનીએ એમ પણ ઉમેર્યું કે તેમણે યુવાનોની સલામતી માટે પ્લેટફોર્મ પર ઘણી નવી સુવિધાઓ ઉમેરી છે અને $1.4 ટ્રિલિયનના દંડની માંગનો કોઈ મજબૂત કાનૂની આધાર નથી.
પૂર્વ ઇતિહાસ અને ટેક જગત પર તેની સંભવિત અસરો
નોંધનીય છે કે અગાઉ ન્યૂ મેક્સિકોની એક જ્યુરીએ પણ બાળ સુરક્ષાના મુદ્દે મેટા પર $375 મિલિયનનો મોટો દંડ ફટકાર્યો હતો. અમેરિકાના હજારો પરિવારો અને શાળાઓએ માત્ર મેટા જ નહીં પરંતુ ટિકટોક, યુટ્યુબ અને સ્નેપચેટ જેવી અગ્રણી કંપનીઓ સામે પણ મોરચો ખોલ્યો છે. જો ઓગસ્ટમાં યોજાનારી આ ટ્રાયલમાં કોર્ટ અમેરિકી રાજ્યોની તરફેણમાં ચુકાદો આપશે, તો તે માત્ર મેટા માટે જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક ટેક ઉદ્યોગ માટે એક મોટો વળાંક સાબિત થશે, જેનાથી તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના મૂળભૂત અલ્ગોરિધમ્સ અને બાળ સુરક્ષાના નિયમોમાં ફરજિયાત મોટા ફેરફારો કરવા પડશે.
ભારત સરકાર દ્વારા પણ મેટાને કડક નોટિસ
અમેરિકાના કાનૂની દબાણ વચ્ચે, ભારત સરકારે પણ એક અલગ ગંભીર કેસમાં મેટાને આકરી નોટિસ પાઠવી છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા બીબીસી (BBC) ની તપાસમાં ખુલાસો થયો હતો કે ઇન્સ્ટાગ્રામ પર કથિત રીતે બાળ જાતીય સામગ્રી હોસ્ટ કરવામાં આવી રહી છે અને તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત પ્લેટફોર્મ પર પુખ્ત વયના લોકો માટેની આપત્તિજનક સામગ્રીના પ્રસારના પણ ગંભીર આક્ષેપો છે, જેના આધારે ભારત સરકારે સખત વલણ અપનાવીને કંપની પાસે જવાબ માંગ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.