ગુજરાતમાં તાલુકા વિભાજન મુદ્દે ક્યાં થયો વિરોધ?
બનાસકાંઠામાં ગઢને તાલુકો બનાવવા માંગ, તાલુકા વિભાજનમાં સૌરાષ્ટ્રની બાદબાકીથી વિરોધ
સાબરકાંઠામાં જાદરને નવો તાલુકો જાહેર નહી કરાતાં ભાજપના આગેવાનોના સામુહિક રાજીનામા
સાબરકાંઠામાં જાદરને નવો તાલુકો જાહેર નહી કરાતાં ભાજપના આગેવાનોના સામુહિક રાજીનામા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં રાજકીચ લાભ ખાટવા રાજ્ય સરકારે તાલુકા વિભાજન કરીને 17 નવા તાલુકા જાહેર કર્યા છે. જ્યારે બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લાને કેબિનેટે મંજૂરી આપી છે. તાલુકા વિભાજનને લઈ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
કેટલાક તાલુકા વિભાજનને લોકોએ આવકાર્યુ છે. જ્યારે કેટલાક તાલુકાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. સાબરકાંઠાના ઈડર તાલુકામાંથી જાદરને નવો તાલુકો બનાવવાની વર્ષો જૂની માંગ નહી સંતોષાતા સ્થાનિક ભાજપના આગેવાનોએ સામુહિક રાજીનામા ધરી દઈને વિરોધ શરૂ કર્યો છે. જ્યારે બનાસકાંઠામાં ગઢને નવો તાલુકો બનાવવાની માંગ ફરી ઉઠી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં તાલુકા વિભાજન કરીને 17 નવા તાલુકા જાહેર કરાયા છે. નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યમાં હવે કુલ 34 જિલ્લા અને કુલ 265 તાલુકા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં નવા 23 તાલુકાની રચના કરાયા બાદ 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે.
ઈડર તાલુકામાં ભાજપના આગેવાનોના સામુહિક રાજીનામા
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વિભાજન કરીને જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં ભાજપના સ્થાનિક આગેવાનોએ વિરોધ કર્યો છે. બુધવારે સાંજે ભાજપના આગેવાનોએ ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. જાદરને તાલુકો બનાવવા સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યાં છે. છેલ્લી 6 ટર્મના ધારાસભ્યો સ્થાનિકોને લોલીપોપ આપી રહ્યાં છે.
બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતાં હોય તો ઈડરને કેમ નહીં તેવા સવાલ ઉઠાવી રહ્યા છે. જાદરના 70થી વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ઉતારી સરકાર સામે લડત લડવા નક્કી કર્યુ છે. જાદર પંથકના ગામડાઓમાં ભાજપના એકપણ નેતાને પ્રવેશવા નહી દેવા અને ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા નહી દેવાની ચીમકી આપી છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયત, એપીએમસી, સહકારી સંઘની ચૂંટણીઓ આવી રહી હોવાથી વિરોધની આગ ભાજપને દઝાડશે.
વાવ-થરાદ જિલ્લામાં વધુ તાલુકા સમાવવા પડ્યાં
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરી તેમાં કાંકરેજ અને ધાનેરા તાલુકાનો સમાવેશ કરાયો હતો. જેના પરિણામે બંને તાલુકાના આગેવાનોએ વિરોધ કરી બનાસકાંઠામાં રાખવા માંગ કરી હતી. લોકોના વિરોધના પગલે ધાનેરા અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યા છે.
જ્યારે થરાદ તાલુકાનું વિભાજન કરીને રાહ તાલુકો, કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને ઓગડ તાલુકો, વાવ તાલુકાનું વિભાજન કરીને ધરણીધર તાલુકો બનાવી વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે. નવ રચિત થરાદ જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ ઉપરાંત ભાભર, દિયોદર અને લાખણી તાલુકાને રાખવામાં આવ્યા છે. જ્યારે દાંતા તાલુકાનું વિભાજન કરીને નવો હડાદ તાલુકો બનાવી તેનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ શરૂ થયો હતો. વિરોધને પગલે રાજ્ય સરકારે પારોઠના પગલાં ભરવા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આદિવાસી વિસ્તારો પર ફોક્સ, સૌરાષ્ટ્રની બાદબાકી
તાલુકા વિભાજન મુદ્દે વિરોધ વંટોળ શરૂ થયો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવા તાલુકાની રચના કરવામાં આવી છે. પરંતુ સૌરાષ્ટ્રની બાદબાકી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એકપણ નવો તાલુકો બનાવાયો નથી. રાજ્ય સરકારે વોટ બેન્ક જાળવી રાખવા ઉતાવળિયુ પગલું લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં ભાજપ રાજકીય પક્કડ ગુમાવે તેવી ભીતિ છે. તેના કારણે તાલુકા વિભાજનમાં આદિવાસી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલવા માટે સરકારે આ પગલુ ભર્યું હોવાની ઠેર ઠેર ચર્ચા જાગી છે. ત્યારે સરકારની સ્થિતિ 'સાપે છછૂંદર ગળ્યો હોય' તેવી બને તેવું હાલમાં લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા