મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનના લાફા કાંડનો વિવાદ વકર્યો!
ચરાડા સ્થિત ગોડાઉનમાં દૂધના પાવડરનો જથ્થો એક્સપાયર થયાનો વાઈસ ચેરમેનનો આક્ષેપ

દૂધના પાવડરના જથ્થાના બહાને રાજકારણ કરી પશુપાલકોને નુકસાન કરવાનો ચેરમેનનો આરોપ

દૂધના પાવડરના જથ્થાના બહાને રાજકારણ કરી પશુપાલકોને નુકસાન કરવાનો ચેરમેનનો આરોપ
મહેસાણાની દૂધસાગર ડેરીની નિયામક મંડળની મિટીંગમાં ચેરમેને વાઈસ ચેરમેન સાથે લાફાવાળી કરી હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ચરાડા સ્થિત ડેરીના ગોડાઉનમાં એક્સપાયર થયેલા દૂધના પાવડરનો જથ્થો વાઈસ ચેરમેને જાહેર કરતાં વિવાદ વધુ વકર્યો છે. જો કે, દૂધના પાવડરના જથ્થાના બહાને વાઈસ ચેરમેન પોતાના સ્વાર્થનું રાજકારણ રમી લાખો પશુપાલકોને નુકસાન કરી રહ્યા હોવાનો ચેરમેન વળતો પ્રહાર કરતાં મહેસાણાના દૂધીયા રાજકારણમાં ઉભરો આવ્યો છે.
દૂધસાગર ડેરીની શુક્રવારે (27 જૂન) મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે કેટલાક સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ હોબાળો થતાં વાઈસ ચેરમેન બેઠક છોડીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ચેરમેન અશોક ચૌધરીએ ઉશ્કેરાઈ જઈને લાફો ઝીંકી દીધો હોવાનો યોગેશ પટેલે આક્ષેપ કરતાં હોબાળો થયો હતો. ત્યારબાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલે અશોક પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
લાફાકાંડનો વિવાદ શમ્યો નથી તેવામાં શનિવારે (28 જૂન) વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડામાં આવેલા ડેરીના ગોડાઉનમાં પહોંચ્યા હતા. જ્યાં અમૂલ મિલ્ક પાવડરનો એક્સપાયર થયેલો જથ્થાનો સંગ્રહ કરાયો હતો. વાઇસ ચેરમેન યોગેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, 'અમૂલ મિલ્ક પાવડરનો જૂનો જથ્થો પડ્યો રહે અને નવો જથ્થો મંગાવે છે. જેના કારણે દૂધસાગર ડેરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમામ નુકસાનની જવાબદારી ચેરમેન અશોક ચૌધરીની છે.'
વાઈસ ચેરમેન યોગેશ પટેલે દૂધના પાવડરના જથ્થા અંગે કરેલાં આક્ષેપ મુદ્દે ચેરમેન અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ભારતમાં વેચાણ માટે બનતા દૂધના પાવડર ઉપર 18 મહિના અને વિદેશમાં વેચાણ માટે તૈયાર થતા દૂધના પાવડર ઉપર 24 મહિના એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. ત્યારબાદ પણ પાવડરનો જથ્થો પડી રહે તો તેના સેમ્પલ લઈને ફેડરેશનને મોકલવામાં આવે છે. તેથી ફેડરેશનના નિયમો હેઠળ પારદર્શક પ્રક્રિયા થતી હોય છે. પશુપાલકોની સંસ્થામાં એક પૈસાનું પણ ખોટું થતું નથી. અમુલ બ્રાન્ડમાં કોઈપણ જાતની બાંધછોડ ચાલતી નથી. પોતાના સ્વાર્થ માટે ડેરીને બદનામ કરવામાં આવી રહી છે. પોતાના રાજકારણ માટે ડેરીને બદનામ કરી તેઓ પશુપાલકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભાજપ શાસિત દૂધસાગર ડેરીના સત્તાધીશો વચ્ચે બે ફાંટીયા પડી જતાં વિવાદ વધુ ઘેરાયો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ડેરીના વાર્ષિક હિસાબને લઈને બેઠકમાં હુમલો થયો હોવાનો દાવો કરાયો છે. પરંતુ, દાળમાં કંઈક કાળુ હોય તેમ દૂધસાગર ડેરીના સત્તાધીશો અને ભાજપના નેતાઓ વચ્ચે કંઈક મોટું રંધાઈ રહ્યું છે. તેવામાં વિવાદ શાંત નહી પાડવામાં આવે તો આગામી દિવસોમાં દૂધસાગર ડેરીના રાજકારણથી શરૂ થયેલી જાતિવાદની આગ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રસરે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.