ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં ચોંકાવનારો આક્ષેપ, ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ
નર્મદા જિલ્લામાં ભાજપના બચુ ખાબડ અને કોંગ્રેસના હીરા જોટવાએ મળીને 400 કરોડ ચાઉં કર્યા

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ મુદ્દે હીરા જોટવાએ માનહાનિના દાવાની ચીમકી ઉચ્ચારી

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ મુદ્દે હીરા જોટવાએ માનહાનિના દાવાની ચીમકી ઉચ્ચારી
દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના પરિવારની સંડોવણી બહાર આવી હતી. બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. દાહોદ બાદ નર્મદા જિલ્લામાં ભાજપના નેતા બચુ ખાબડ અને કોંગ્રેસના નેતા હીરા જોટવાએ મળીને રૂપિયા 400 કરોડનું મનરેગા કૌભાંડ આચર્યુ હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. ચૈતર વસાવાના આક્ષેપ મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવાએ માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારતાં ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દાહોદ અને પંચમહાલ બાદ હવે નર્મદા જિલ્લામાં 400 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના બચુ ખાબડ અને કોંગ્રેસના નેતા હીરા જોટવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર વર્ષ 2020-21 થી 2022-23 દરમિયાન જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી મારફતે મટિરિયલ સપ્લાય કરી રૂપિયા 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ છે.
ચૈતર વસાવાએ ઉમેર્યુ કે, ભૂતકાળમાં સરપંચોને સાથે રાખીને અમે આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી. પરંતુ મોટા કદના નેતા હોવાના કારણે અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું.
ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, અમને માહિતી મળી છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કરોડો રૂપિયાના પેમેન્ટ ચૂકવાયા છે. એકપણ જગ્યા ઉપર કામ થયા નથી. કોઈપણ ગામમાં એકપણ જગ્યાએ રેતી, કપચી આપ્યા વગર તેમજ જીએસટી વગરના બીલો મૂક્યા વગર પંચાયતના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે. કોંગ્રેસ અને ભાજપ ભાઈ ભાઇ છે.
અત્યાર સુધી લોકોને એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે. પરંતુ દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા જેવા ટ્રાઈબલ વિસ્તારોમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતા હીરા જોટવાએ પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે. હીરા જોટવા અને કોંગ્રેસ અહીંના પૈસાથી કોંગ્રેસ ચલાવી રહ્યા છે.
અમારી સરકાર સમક્ષ વિનંતી છે કે, જલારામ એજન્સી દ્વારા નર્મદા જિલ્લામાં જે પણ કામો કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો 400 કરોડથી વધારેનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. નૈતિક જવાબદારી સમજીને બચુભાઈ ખાબડને મંત્રીપદ પરથી દૂર કરવામાં આવે અને આ હીરા જોટવાની એજન્સીઓએ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડ કર્યા છે તેમની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલા ગંભીર આક્ષેપો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. ચૈતર વસાવાના આરોપ મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવાએ સોશિયલ મીડિયામાં પોતાનો જવાબ વાયરલ કરીને બચુ ખાબડ સાથે ભાગીદારીમાં ધંધો નહી હોવાનો દાવો કર્યો છે. જ્યારે પોતાની સામે આક્ષેપ કરનાર ચૈતર વસાવા સામે ઇતિહાસનો સૌથી મોટો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત ચૈતર વસાવાના સ્થાનિક ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો હોવાનો અને તેમની સાથે ભાગીદારીમાં અનેક ધંધા કરતાં હોવાનો વળતો પ્રહાર કર્યો છે. ચૈતર વસાવા 10 ટકા કમિશન લીધા વગર કામ કરતાં નહી હોવાનો તેમજ ભાજપના નેતા ઘનશ્યામ પટેલ સાથે ધંધામાં ભાગીદારી હોવાનો હીરા જોટવાએ ગંભીર આક્ષેપ કરતાં મામલો ગરમાયો છે. જો કે, એક વાત સ્પષ્ટ થઈ છે કે, ગુજરાતના મનરેગા કૌભાંડમાં તમામ પાર્ટીઓના નેતાઓના હાથ કાળા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!