નારીશક્તિ-દાંપત્યપ્રેમ સાથે જોડાયેલી છે રમા એકાદશી
વર્ષની સૌથી અંતિમ એકાદશી, રમા એકાદશીની પૌરાણિક કથા પદ્મ પુરાણમાં વર્ણવવાઈ છે

રમા એકાદશી 2025

રમા એકાદશી 2025
સમગ્ર ભારતમાં પ્રકાશના પર્વ તરીકે ઓળખાતી દિવાળીની ઉજવણી આસો વદ અગિયારસથી શરૂ કરીને ભાઈબીજ સુધી, એમ કુલ 7 દિવસમાં વહેંચાયેલી છે. આજે, આ પર્વનો પ્રથમ દિવસ એટલે કે, રમા એકાદશી, જે વર્ષની સૌથી અંતિમ એકાદશી પણ છે. રમા એકાદશી પછી અનુક્રમે વાક્ બારસ, ધન્વંતરિ તેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા મહામૂલ પર્વ આવે છે.
સ્ત્રીનું એક સ્વરૂપ 'રમા'
હિન્દુ ધર્મમાં જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. સ્ત્રીનું એક સ્વરૂપ 'રમા'ના નામથી પણ ઓળખાય છે, જે એક તરફ વિશ્વને ભસ્મીભૂત કરવાની અને બીજી તરફ સંસારને નવજીવન આપવાની શક્તિ ધરાવે છે. તેથી જ રમા એકાદશીનું વ્રત સ્ત્રી સન્માન અને દાંપત્ય જીવનનું મહત્ત્વ દર્શાવે છે.
નારાયણીનું પૂજન
શાસ્ત્રો મુજબ, નારાયણીનું પૂજન નારાયણનું કરીએ ત્યારે સાથે જ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી (રમા) બન્નેને એકસાથે પ્રસન્ન કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને વૈભવનું આહ્વાન થાય છે. સ્ત્રીમાં રહેલા સમર્પણ, સ્નેહ અને સહનશીલતાના સદગુણોની સાથે, તે પોતાના પતિના પ્રાણની રક્ષા માટે પણ તમામ બલિદાન આપવા તત્પર રહેતી હોય છે. આ વાતને યથાર્થ કરતી એક રસપ્રદ પૌરાણિક કથા શ્રીપદ્મપુરાણમાં વર્ણવવામાં આવી છે, જે આ વ્રતનું મહાત્મ્ય અને દાંપત્ય જીવનનું અજોડ મહત્ત્વ સમજાવે છે.
આ પણ વાંચો: રમા એકાદશી: તારીખ, શુભ મુહૂર્ત અને દાનનું મહાત્મ્ય
પદ્મ પુરાણની કથા: ચંદ્રભાગાના વ્રતનો પ્રભાવ
પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે, પ્રાચીન કાળમાં મુચુકુંદ નામના રાજા હતા, જે વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમની પુત્રીનું નામ ચંદ્રભાગા હતું, જેનાં લગ્ન ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયાં હતાં. એકવાર શોભન દશમનાં દિવસે સસરાના ઘરે આવ્યા, જ્યાં નગરમાં એકાદશીના દિવસે કોઈએ ભોજન ન કરવું તેવો ઢંઢેરો પીટાયો. શોભને વ્રત કર્યું, પરંતુ નિયમોનું કડક પાલન ન કરી શકવાને કારણે સૂર્યોદય થતા તેમનો પ્રાણાંત થયો. જોકે, એકાદશીના વ્રતનાં પ્રભાવથી શોભનને મંદરાચળ પર્વતના શિખર પર આવેલ પરમ રમણીય દેવપુર પ્રાપ્ત થયું, પરંતુ તે નગર અસ્થાયી હતું. ત્યારબાદ ચંદ્રભાગાએ પોતાના વ્રતનાં પ્રભાવથી તે નગરને સ્થાયી બનાવવાનો નિશ્ચય કર્યો.
વૈકુંઠ ધામમાં સ્થાન અને અખંડ સૌભાગ્ય
બ્રાહ્મણ સોમશર્મા દ્વારા પતિની સ્થિતિ જાણ્યા બાદ ચંદ્રભાગા વામદેવ મુનિના આશ્રમમાં ગઈ. ઋષિના મંત્રની શક્તિ અને રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તે પોતાના પતિ શોભન પાસે ગઈ. ચંદ્રભાગા એ પોતાના પતિને કહ્યું કે, તેણે 8 વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલી એકાદશીઓના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને તમામ ઈચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.
આ રીતે, રમા એકાદશીના વ્રતનાં પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય સુખો અને વૈભવથી વિભૂષિત બનીને પતિ સાથે મંદરાચળ પર્વતના શિખર પર વિહાર કરે છે. આ એકાદશી ચિંતાહરી અને કામધેનુની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.