FIR against Rahul Gandhi and Priyanka Gandhi: SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિપક્ષના વિરોધ વચ્ચે દિલ્હીનું રાજકારણ વધુ ગરમાયું છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વિપક્ષી સાંસદો અને કાર્યકરો સામે આકાશવાણી ભવન પરિસરમાં કથિત રીતે અનધિકૃત પ્રવેશ અને વિરોધ પ્રદર્શનના મામલે FIR નોંધી છે. આ કાર્યવાહી આકાશવાણી તરફથી મળેલી ફરિયાદના આધારે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મંગળવારે, 6 ઓક્ટોબરે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય ‘નિર્વાચન સદન’ સુધી ‘લોકશાહી બચાવો’ માર્ચ યોજી હતી. વિપક્ષની મુખ્ય માંગ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR એટલે કે Special Intensive Revision પ્રક્રિયા સામે વિરોધ કરવાની હતી.
બેરિકેડ બાદ આકાશવાણી ભવનમાં પહોંચ્યા રાહુલ-પ્રિયંકા
દિલ્હી પોલીસે સંસદથી ચૂંટણી પંચ સુધીની કૂચને રસ્તામાં બેરિકેડ લગાવીને અટકાવી હતી. આ દરમિયાન અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અન્ય નેતાઓ સાથે આકાશવાણી ભવન પરિસરમાં પહોંચ્યા અને ત્યાં ધરણા પર બેઠા. વિરોધ કરી રહેલા નેતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની માંગ કરી હતી. રાહુલ ગાંધી સહિતના નેતાઓનું કહેવું હતું કે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળ્યા વિના વિરોધ સમાપ્ત નહીં કરે. આકાશવાણી ભવન પરિસરમાં ચાલેલા ધારણા લગભગ આઠ કલાક સુધી ચાલુ રહ્યા. રાત્રે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને પરિસરમાંથી હટાવીને અટકાયત કરી હતી. તેમને કિંગ્સવે કેમ્પ ખાતેની નવી પોલીસ લાઇન્સમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસનો મોટો દાવો
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, INDIA બ્લોકની આ કૂચ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી નહોતી કે મંજૂર કરવામાં આવી નહોતી. પોલીસનું કહેવું છે કે તેને સોશિયલ મીડિયા મારફતે 6 ઓક્ટોબરની સવારે કૂચની જાણ થઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસનો આરોપ છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ પૂર્વ પરવાનગી વિના આકાશવાણી ભવન પરિસરમાં પ્રવેશ્યા અને ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું. પોલીસ દ્વારા પરિસર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં વિરોધ ચાલુ રાખવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
SIR મુદ્દે વિપક્ષના ગંભીર આક્ષેપો
INDIA બ્લોકના નેતાઓ SIR પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં ફેરફાર અને નવા મતદારો માટેની Form-6 પ્રક્રિયામાં પૂરતી પારદર્શિતા રાખવામાં આવી નથી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો છે અને CEC જ્ઞાનેશ કુમાર પર પણ આક્ષેપો કર્યા છે. બીજી તરફ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 6 ઓક્ટોબરની સાંજ સુધી કોઈ રાજકીય પક્ષ અથવા તેના પ્રતિનિધિમંડળ તરફથી કમિશન સાથે મુલાકાત માટે ઔપચારિક વિનંતી કરવામાં આવી નહોતી.
હવે શું કરશે INDIA બ્લોક?
FIR બાદ વિપક્ષી ગઠબંધનની આગામી રણનીતિ પર સૌની નજર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA બ્લોકના સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત માટે સમય માંગતા પત્ર પર સાંસદોની સહી લેવામાં આવે તેવી યોજના છે. આકાશવાણી ભવનમાં પ્રવેશના કેસમાં હવે દિલ્હી પોલીસની તપાસ આગળ વધશે. બીજી તરફ SIR, ચૂંટણી પંચની પારદર્શિતા અને મતદાર યાદીનો મુદ્દો વિપક્ષ માટે આગામી રાજકીય વિરોધનું કેન્દ્ર બની શકે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR બાદ આ સમગ્ર મામલો હવે રાજકીય વિરોધથી આગળ વધીને કાયદાકીય વિવાદમાં પણ ફેરવાયો છે.