મહાનગરપાલિકાઓમાં મેયર પદ માટે હવે રાજકીય રસાકસી
15 મહાનગરપાલિકાઓમાં મેયર-ચેરમેન પદ માટે ભાજપના નેતાઓને કોર્પોરેટરોનું લોબીંગ શરૂ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે જોરદાર રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. 1 થી 3 મે દરમિયાન ભાજપના નિરીક્ષકો શહેરોમાં જઈને પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેશે. ત્યારબાદ યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે તે મહાનગરના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનો અંગે ચર્ચા કરી નામ જાહેર કરવામાં આવશે. શહેરોમાં અનામતના ધોરણે પદોની વહેંચણી થવાને કારણે દાવેદારો વચ્ચે રાજકીય હરીફાઈ વધી ગઈ છે.
અમદાવાદમાં OBC પુરુષ મેયર
અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. મેયર પદ માટે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ મજબૂત દાવેદાર છે. જ્યારે ધરમશી દેસાઈ, દીપક પંચાલ અને રાજુ ઠાકોરના નામો પણ ચર્ચામાં છે.
મેયર પદ પર પુરુષ હોય તો મહિલા ડેપ્યુટી મેયર અને મેયર મહિલા હોય તો ડેપ્યુટી મેયર પુરુષ તરીકે મૂકવામાં આવતા હોય છે. મેયર પદ પર પુરુષ હોવાના પગલે ડેપ્યુટી મેયર તરીકે મહિલા મુકાઈ શકે છે. ડેપ્યુટી મેયર પદના દાવેદાર તરીકે લાંભા વોર્ડના ડો.ચાંદની પટેલ, સાબરમતી વોર્ડના અંજુબેન શાહ, રાણીપ વોર્ડના ભાવિ પંચાલ, અસારવા વોર્ડના અનસુયા પટેલના નામોની ચર્ચા થઈ રહી છે. છે.
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મજબૂત દાવેદારીમાં પાલડી વોર્ડના જૈનિક વકીલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાટીદાર ચહેરાઓ ખૂબ દાવેદાર છે. શહેરના પૂર્વ મહામંત્રી અને નિકોલ વોર્ડના પરેશ લાખાણી અનુભવી હોવાના પગલે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે છે. જોધપુર વોર્ડના કોર્પોરેટર વિનોદ પટેલ અથવા ભાગ્યેશ પટેલ અને વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટર પરેશ પટેલ ચેરમેન પદમાં દાવેદાર માનવામાં આવે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે અનુભવી નેતાની પસંદગી થવાની શક્યતા છે.
સુરતમાં મહિલા મેયર માટે સ્પર્ધા
સુરતમાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી અનેક મહિલા કોર્પોરેટરો દાવેદાર છે. વરાછા અને કતારગામ જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના શાનદાર પ્રદર્શનને જોતા પાટીદાર મહિલાને મેયર બનાવવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. વરાછા અને પુણા વિસ્તારમાં જે રીતે ભાજપે આ વખતે ક્લીન સ્વીપ કર્યું છે. તેથી પાટીદાર મહિલા ચહેરાને મેયર પદ મળી શકે છે. જેમાં ઉર્વશી પટેલ, કાવ્યા પટેલ અને જયશ્રી વરિયાના નામો મોખરે છે. મેયર પદ માટે સુરતી અને નોન-સુરતી વચ્ચે કાંટે કી ટક્કર છે. ભાજપ 'સુરતી કાર્ડ' રમે તો નેન્સી શાહ, પ્રતિભા દેસાઈ, મનીષા આહીર અને ડિમ્પલ કાપડિયા, જયશ્રી વરિયા રેસમાં સૌથી આગળ છે. મહિલા કોર્પોરેટરો પાસે સંગઠનનો બહોળો અનુભવ છે.
મેયર પદ મહિલા માટે અનામત હોવાથી ડેપ્યુટી મેયર પદ પર સક્ષમ પુરુષ ઉમેદવારને બેસાડવામાં આવશે. આ પદ માટે પરપ્રાંતીય અને ઓબીસી (OBC) મતોને અંકે કરવાના પ્રયાસો થશે. ડેપ્યુટી મેયરની રેસમાં સુધાકર ચૌધરી, ભાઈદાસ પાટીલ, પંકજ જાદવ, દીનાનાથ મહાજન અને દિનેશ રાજપુરોહિતના નામો ચર્ચામાં છે.
