MLA કિરીટ પટેલના રાજીનામાની ચીમકી નાટક પુરવાર
વિધાનસભાના દંડકપદેથી રાજીનામુ આપવાની ચીમકી બાદ ગણતરીના કલાકોમાં ફેરવી તોળ્યું

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારને હોદ્દો આપ્યા હોવાની નારાજગી વ્યક્ત કરી હતી

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારને હોદ્દો આપ્યા હોવાની નારાજગી વ્યક્ત કરી હતી
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભાના દંડક પદેથી રાજીનામુ આપવાની ચીમકી નાટક પુરવાર થઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે વાતચીત કર્યા બાદ તેમણે દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાનું જણાવ્યુ છે. કિરીટ પટેલે માધ્યમો સમક્ષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી, પરંતુ પક્ષમાં થયેલી કેટલીક નિમણૂકો બાબતે વિરોધ હતો. 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમના વિરુદ્ધ કામ કરનારા લોકોને પ્રદેશ કક્ષાએ હોદ્દા આપવામાં આવ્યા હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી.
કિરીટ પટેલે જણાવ્યું કે, રાધનપુરની ઘટના અને પાટણમાં થયેલી કેટલીક નિમણૂકો મુદ્દે તેમણે પક્ષના નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી હતી. રાધનપુરમાં પોતાના ભાષણને રોકવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ સાથે અનુસૂચિત જાતિની રાજ્ય કક્ષાની નિમણૂકો અંગે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહી હોવાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, થોડા સમય પહેલાં રાધનપુરમાં મારી સામે વિરોધ કરનાર વ્યક્તિના વિરૂદ્ધમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત અનુસૂચિત જાતિ સેલમાં નિમણૂક કરવામાં આવી છે તે લોકોએ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં મારા વિરૂદ્ધ કામ કર્યુ હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમારી પાસે રિપોર્ટ માગતાં અમે જેના નામ આપ્યા હતા તેમને જિલ્લા પંચાયતના સભ્ય બનાવી દીધા છે.
આ ઉપરાંત પ્રદેશમાં હોદ્દા આપી દીધા છે. જે યોગ્ય નથી. આ બાબતથી નારાજ થઈને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ પક્ષમાં અમે રહેવાના છીએ. પાટણની જનતાએ અમારા પર ભરોસો મૂક્યો છે. તે ભરોસો અમે કાયમ રાખીશું. જ્યાં સુધી ધારાસભ્ય છું ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ.
તેમણે ઉમેર્યુ કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ તમામ મુદ્દાઓ પર યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. પાર્ટીમાં ખાનગી રિપોર્ટ માગતાં તેમણે સંબંધિત લોકોના નામ આપ્યા હોવાનું જણાવ્યું છે. પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ત્યારે નામ જાહેર કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે. તેથી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દંડક પદેથી રાજીનામાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.
અમારા ઘરનો મામલોઃ અમિત ચાવડા
પંચમહાલ જિલ્લામાં ફરી રહેલી જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, અનુસુચિત જાતિ સેલમાં નિમણૂંકને લઈને પાટણ જિલ્લામાં વિવાદ થયો હોવાનું મારા ધ્યાને આવ્યું છે. બંનેને સાથે બેસાડી સમાધાન કરાવવા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેનને કહી દીધુ છે. અમારા ઘરનો મામલો છે તેથી ઝડપથી સુલઝાવી લઈશું.
શું હતો સમગ્ર મામલો?
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખની વરણીને લઈ લાંબા સમયથી ઉકળતો ચરૂ સોમવારે બહાર આવ્યો હતો. એસસી ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ હિતેષ પીઠડિયાએ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂક કરી હતી.
તેના કારણે પૂર્વ પ્રમુખ હસમુખ સકસેનાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ હસમુખ સકસેનાના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
હસમુખ સક્સેનાએ જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા સામે પાટણ જિલ્લા કોંગ્રેસ ઉપર પોતાનો કબજો જમાવવા માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળી જયાબેન શાહની નિમણૂક રદ કરવા માગણી કરનાર હોવાનું અને પોતાને રિપીટ નહી કરાય તો પાટણ જિલ્લાના 2 હજાર આગેવાનો સાથે સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર ઘટનાક્રમ બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ફૂટેલી તોપો અને હિતેન્દ્ર પીઠડિયા જેવા નેતાઓના ઈશારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લીધા વગર આડેધડ નિમણૂંકો કરવામાં આવી છે. આવા નેતાઓ મનમાની બંધ નહીં કરે તો આગામી સમયમાં આંદોલન કરાશે. અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખની નિમણૂક અંગે ફેર વિચારણા નહી કરવામાં આવે તો વિધાનસભા દંડક પદેથી રાજીનામુ આપવાની ચીમકી આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!