સી.આર.પાટીલ સામે પડવું જયેશ રાદડિયાને ભારે પડ્યું? ભાજપના નેતાઓમાં ચર્ચા
વિસાવદરની પેટાચૂંટણીમાં જયેશ રાદડિયા સહિત અનેક નેતાઓનો પાટીલે ખેલ પાડી દીધો

વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ ભાજપ-AAPની રાજનીતિમાં ભેરવાઈ!

વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ ભાજપ-AAPની રાજનીતિમાં ભેરવાઈ!
ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના એટલે કે સી.આર.પાટીલના ઉમેદવાર સામે પડવું જયેશ રાદડિયાને ભારે પડ્યું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જયેશ રાદડિયા સહિત ભાજપના અનેક નેતાઓનો પાટીલે ખેલ પાડી દીધો છે. વિસાવદરની પેટાચૂંટણીમાં જયેશ રાદડિયાને પ્રભારી બનાવી હારનું ઠીકરૂં તેમના ઉપર ફોડતાં જયેશ રાદડિયાનું મંત્રીપદ જોખમમાં મૂકાયું છે. જ્યારે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસને આમ આદમી પાર્ટીની રાજનીતિમાં ભેરવી દઈ પાટીલે એક કાંકરે અનેક પક્ષીઓને પાડી દીધા હોવાની ભાજપના નેતાઓમાં ચર્ચા થઈ રહી છે.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17 હજાર કરતાં વધુ મતથી AAP ના ગોપાલ ઇટાલિયાએ હરાવી દીધા છે. વિસાવદર બેઠક ઉપર કિરીટ પટેલની હાર કરતાં જયેશ રાદડિયાની વધુ ચર્ચા થઈ રહી છે. વિસાવદર બેઠકના તેઓ પ્રભારી હોવાથી હારનું ઠીકરૂ તેમની ઉપર ફોડાયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જયેશ રાદડિયાને પ્રભારી બનાવીને ખેલ પાડી દીધો છે. વિસાવદરની ચૂંટણી હારતાં ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં મેન્ડેટ મુદ્દે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાજપ સામે શિંગડા ભેરવવા જયેશ રાદડિયાને ભારે પડ્યાં છે.
જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાને ઈફકોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં પક્ષે મેન્ટેડ આપ્યો ન હોવા છતાં સી.આર.પાટીલ સામે શિંગડા ભેરવીને ભાજપના ઉમેદવાર બિપીન ગોતાને હરાવ્યાં હતાં. સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડિયાનું વર્ચસ્વ હોવાથી જે તે સમયે ભાજપના નેતાઓએ ચૂપ રહેવાનું મુનાસીબ માન્યુ હતું. હવે વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપે જયેશ રાદડિયાને બરાબરના ભેરવી દીધા છે. સી.આર.પાટીલે વિસાવદરમાં રાદડિયાને પ્રભારી બનાવી ગોપાલ ઇટાલિયા સામે મેદાને ઉતાર્યા હતાં. વિસાવદર બેઠકના મતદારો સત્તાવિરોધી મતદાન કરતાં હોવાની ભાજપને જાણ હોવાથી જયેશ રાદડિયાને જવાબદારી સોંપાઈ હતી.
ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં શું હતો મામલો?
ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરી હતી. જેમાં ભાજપના બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. 182 માંથી 180 મતદારોએ મતદાન કર્યુ હતું. 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત અને તેમના હરીફ બિપિન ગોતાને માત્ર 66 મત મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રાદડિયાએ બાંયો ચડાવી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)ના ડિરેક્ટરપદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ બિપિન ગોતા સામે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે બળવો કરનારા જયેશ રાદડિયાની જીત થઈ હતી..
પાટીલે એક કાંકરે અનેક પક્ષી પાડ્યાં!
વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. પરંતુ રાદડિયાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જાહેરસભામાં કહ્યું હતું કે મને જીતાડો તો રાદડિયા મંત્રી બનશે. વિસાવદર ભાજપ જીતે તો જયેશ રાદડિયાનું મંત્રીપદ પાક્કું હોવાની ચર્ચા હતી. પરંતુ AAP ના ગોપાલ ઈટાલિયાએ બાજી મારી લેતાં જયેશ રાદડિયાનો ખેલ પડી ગયો છે. જયેશ રાદડિયાની સાથે જૂનાગઢ જિલ્લાના ભાજપના અનેક નેતાઓનો પણ ખેલ પડી ગયો છે. વિસાવદર બેઠક હારવાથી રાજેશ ચુડાસમા, હર્ષદ રિબડીયા, જવાહર ચાવડા, કિરીટ પટેલ સહિતના નેતાઓની મહત્વકાંક્ષાઓ ઉપર પાણી ફરી ગયુ છે. ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ જવાહર ચાવડા જીંદાબાદના નારા લાગતાં વિસાવદરની ચૂંટણીના રાજકીય સમીકરણો છતાં થયા છે.
