ધનતેરસ: આરોગ્ય અને સમૃદ્ધિ માટેનું મહાપર્વ
ધનતેરસ ભગવાન ધન્વંતરી, દેવી લક્ષ્મી અને કુબેરનું પૂજન કરવાની પ્રાચીન પરંપરાઓનું પ્રતીક

ભગવાન ધન્વંતરી

ભગવાન ધન્વંતરી
ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ઉત્સવ નથી, પરંતુ તે આપણી પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના વાહક છે. દિવાળીના 5 દિવસના મહાપર્વનો શુભારંભ ધનતેરસથી થાય છે, જેને ધનત્રયોદશી પણ કહેવામાં આવે છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે આવતો આ દિવસ, ધન-સંપત્તિ, આરોગ્ય અને અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિની પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો છે. આ પર્વ સાથે જોડાયેલી પરંપરાઓ જીવનના મૂળભૂત મૂલ્યોનું પ્રતીક છે. આ દિવસે ધનતેરસની ઉજવણી કરીને લોકો જીવનના 3 મુખ્ય સ્તંભો, ધન, દીપ અને ધન્વંતરીને આવકારે છે.
ભગવાન ધન્વંતરી સાથે જોડાયેલું મહત્ત્વ
ધનતેરસના દિવસનું સૌથી પ્રાચીન અને મૂળભૂત મહત્ત્વ ભગવાન ધન્વંતરી સાથે જોડાયેલું છે, જે દર્શાવે છે કે 'આરોગ્ય એ જ ખરું ધન' છે. ધન્વંતરીને આયુર્વેદના પ્રણેતા અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાનો અર્થ એ છે કે, વ્યક્તિ ધન-સંપત્તિ કરતાં સારા સ્વાસ્થ્યને વધુ મહત્ત્વ આપે છે.
આ પણ વાંચો: ધનતેરસના પર શું કરવું અને શું ન કરવું?
તાંબા કે પિત્તળના કળશ ખરીદવાની પરંપરા
પ્રાચીન ભારતીય પૂરાણોમાં, 'શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્' એટલે કે શરીર જ ધર્મનું પહેલું સાધન છે, તે ભાવનાને આ ધન્વંતરી પૂજન મજબૂત કરે છે. ધન્વંતરી ભગવાન જે સુવર્ણ કળશ લઈને પ્રગટ થયા હતા, તે કળશ માત્ર અમૃતનું જ નહિ, પણ ધન-વૈભવનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ દિવસે નવાં વાસણો, ખાસ કરીને તાંબા કે પિત્તળના કળશ ખરીદવાની પરંપરા શરૂ થઈ હતી.
રિવાજો પાછળ એક ઊંડો સાંકેતિક અર્થ
ધાતુની ખરીદી એ ધનતેરસની સૌથી પ્રચલિત પરંપરા છે. આ રિવાજ પાછળ એક ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો છે: ધનતેરસના દિવસે ખરીદાયેલી ધાતુ ઘરમાં સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ લાવે છે અને તેમાં તેર ગણો વધારો થાય છે. સોનું અને ચાંદી શુદ્ધતા, સ્થિરતા અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક ગણાય છે. પરંપરાગત રીતે લોકો તાંબા, પિત્તળ અથવા ચાંદીનાં વાસણો ખરીદતા હતા. એ ખરીદેલાં વાસણોને ખાલી ઘરમાં લાવવાને બદલે તેમાં ધાન્ય ભરીને લાવવામાં આવતાં હતાં, જેનો અર્થ હતો કે, ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી નહિ થાય.
ધનના રખેવાળ કુબેર દેવતાનું વિશેષ પૂજન
આ પ્રથા એક પ્રકારનું 'શુભ શુકન' ગણાતું, જે નવા વર્ષ માટે સમૃદ્ધિનું બીજ રોપાતું હતું. આજે પણ ધાતુ ખરીદવાનો રિવાજ ઉત્સાહપૂર્વક જળવાયેલો છે. ધનતેરસની સાંજે લક્ષ્મીજી અને ધનના રખેવાળ કુબેર દેવતાનું વિશેષ પૂજન કરવામાં આવે છે. પૂજા હંમેશાં પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવે છે, કારણ કે, આ સમયને દેવી-દેવતાઓની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે.
ચોખાના લોટ કે કુંકુથી રંગોળી
પ્રાચીન પરંપરા મુજબ, આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ચોખાના લોટ કે કુંકુથી રંગોળી દ્વારા દેવી લક્ષ્મીનાં પગલાં ઘરની અંદર આવતાં હોય તે રીતે દોરવામાં આવે છે, જે દેવી લક્ષ્મીના ઘરમાં આવકાર અને આગમન સૂચવે છે. પૂજામાં ધાણા, ખીર-પતાસાં અને લક્ષ્મી-ગણેશની નવી મૂર્તિઓ અર્પણ કરવાની પરંપરા હોય છે. આ લક્ષ્મી પૂજન પરિવારની આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે.
સ્વચ્છતા અને શુદ્ધતા સાથે જોડાયેલો પર્વ
ધનતેરસનો દિવસ દિવાળીના મુખ્ય પર્વની તૈયારીઓનો પહેલો દિવસ હોવાથી, તે સ્વચ્છતા અને શુદ્ધીકરણ સાથે સંકળાયેલો છે. આ દિવસે માત્ર ઘરની બહારની જ નહિ, પણ ઘરની અંદરની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે છે, જેથી ઘરમાં રહેલી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા દૂર થાય અને લક્ષ્મીજીનું સ્વાગત થઈ શકે.
ધન-સંપત્તિ, સારા આરોગ્યની માંગ
પ્રાચીન સમયમાં વેપારીઓ માટે આ દિવસ અત્યંત શુભ ગણાતો હતો. તેઓ આ દિવસે પોતાના નવા હિસાબ-કિતાબની ચોપડીઓ ખરીદતા અને તેનું પૂજન કરતા, જે આવનારા વર્ષમાં સફળતા અને સમૃદ્ધિની નવી શરૂઆતનું પ્રતીક હતું. આમ, ધનતેરસની પરંપરાઓ ધન-સંપત્તિ, સારા આરોગ્યની માંગ સાથે, જીવનના મુખ્ય સ્તંભોને આવરી લે છે, અને ભવિષ્ય માટે આશા, સમૃદ્ધિ અને તંદુરસ્તીના બીજ રોપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.