કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદના રોડ તૂટી ગયા!
અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કમિટીના પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈનું હાસ્યાસ્પદ નિવેદન

સામાન્ય સભામાં ગંભીર ચર્ચા કરવાના બદલે કોર્પોરેટરે ઉડાઉ નિવેદન આપી સવાલ ટાળી દીધો

સામાન્ય સભામાં ગંભીર ચર્ચા કરવાના બદલે કોર્પોરેટરે ઉડાઉ નિવેદન આપી સવાલ ટાળી દીધો
“કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા” આવું હાસ્યાસ્પદ નિવેદન ભાજપના સિનિયર કોર્પોરેટર અને AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈએ કર્યુ છે. સામાન્ય સભામાં નાગરિકોની સમસ્યા મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવાના બદલે હાસ્યાસ્પદ નિવેદન કરી મહાદેવ દેસાઈએ કોંગ્રેસના સવાલને ટાળી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, મહાદેવ દેસાઈ રોડ કમિટીના ચેરમેન હતા ત્યારે તેમના કાર્યકાળમાં વ્હાઈટ ટોપિંગ રોડ મંજૂર થયા હતા. કોંગ્રેસની નજર લાગી એટલે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો પર નજર ન રાખવામાં આવતાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયાનો આરોપ લાગ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળી હતી. જેમાં AMC દ્વારા બનાવાયેલા વ્હાઇટ ટોપિંગ રોડ કોંગ્રેસની નજર લાગવાના કારણે તૂટે છે તેવું રોડ કમિટીના પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈએ સામાન્ય સભામાં હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું. જો કે, રોડને નજર લાગી હોવાના વિવાદિત નિવેદન બાદ મહાદેવ દેસાઈ સામાન્ય સભામાંથી તરત જ રવાના થઇ ગયા હતા.
શહેરને સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ મળતાં ભાજપે અભિનંદન ઠરાવ પસાર કર્યો હતો. ભાજપી સભ્યોએ પાટલી થપથપાવી સમર્થન આપ્યું હતું. આ સમયે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ મહિલા મેયરને બદલે રાજ્યના પુરુષ મંત્રીના હસ્તે એવોર્ડ સ્વીકારવા મામલે વિરોધ કરી મહિલાનું અપમાન ગણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પ્રોટોકોલ મુજબ એવોર્ડ સ્વીકાર્યો હોવાનો કહી જેણે કદી સારા કામ કર્યા ન હોય તેને આવી ખબર ન પડે તેવો ટોણો મારી સમગ્ર મામલાને ઉડાવી દીધો હતો.
ત્યારબાદ શૂન્યકાળ દરમિયાન વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે શાસક પક્ષને આડે હાથે લીધો હતો. તેમણે જણાવ્યું કે, ફક્ત ભાજપના અધિકારીઓનો નહિ, શહેરના નાગરિકોનો પણ આભાર માનો. કામ કર્યા હોય તો એવોર્ડની વાહવાહી ન કરવી પડતી. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ પર આકરા પ્રહાર કરી વિભાગના અધિકારીઓની માનસિક સ્થિતિ ચકાસવા અને MRI કરાવવા સૂચન કર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારના બ્રિજ અંગે CSIR વિભાગ દ્વારા આપવામાં આવતાં સૂચનો અને રિપોર્ટનો અમલ કરવામાં આવતો નથી. ઇન્કમટેક્સ, રાણીપ, અજિત મિલ ફલાયઓવરમાં ગંભીર ભૂલો વિભાગે કરી છે. 64 કરોડના ખર્ચે પલ્લવ ફ્લાયઓવરના બદલે અન્ડર પાસ બનાવવાનો રિપોર્ટ હતો. તેમ છતાં બ્રિજ વિભાગે 104 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવ્યો છે. પાંજરાપોળ ફ્લાયઓવર માટે યુનિવર્સિટીથી નહેરૂનગર તરફ બનાવવાનો રિપોર્ટ હતો. તેમ છતાં AMC એ પોલિટેક્નિકથી IIM તરફ ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કર્યો.
વિપક્ષ નેતાના આરોપ બાદ ડેપ્યુટી મેયર જતીન પટેલે રિપોર્ટ હોય તો સબમિટ કરવા કહ્યું હતું. વિપક્ષે તમામ રિપોર્ટ જમા કરાવવા ચેલેન્જ સ્વીકારી હતી. વિપક્ષી નેતા અને ડેપ્યુટી મેયર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. વિપક્ષે CSRIના સૂચનવાળો કોઈ રિપોર્ટ દિલ્લીથી આવે છે કે નહીં તેનો જવાબ મ્યુનિસિપલ કમિશનરને આપવા કહ્યું હતું. વિપક્ષની ચેલેન્જ સામે કમિશનર અને ભાજપે મૌન સેવ્યુ હતું. જલારામ અંડરપાસ, સત્તાધાર ફ્લાયઓવરમાં અનેક ગેરરીતિ થઈ હતી. 1 હજાર દિવસ થવા છતાં વૈજ્ઞાનિક કરતા વધુ બુદ્ધિશાળી AMC અધિકારીઓ હાટકેશ્વર બ્રિજ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.
વિપક્ષે મેયર અને કમિશનરને સવાલ કર્યો હતો કે, બ્રિજ તોડયા બાદ નવો બ્રિજ બનાવશો કે નહીં એનો સ્પષ્ટ જવાબ આપો. વિપક્ષના પ્રશ્ન સામે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ઉડાઉ જવાબ આપ્યો હતો કે, નવો બ્રિજ બનાવવો કે નહીં એ વિચારવામાં આવશે. જે નુકશાન થયું તેની વસૂલાત કરાશે. કોન્ટ્રાકટરે લેખિતમાં આપ્યું છે કે તેઓ પોતાના ખર્ચે તોડીને નવો બ્રિજ બનાવશે.
ચોમાસા દરમિયાન એએમસીના સત્તાધીશોએ વરસાદી પાણી નહીં ભરાવા બાબતે મોટા દાવાઓ કર્યા હતા. પરંતુ ભાજપના શાસનમાં લોકોને ફક્ત મુશ્કેલી નહીં જાનથી હાથ ધોવાનો વારો આવે છે. નિકોલના મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા એકનું મોત થયું હોવાનો તેમજ ખારીકટ કેનાલમાં એક વ્યક્તિ તણાઈ જતા એકનું મોત થયું હોવાનો દાવો કરાયો હતો. તેમ છતાં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરાતી નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?