સુરતમાં ગિરિરાજ સિંહના ધડાકેદાર નિવેદનો! જ્ઞાનેશ કુમારથી રાહુલ ગાંધી સુધી કોને શું કહ્યું?
જ્ઞાનેશ કુમારના રાજીનામાથી રાહુલ ગાંધી અને ટેક્સટાઇલ મજૂરોની રજા સુધી—કેન્દ્રીય મંત્રીએ કોને શું સંભળાવ્યું?

સુરતમાં ગિરિરાજ સિંહના આકરા રાજકીય પ્રહાર

સુરતમાં ગિરિરાજ સિંહના આકરા રાજકીય પ્રહાર
Giriraj Singh Slams Rahul Gandhi: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ 9 ઓક્ટોબરથી ત્રણ દિવસીય સુરત મુલાકાતે આવ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ એકમોની મુલાકાત વચ્ચે સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ, રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન, સુરતના ટેક્સટાઇલ શ્રમિકોની સાપ્તાહિક રજા, મજૂરોના સ્થળાંતર અને દેશના અર્થતંત્ર અંગે નિવેદનો આપ્યાં હતાં.
‘જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે?’
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અંગે ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે? મીઠું-મીઠું ગપ-ગપ, કડવું-કડવું થૂ-થૂ! પહેલાં રાહુલ ગાંધી પોતે લોકસભામાંથી રાજીનામું આપે જો નાજાયઝ હોય તો અને કર્ણાટકની સરકારનું, તેલંગાણાની સરકારનું રાજીનામું અપાવે. જ્ઞાનેશ કુમાર રાજીનામું નહિ આપે.”
‘રાહુલ ગાંધી દેશમાં અરાજકતાનો માહોલ બનાવવા માગે છે’
‘દિલ્હી ચલો’ના કોલ અને વિપક્ષના સતત આંદોલન અંગે પ્રતિક્રિયા આપતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું, “હું નથી જાણતો કે કોણ કોકરોચ છે, કોણ વંદો છે અને કોણ કાચિંડો છે. દેશમાં રાહુલ ગાંધી જેવા લોકો બાંગ્લાદેશ અને નેપાળ જેવો અરાજકતાનો માહોલ બનાવવા માગે છે. આ ભારતની યુવા શક્તિ અને આ જે વંદાઓ છે, આ ફક્ત મોદીજીના વિરોધમાં છે. રાહુલની સાથે-સાથે બધા લોકોના ચહેરા ખુલ્લા પડી ચૂક્યા છે.”
‘અમે કોમ્યુનિસ્ટોની જેમ મિલ અને મજૂરોના વિરોધી નથી’
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા, રજા માગવા પર નોકરીમાંથી કાઢી મૂકવાના આક્ષેપો અને 12-12 કલાકની ડ્યૂટીના પ્રશ્ન અંગે ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “અમે સામ્યવાદીઓ (કોમ્યુનિસ્ટો)ની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. મિલ મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર પોતાના મિલ માલિકને પરિવાર માને, આ જ સંબંધ સૌથી સારો ચાલશે. અને હું આગળ વાત કરીશ ત્યારે હું આ બધા પ્રશ્નોનો જવાબ આપી શકીશ.”
‘પલાયન શબ્દ ઘણો ખતરનાક શબ્દ છે’
સુરતમાંથી મજૂરોના પલાયન અને વિપક્ષના આક્ષેપો અંગે કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું હતું કે, “આ બધો વિપક્ષનો ઉભો કરેલો ખેલ છે. પલાયન શબ્દ ઘણો ખતરનાક શબ્દ છે. આ એક 'નેરેટિવ' શબ્દ છે અને કેટલાક લોકો નેરેટિવ બનાવવામાં લાગેલા રહે છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “દેશમાં અત્યારે બેરોજગારોની સંખ્યા રાજકીય પક્ષોમાં ઘણી વધારે છે. કોંગ્રેસ સહિત બધા લોકો બેરોજગાર થઈ ગયા છે. તેઓ રોજગારી માટે નેરેટિવ બનાવે છે.” રોજગારીની તકો અંગે ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “ડબલ એન્જિન સરકારના કારણે અન્ય રાજ્યોમાં રોજગારીની તકો ઉભી થઇ છે. કેટલાય રાજ્યોમાં રોજગારની તકો વધી છે. જ્યારથી મોદીજીની સરકાર આવી છે, એમાંથી કેટલાક રાજ્યો જેવા કે બિહાર, ઉત્તર પ્રદેશ મોદીજીની જ સરકાર છે, ત્યાં માહોલ બન્યો છે. તો કોઈ મજૂરને જો લાગતું હશે કે અમને ગામમાં વધુ સારું કામ મળે છે, પણ આને પલાયન ન કહી શકાય.”
‘મોદીના નેતૃત્વમાં દેશ 10માથી ચોથા-છઠ્ઠા ક્રમે પહોંચ્યો’
દેશના અર્થતંત્ર અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં મંદી અંગેના સવાલ પર ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “ખાડી યુદ્ધના કારણે આખી દુનિયામાં અસર પડી છે. એ પ્રમાણમાં પ્રોડક્ટના ભાવ વધ્યા નથી. હું તેની તપાસ કરીશ, ત્યારે હું આ પ્રશ્નોનો ઉત્તર આપી શકીશ. હું એટલું જાણું છું કે દેશ આગળ વધી રહ્યો છે અને મારા કહેવાથી નહીં, દુનિયા માની રહી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10મા સ્થાન પરથી ચોથા અને છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. નિકાસ વધી છે. જ્યાં 19 લાખનું હતું, આજે 80 લાખથી ઉપર થઈ ગયું છે.” નિકાસ અંગે રજૂ કરાયેલા આંકડાનો ચોક્કસ માપદંડ અને સમયગાળો મંત્રીએ આ વાતચીતમાં સ્પષ્ટ કર્યો નહોતો.
ત્રણ દિવસીય સુરત મુલાકાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પર ફોકસ
ગિરિરાજ સિંહ 9થી 11 ઓક્ટોબર દરમિયાન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ એકમો અને ઉદ્યોગ સંગઠનોની મુલાકાત લેશે. 9 ઓક્ટોબરે સરસાણા સ્થિત SGCCI હોલમાં ‘વિકાસ વિમર્શ’ અંતર્ગત PLI અને MMF ઉદ્યોગ સંવાદ, FOSTTA અને મિલિનિયમ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત તથા MANTRAIના 50મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવાનો કાર્યક્રમ છે. 10 ઓક્ટોબરે તેઓ હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક, અલ્ટ્રા ડેનિમ લિમિટેડ અને સચિન GIDCનાં એકમોની મુલાકાત લેશે. બપોરે સર્કિટ હાઉસ ખાતે PM મિત્રા પાર્કના સંદર્ભમાં રોકાણકારો સાથે બેઠક યોજાશે. 11 ઓક્ટોબરની સવારે તેઓ દિલ્હી જવા રવાના થશે. ગિરિરાજ સિંહની મુલાકાત દરમિયાન રાજકીય નિવેદનોની સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોની સાપ્તાહિક રજા, કામના કલાકો, રોજગારી અને રોકાણ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!

રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! PM મોદીની કથિત ટિપ્પણી સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી પર રોક