સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે વિકાસ કમિશનરે પ્રક્રિયા આરંભી
ખેડા જિલ્લા પંચાયત સહિત 3 તાલુકા પંચાયતના જાહેરનામા પ્રસિદ્ધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ
રાજ્યમાં નવેમ્બરના અંતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ શરૂ થાય તેવી શક્યતા છે. 5,410 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. વિકાસ કમિશનરે ખેડા જિલ્લા પંચાયત તેમજ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રક્રિયા શરૂ કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ નહી થતાં બે વર્ષથી પ્રક્રિયા ખોરંભે પડી હતી.
મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા ચૂંટણી 23 નવેમ્બરે પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. વિકાસ કમિશનરે ખેડા જિલ્લા પંચાયતની 44, કઠલાલ તાલુકા પંચાયતની 24, કપડવંજ તાલુકા પંચાયતની 26 અને ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ નવા સીમાંકન મુજબ બેઠકો જાહેર કરી વિધિવત રીતે ચૂંટણી જાહેર કરશે.
વાવ બેઠકની ચૂંટણી બાદ બનાસકાંઠાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે
વિકાસ કમિશનરની કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આચારસંહિતા અમલી છે.તેથી બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની અનામત બેઠકો અંગે જાહેરનામુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરાશે. વાવ બેઠકની ચૂંટણીની મતગણતરી 23 નવેમ્બરે થનાર હોવાથી 25 નવેમ્બર બાદ જાહેરનામુ બહાર પડશે.
ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે
ખેડા, બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 72 નગરપાલિકા અને 5319 ગ્રામ પંચાયતની ચૂંટણી થનાર છે. આ ઉપરાંત મહાનગરપાલિકા સહિત ખાલી પડેલી 84 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. રાજ્યમાં અઢી વર્ષથી ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ખેડા જિલ્લા પંચાયતની કુલ 44 બેઠકોમાંથી 2 એસસી, 1 એસટી, 12 ઓબીસી અને 29 બેઠકો જનરલ જાહેર કરવામાં આવી છે. જેમાં ઓબીસી મહિલા માટે 6, એસસી મહિલા માટે 1 અને જનરલ મહિલા માટે 15 બેઠકો અનામત રાખવામાં આવી છે.
કપડવંજ તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 1 એસસી, 1 એસટી, 7 ઓબીસી અને 17 જનરલ, કઠલાલ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 1 એસસી, 1 એસટી, 6 ઓબીસી અને 16 જનરલ જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 1 એસસી, 1 એસટી, 8 ઓબીસી અને 18 બેઠકો જનરલ જાહેર કરવામાં આવી છે.
90 ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનું શાસન
રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે. જ્યારે 231 તાલુકા પંચાયતની બેઠકોમાંથી 196 એટલે કે 86 ટકા બેઠકો ભાજપ પાસે અને 33 એટલે કે 14 ટકા બેઠકો કોંગ્રેસ પાસે છે. ચૂંટણી યોજાવાની છે તેવી 81 નગરપાલિકા પૈકી 75 નગરપાલિકામાં ભાજપ, 3 નગરપાલિકામાં કોંગ્રેસ અને 3 નગરપાલિકામાં અન્ય પક્ષનું શાસન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?