પાટીલની સાથે ખોડલધામે પણ ખેલ પાડ્યો?
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા પાટીદાર નેતા કોણ તે બાબતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે હોડ ચાલી રહી છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીથી વિવાદ શરૂ થયો હતો. પાટીદાર અનામત આંદોલન બાદ જેતપુરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયાને પાછલા બારણે ટેકો આપ્યો હતો. રવિ આંબલિયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી હતા. રાદડિયા સામે પ્રચાર કરવા માટે નરેશ પટેલ પોતે બહાર ન આવ્યા. પરંતુ તેમના પુત્ર શિવરાજે ખુલ્લેઆમ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ ઇફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપે ખોડલધામના ટ્રસ્ટી બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ફોર્મ ભરી ભાજપના ઉમેદવાર બિપિન ગોતાને હરાવ્યા. આ ચૂંટણીમાં બિપિન ગોતા અને નરેશ પટેલની નજીકના દિનેશ કુંભાણીએ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા સહકારી આગેવાનોને જણાવતાં બંને વચ્ચેનો ખટરાગ વધ્યો હતો. જયેશ રાદડિયા ભાજપમાં કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા હોવાથી સરકારમાં વજન વધ્યું હતું. તેથી નરેશ પટેલના પેટમાં તેલ રેડાતું હતું. વર્ચસ્વની લડાઇમાં પાટીદાર સમાજમાં મોટું કોણ તેની બંને વચ્ચે હરીફાઈ શરૂ થઇ. નરેશ પટેલની નજીકના માણસો કહે છે, 2017ની ચૂંટણી પછી બંને વચ્ચે અવિશ્વાસની આગ શાંત થઈ ગઇ હતી. નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હતા. પરંતુ ઇફ્કોની ચૂંટણીએ ઠરી ગયેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. તેવામાં વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં જયેશ રાદડિયાને ભાજપે પ્રભારી બનાવતાં ખોડલધામ ફરીથી સક્રિય થયુ હતુ. જયેશ રાદડિયાને મંત્રીપદ મળે નહી અને ભાજપમાં વર્ચસ્વ ઘટે તે માટે વિસાવદર બેઠક ખોડલધામના આગેવાનોએ ભાજપના ઉમેદવારને હરાવવા પ્રચાર કર્યાનું કહેવાય છે. જેના કારણે લેઉવા પાટીદાર સમાજના મતદારોએ ઈટાલિયા તરફી મતદાન કરતાં તેમની જીત નિશ્ચિત બની હતી.
આમ આદમી પાર્ટીને એક બેઠક આપી કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ?
વિસાવદરની જીતથી AAPને નવજીવન મળ્યું છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ નિરાશ થયા છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. તેવી સ્થિતિમાં કોંગ્રેસનું સંકટ વધુ ઘેરાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની પકડ નબળી પડી રહી છે. AAPના પાંચમાંથી ચાર ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા ત્યારે જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લાગ્યા. જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા. ત્યારે વિસાવદરમાં વિજય બાદ કોંગ્રેસના નેતાઓ AAP તરફ વળે તો ભાજપ માટે વર્ષ 2027ની ચૂંટણી જીતવી આસાન થઈ જાય તેમ છે. AAP હવે કોંગ્રેસના કાર્યકરોને તોડવા નજર રાખી રહી છે. જો આવું થાય તો કોંગ્રેસ માટે સંકટ વધી શકે છે. વિસાવદરમાં વિજય પછી એકમાત્ર AAP પાર્ટી ભાજપ સામે લડી શકે છે તેવો AAPના નેતાઓ દાવો કરી રહ્યા છે.
નારાજ પાટીદાર મતદારોને કોંગ્રેસના બદલે AAP તરફ ડાયવર્ટ કરાયાં?
વિસાવદર બેઠક ઉપર લેઉવા પાટીદાર સમાજ મતદારો નિર્ણાયક હતા. વિસાવદર બેઠકના મતદારો સત્તા વિરોધી મતદાન કરતાં હોવાનો ઈતિહાસ છે. વર્ષ 2007 થી આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા નથી. ભાજપથી નારાજ મતદારો કોંગ્રેસ તરફી મતદાન ન કરે તેમજ કોંગ્રેસ ફાયદો ન ઉઠાવે તે માટે મતદારોને આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પાટીદાર સમાજના સહારે કોંગ્રેસ સત્તા મેળવી હતી. જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજે કોંગ્રેસ તરફી મતદાન કરતાં ભાજપે માંડમાંડ સત્તા ટકાવી રાખી હતી. ગુજરાતમાં લેઉવા પાટીદારોની વસતી 1.10 કરોડ, કડવા પાટીદારોની વસતી 65 લાખ જેટલી છે. સૌરાષ્ટ્રની 21, ઉત્તર ગુજરાતની 12, મધ્ય ગુજરાતની 16 અને દક્ષિણ ગુજરાતમાં 7 જેટલી બેઠકો ઉપર પાટીદાર મતદારો નિર્ણાયક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?