શશી થરૂરને વિદેશમંત્રી બનવાની ઈચ્છા: મણિશંકર અય્યર
મણિશંકર અય્યરે શશી થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ પર આકરા પ્રહારો કર્યા

શશી થરૂર

શશી થરૂર
કોંગ્રેસના વરિષ્ઠ અને હંમેશા વિવાદોમાં રહેતા નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામે મોરચો ખોલીને દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. અય્યરે ખાસ કરીને શશી થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ જેવા નેતાઓ પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર એટલા વિખરાયેલા છે કે તેઓ ડાબેરી પક્ષો કરતા પણ એકબીજા પ્રત્યે વધુ નફરત ધરાવે છે. આ તીવ્ર જૂથવાદને કારણે તેમણે એવી આશંકા વ્યક્ત કરી છે કે, આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વિજય મેળવવો અત્યંત મુશ્કેલ બની રહેશે. અય્યરના આ નિવેદનોએ કોંગ્રેસની આંતરિક ખેંચતાણને જાહેરમાં લાવી દીધી છે, જેના કારણે પાર્ટી હાઈકમાન્ડ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ છે.
પોતાનો હોદ્દો કે નોકરી બચાવવા જ મથામણ
મણિશંકર અય્યરે તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર પર કટાક્ષ કરતા તેમને 'પાકિસ્તાન વિરોધી' ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, શશી થરૂરની ખરી મહત્વાકાંક્ષા ભારતના આગામી વિદેશ મંત્રી બનવાની છે. આટલું જ નહીં, તેમણે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાને પાર્ટીની 'કઠપૂતળી' ગણાવીને તેમને એક હતાશ પૂર્વ અધિકારી તરીકે સંબોધ્યા હતા. અય્યરના મતે પવન ખેડા વાસ્તવિક પ્રવક્તા નથી અને તેઓ છેલ્લા 2 વર્ષથી તેમની વિરુદ્ધ અપશબ્દો બોલી રહ્યા છે. બીજી તરફ, તેમણે જયરામ રમેશ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ માત્ર પોતાનો હોદ્દો કે નોકરી બચાવવા માટે જ મથામણ કરી રહ્યા છે. આ પ્રકારના ગંભીર આરોપોએ કોંગ્રેસના સંગઠનમાં રહેલી તિરાડોને વધુ ઊંડી કરી છે.
પવન ખેડા જેવા નેતાઓને બનાવશે પ્રવક્તા
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મણિશંકર અય્યરે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના ભારોભાર વખાણ કર્યા અને ભવિષ્યવાણી કરી કે આગામી ચૂંટણીમાં પણ ડાબેરી પક્ષ જ સત્તા પર રહેશે. પંચાયતી રાજના અમલીકરણ મુદ્દે કોંગ્રેસની ટીકા કરતા તેમણે વિજયનને વિનંતી કરી કે કોંગ્રેસે જે કામ અધૂરું છોડ્યું છે તે તેઓ પૂરું કરે. અય્યરના આ નિવેદનથી અંતર જાળવતા પવન ખેડાએ સ્પષ્ટતા કરી હતી કે અય્યર હવે કોંગ્રેસમાં સક્રિય નથી અને આ તેમના વ્યક્તિગત વિચારો છે. જોકે, અય્યરે વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો કોંગ્રેસ પવન ખેડા જેવા નેતાઓને પ્રવક્તા બનાવશે તો પાર્ટીની હાલત આવી જ રહેશે. આ વિવાદ હાલમાં સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?