સાબર ડેરીએ પશુપાલકો સામે નમતું જોખી ભાવફેર વધાર્યો
પ્રતિ કિલો ફેટે રૂપિયા 995 ચુકવાશે, 960 મુજબ ભાવફેર ચુકવાતા પશુપાલકોએ કર્યો હતો વિરોધ

ભાવ ફેર ઓછો ચૂકવવા મુદ્દે વિરોધ પ્રદર્શન સમયે પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ થયું હતું

ભાવ ફેર ઓછો ચૂકવવા મુદ્દે વિરોધ પ્રદર્શન સમયે પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ થયું હતું
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ શરૂ કરેલા આંદોલનને પગલે સાબર ડેરીના સત્તાધીશોને ઝુકવાની ફરજ પડી છે. સાબર ડેરીએ પાંચ દિવસના આંદોલન બાદ વાર્ષિક ભાવફેરને લઈને જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 995 ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
સાબર ડેરીએ 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી. પશુપાલકોનો વિરોધ યથાવત રહેતા પ્રતિ કિલોફેટે 5 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. સાબર ડેરીએ અગાઉ રૂપિયા 960 નો એડવાન્સ ભાવફેર ચૂકવ્યો હતો. હવે બાકીના 35 રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ ચૂકવાશે. ભાવફેરની રકમ એડવાન્સ પેમેન્ટની માફક ચૂકવવામાં આવશે. સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં વધુ ભાવફેર ચુકવવાનો નિર્ણય કરાયો છે.
વાર્ષિક રૂપિયા 9,500 કરોડનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા વાર્ષિક ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી હોવા છતાં પશુપાલકોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. સાબર ડેરીના 16 ઝોનની મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. એક અંદાજ પ્રમાણે સાબર ડેરીમાં દૈનિક 15 લાખ લીટર દૂધની આવક ઘટી છે.
અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજીયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. બંને જિલ્લામાં પશુપાલકોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખતાં ડેરીના સત્તાધીશો મૂંઝવણમાં મૂકાયા હતા.
પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું
સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે થોડા દિવસો અગાઉ પશુપાલકોએ ડેરી સામે દેખાવો કરતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘર્ષણ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધ નામજોગ અને 1 હજાર ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જ્યારે 47 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
સાબરડેર ખાતે ભાવફેરને લઈને એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ટોળાએ પોલીસ વાહનો, સાબર ડેરીના ગેટ, ગ્રીલ સહિતને નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાએ પથ્થરમારો કરતાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં અશોક ચૌધરી નામના યુવકનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસથી ચાલી રહેલા આંદોલન અંતર્ગત પશુપાલકો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવા, સાબર ડેરી વિવાદમાં પશુપાલકના મોતની તપાસ કરવા, હત્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા તેમજ મૃતકના પરિવારને સાબર ડેરી દ્વારા 1 કરોડનું વળતર આપવા માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?