આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનનાં વડાપ્રધાન પેડ્રો સાંચેઝની વડોદરા મુલાકાતે છે.બંને દેશોના વડાપ્રધાનના આગમનને લઈ શહેરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે આજે સમગ્ર રૂટ પર સુરક્ષા એજન્સો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર પણ ઓન ગ્રાઉન્ડ જોવા મળ્યા હતા. દરમિયાન વિવિધ પ્રોટોકોલના કાફલાઓ પણ રાજમાર્ગો પર જોવા મળ્યા હતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આવતીકાલે રાત્રે બાર વાગ્યાની આસપાસ સ્પેનના વડાપ્રધાન વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. બાદમાં તેઓ ખાનગી હોટલમાં રોકાશે. બીજા દિવસે એટલે કે 28મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરા એરપોર્ટ પર 10 વાગ્યાની આસપાસ આવી પહોંચશે. ત્યારબાદ બંને દેશોના વડાપ્રધાન ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમ સ્થળે હાજર રહેશે અને ત્યારબાદ તેઓ શહેરના લક્ષ્મી વિલાસ ખાતે રવાના થશે.
આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યુ હતુ કે, વડોદરા શહેરમાં દેશના પ્રધાનમંત્રી અને સ્પેનના પ્રધાનમંત્રી એમ બે મહાનુભાવોના કાર્યક્રમ સાથે અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં એરપોર્ટથી લઈને તમામ કાર્યક્રમ સ્થળ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહેતું હોય છે, તેને અનુસંધાને વડોદરા શહેર પોલીસ, બહારથી કેટલાક એસપી કક્ષાના અધિકારીઓ, ડીવાયએસપી, ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સહિત અન્ય સંવર્ગના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે તમામ અધિકારીઓને ડિટેલમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં દરેક અધિકારીને સોંપવામાં આવેલી ફરજો અને જવાબદારીઓ સાથે કામગીરી અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આવતીકાલ સુધીમાં તમામ સુરક્ષા અંગેની વ્યવસ્થા થઈ જશે. બહારથી 10 જેટલા આઇપીએસ અધિકારીઓ બોલાવવામાં આવ્યા છે અને આપણી પાસે સાત અધિકારીઓ મળી કુલ 17 આઇપીએસ અધિકારીઓ સુરક્ષા અંગેની વ્યવસ્થા કરી રહ્યા છે. આ તમામ અધિકારીઓની દેખરેખમાં વડોદરા એરપોર્ટ, ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ અને લક્ષ્મી વિલાસ પેલેસ સાથે વડાપ્રધાનના રહેણાંક વિસ્તાર સહિત તમામ જગ્યાએ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.