વિજયની એન્ટ્રીથી 50 વર્ષ જૂનું રાજકીય ગણિત ખોરવાયુ
ગઠબંધન માટે મથામણ

વિજયની એન્ટ્રીથી 50 વર્ષ જૂનું રાજકીય ગણિત ખોરવાયું

વિજયની એન્ટ્રીથી 50 વર્ષ જૂનું રાજકીય ગણિત ખોરવાયું
Tamil Nadu Political Crisis: દક્ષિણ ભારતના રાજકારણના ગઢ ગણાતા તમિલનાડુમાં હાલમાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી સર્જાઈ છે. છેલ્લા પાંચ દાયકાથી દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK વચ્ચે વહેંચાયેલા આ રાજ્યમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ના ઉદયે તમામ સમીકરણો બદલી નાખ્યા છે. કોઈ પણ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળતા, સરકાર બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની ગઈ છે.
વિજય સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા, પણ 'જાદુઈ આંકડો' દૂર
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVK 108 બેઠકો સાથે રાજ્યના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. જોકે, 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. વિજય પાસે હાલમાં પોતાની 108 બેઠકો છે અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ તેમને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી આ આંકડો 113 પર પહોંચ્યો છે. તેમ છતાં, તેઓ હજુ પણ બહુમતીના આંકડાથી 5 બેઠકો દૂર છે.
બે વાર સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
વિજય અત્યાર સુધીમાં બે વાર રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી ચુક્યા છે, પરંતુ રાજ્યપાલે 118 ધારાસભ્યોની સત્તાવાર યાદી ન મળે ત્યાં સુધી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ પાંચ ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે વિજય હવે ડાબેરી પક્ષો અને VCK (વિടുതલાઈ ચિરુથાઈગલ કાચી) નો સંપર્ક કરી રહ્યા છે, જેઓ હાલમાં 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે.
AIADMK અને ભાજપ વચ્ચેના છેડા ફાડવાની તૈયારી
બીજી તરફ, રાજ્યના રાજકારણમાં મોટું પરિવર્તન આવવાના સંકેતો મળી રહ્યા છે. ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર AIADMK હવે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું હોય તેવું જણાય છે. જયલલિતાના નિધન બાદ સતત ચાર ચૂંટણીમાં હારનો સામનો કરી ચુકેલી AIADMK પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વ્યૂહાત્મક ફેરફાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે ચૂંટણી પ્રચાર દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે DMK તેમના રાજકીય વિરોધી છે અને ભાજપ વૈચારિક વિરોધી છે. જો AIADMK ભાજપ સાથેનું જોડાણ તોડી નાખે, તો વિજયને તેમની સાથે હાથ મિલાવવામાં કોઈ વાંધો ન હોઈ શકે. આ ગઠબંધન તમિલનાડુમાં એક નવું અને શક્તિશાળી સમીકરણ રચી શકે છે.
DMK અને AIADMK: શું કટ્ટર હરીફો એક થશે?
રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે વિજયના વધતા પ્રભાવને રોકવા માટે રાજ્યના બે કટ્ટર હરીફ પક્ષો DMK અને AIADMK પડદા પાછળ એક થઈ શકે છે. ભાજપ પણ નથી ઈચ્છતું કે કોંગ્રેસના સમર્થનથી વિજય સત્તા પર આવે, તેથી ભાજપ આ અસામાન્ય ગઠબંધનને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું મનાય છે. જોકે, DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન આ બાબતે સાવધ છે. તેમને ડર છે કે જો તેઓ AIADMK સાથે જોડાશે તો તેમના સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ શકે છે. આથી, DMKએ અત્યારે એવી વ્યૂહરચના અપનાવી છે કે રાજ્યપાલે વિજયને સરકાર બનાવવાની તક આપવી જોઈએ અને તેમને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે છ મહિનાનો સમય આપવો જોઈએ.
વિજયનો 'રાજીનામા'નો માસ્ટરસ્ટ્રોક
જ્યારે DMK અને AIADMK વચ્ચે સંભવિત જોડાણના સમાચાર વાયુવેગે ફેલાયા, ત્યારે વિજયની પાર્ટી TVKએ એક આક્રમક યુક્તિ રમી છે. TVKએ જાહેરાત કરી છે કે જો લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ જઈને DMK-AIADMK ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરશે, તો તેના તમામ 108 ધારાસભ્યો સામૂહિક રીતે રાજીનામું આપી દેશે. આ જાહેરાત પાછળનો હેતુ જનતાની સહાનુભૂતિ મેળવવાનો અને સમર્થકોને રસ્તા પર ઉતારવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.