Meta Rights Manager: દિલ્હી હાઈકોર્ટે Meta ના Rights Manager ટૂલની ઍક્સેસ અને પાત્રતાના નિયમો અંગે કંપની પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. કન્ટેન્ટ ક્રિએટર્સના કૉપિરાઇટ હક, ફેક કૉપિરાઇટ સ્ટ્રાઈક અને કથિત ખંડણીના પ્રયાસો અંગેની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે.
Rights Managerને લઈને Meta પાસે હાઈકોર્ટનો જવાબ માંગ્યો
સોશિયલ મીડિયા પર ઓરિજિનલ કન્ટેન્ટની ચોરી અને અનધિકૃત રિ-અપલોડ રોકવા માટે Metaનું Rights Manager એક મહત્વપૂર્ણ કૉપિરાઇટ પ્રોટેક્શન ટૂલ માનવામાં આવે છે. આ ટૂલના માધ્યમથી કન્ટેન્ટ ક્રિએટર્સ અને કૉપિરાઇટ ધારકો પોતાની સામગ્રીનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તેની ઓળખ કરી શકે છે અને જરૂરી કાર્યવાહી કરી શકે છે. હવે દિલ્હી હાઈકોર્ટે Meta પાસેથી Rights Managerની ઍક્સેસ મેળવવાના નિયમો, પાત્રતાના માપદંડો અને અરજીની ચકાસણી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી માગી છે.
કન્ટેન્ટ ક્રિએટર મોહિત કુમારની અરજીથી મામલો ચર્ચામાં
આ મામલો કન્ટેન્ટ ક્રિએટર અને બિઝનેસ કોચ મોહિત કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. અરજીમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કથિત રીતે ખોટી કૉપિરાઇટ સ્ટ્રાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. મોહિત કુમાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ તેમના કન્ટેન્ટને દર મહિને આશરે 7થી 8 કરોડ વ્યૂઝ મળતા હતા. પરંતુ કથિત ફેક કૉપિરાઇટ સ્ટ્રાઈક બાદ આ સંખ્યા ઘટીને માત્ર 3 લાખ માસિક વ્યૂઝ જેટલી રહી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
‘ચોરને ચાવી આપવા જેવી સ્થિતિ’, હાઈકોર્ટની આકરી ટિપ્પણી
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અનુપ જયરામ ભંભાણીની બેંચે Rights Managerની ઍક્સેસ અને તેના દુરુપયોગ અંગે ગંભીર સવાલો કર્યા હતા. કોર્ટે સ્થિતિની સરખામણી “ઘરના માલિકને નહીં પરંતુ ચોરને ચાવી આપવા” જેવી સ્થિતિ સાથે કરી હતી. અદાલતે સવાલ કર્યો હતો કે લાખો ફોલોઅર્સ અને મોટી ઓડિયન્સ ધરાવતા ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર્સને કૉપિરાઇટ સુરક્ષા માટેના ટૂલની ઍક્સેસ મેળવવામાં મુશ્કેલી કેમ પડે છે? મોહિત કુમારે Rights Managerની ઍક્સેસ માટે ત્રણ વખત અરજી કરી હોવા છતાં તેમની અરજીઓ નકારી દેવામાં આવી હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
ફેક કૉપિરાઇટ સ્ટ્રાઈકનો આરોપ, Metaએ શું કહ્યું?
Meta તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે Rights Managerની ઍક્સેસ માટે એક નિશ્ચિત અને વિગતવાર વેરિફિકેશન પ્રક્રિયા છે. કોઈ કન્ટેન્ટ પર કૉપિરાઇટનો કાયદેસર હક કોનો છે તે ચકાસ્યા વગર આ પ્રકારની ઍક્સેસ આપવી મુશ્કેલ બની શકે છે. Metaએ ટેકનિકલ તપાસ બાદ જણાવ્યું કે મોહિત કુમારના એકાઉન્ટ સામે લગાવવામાં આવેલી કથિત ખોટી કૉપિરાઇટ સ્ટ્રાઈક દૂર કરવામાં આવી છે. કંપનીએ એ પણ જણાવ્યું કે કુમારનું એકાઉન્ટ ક્યારેય સસ્પેન્ડ કરવામાં આવ્યું નહોતું. હવે Meta Rights Manager માટેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને મોહિત કુમારને આ ટૂલની ઍક્સેસ કેમ આપવામાં આવી નહોતી તેના કારણો કોર્ટ સમક્ષ રજૂ કરશે.
ફેક Instagram કૉપિરાઇટ સ્ટ્રાઈકથી ખંડણીના આરોપો
આ મામલો માત્ર એક કન્ટેન્ટ ક્રિએટર પૂરતો મર્યાદિત નથી. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ અન્ય અરજીઓમાં પણ ફેક Instagram કૉપિરાઇટ સ્ટ્રાઈકના નામે સંગઠિત ખંડણી રેકેટ ચાલતું હોવાના આરોપો કરવામાં આવ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર નિતિન જોશીએ આ મામલે PIL દાખલ કરી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત મોહમ્મદ નવાઝ શેખ અને પ્રતીક સાહની સાથે જોડાયેલા કેસ પણ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે.
IT Actની કલમ 79 અને Shreya Singhal કેસ પર નજર
દિલ્હી હાઈકોર્ટ હવે Metaની કૉપિરાઇટ સ્ટ્રાઈક અને એકાઉન્ટ સસ્પેન્શન સંબંધિત નીતિઓની કાનૂની સમીક્ષા પણ કરી શકે છે. ખાસ કરીને IT Actની કલમ 79 અને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ Shreya Singhal કેસના ચુકાદા સાથે Metaની કાર્યવાહી સુસંગત છે કે નહીં તે મુદ્દો મહત્વનો બની શકે છે.
કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કેમ મહત્વનો છે આ કેસ?
આ કેસનો નિર્ણય સોશિયલ મીડિયા પર કામ કરતા હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો કૉપિરાઇટ પ્રોટેક્શન સિસ્ટમનો ખોટો ઉપયોગ થાય અથવા ફેક સ્ટ્રાઈકના કારણે ઓરિજિનલ ક્રિએટર્સના રીચ, વ્યૂઝ અને આવક પર અસર પડે, તો તેમની ફરિયાદોના નિરાકરણ માટેની પ્રક્રિયા કેટલી પારદર્શક હોવી જોઈએ તે અંગે પણ કોર્ટનું વલણ મહત્વપૂર્ણ રહેશે. હાલ દિલ્હી હાઈકોર્ટે Meta પાસેથી Rights Managerની ઍક્સેસ, પાત્રતા અને કૉપિરાઇટ ફરિયાદોની તપાસ પ્રક્રિયા અંગે વિગતવાર જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણીમાં Meta કોર્ટ સમક્ષ કઈ વિગતો રજૂ કરે છે તેના પર કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ કૉપિરાઇટ જગતની નજર રહેશે.