મેયર કરતા પણ પાવરફુલ ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આ પદ પર અનુભવી અને આર્થિક પાસાઓને સમજનાર વ્યક્તિની જરૂર હોય છે. આ રેસમાં પૂર્વ મેયર દક્ષેશ માવાણી શક્તિશાળી દાવેદાર તરીકે ઉભર્યા છે. તેમની સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ અને મહેન્દ્ર દેસાઈના નામો પણ જોરશોરથી બોલાઈ રહ્યા છે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ વિવિધ સમાજના નેતાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ થશે.
વડોદરામાં SC પુરુષ મેયર
વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે SC પુરુષ મેયર બનશે. આ પદ માટે 3 ઉમેદવારોની ચર્ચા થઈ રહી છે. સૌથી પહેલું નામ વોર્ડ 12માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. સમીર વાઘેલા સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ પૂર્વ સંઘચાલકના નજીકના માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ 15 વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા. આ સિવાય વોર્ડ 8માંથી જીતેલા અજય ડાભીનું છે. અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મંત્રી તરીકે અને અગાઉ શહેર એસસી મોરચામાં પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ત્રીજું નામ છે ચેતન પરમાર. ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત માનવામાં આવે છે. તેઓ વોર્ડ 18માંથી ચૂંટણી જીત્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે હાલ પાંચ દાવેદારો જણાઈ રહ્યા છે, જેમાં સૌથી અગ્રીમ હરોળમાં નીતિન દોંગાનું નામ ચાલી રહ્યું છે. ગત ટર્મમાં તેઓ ઇન્ચાર્જ ચેરમેન હતા. વોર્ડ-10ના નીતિન દોંગાને સૌરાષ્ટ્ર લોબીનું સમર્થન હોવા છે. બીજું નામ વોર્ડ નં-4ના અજિત દધીચનું ચાલી રહ્યું છે. તેઓ મંત્રી મનીષા વકીલના અંગત માનવામાં આવે છે. સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ત્રીજું નામ ઉપેન્દ્ર પ્રજાપતિનું ચર્ચામાં છે. તેઓના પિતા દલસુખ પ્રજાપતિનું નામ પણ તેમની પાછળ જોડાયેલું છે.
રાજકોટમાં જાતિ આધારિત સમીકરણ
રાજકોટ મનપામાં આ વખતે મેયર પદ માટે સામાન્ય અનામત હોવાથી પાટીદાર અથવા બ્રાહ્મણ સમાજને સ્થાન આપે તેવી શક્યતા છે. સરકાર અને સંગઠન દ્વારા અન્ય તમામ જગ્યા પર જ્ઞાતિ આધારિત સમીકરણો નક્કી કરી ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. મેયર પદ માટે પાટીદાર સમાજમાંથી જાહેરાત કરવામાં આવે તો કેતન પટેલ, દિલીપ લુણાગરિયા અથવા પરેશ પીપળીયાને સ્થાન મળી શકે છે.
બ્રાહ્મણ સમાજમાંથી બનાવવામાં આવે તો નેહલ શુકલા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટનું નામ ચર્ચામાં છે. જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર ઓબીસી સમાજને સ્થાન આપવામાં આવે તો ઘનશ્યામ હેરભા અથવા પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવની પસંદગી થાય તેમ છે. ડેપ્યુટી મેયર પદ માટે કોઈ મહિલાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરાય તેવી શક્યતા છે. જાતિ સમીકરણનું ધ્યાન રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભાવનગરમાં સામાન્ય મહિલા માટે અનામત
ભાવનગરમાં આ વખતે મેયર પદ સામાન્ય સ્ત્રી અનામત રાખવામાં આવી હોવાથી મહિલા કોર્પોરેટરોમાં આંતરિક સ્પર્ધા જોવા મળી છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પાટીદાર સમાજની મહિલા નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. વર્ષાબા વિક્રમસિંહ પરમાર જે કાળીયાબીડ વોર્ડના ક્ષત્રિય મહિલા ઉમેદવાર છે. વર્ષાબાનું નામ હાલ મેયર પદની રેસમાં સૌથી પ્રબળ માનવામાં આવી રહ્યું છે. હીરાબેન વિનોદભાઈ કુકડીયા જે ચિત્રા-નારી વોર્ડના પટેલ સમાજના મજબૂત દાવેદાર ગણાય છે. દક્ષાબેન નિલેશભાઈ ભટ્ટના નામની પણ ચર્ચા થઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સિનિયર નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. ઉપેન્દ્રસિંહ ચુડાસમા, રાજુભાઇ રાબડીયા, અશોક બારૈયા તથા સંજયભાઈ વેગડના નામો ચર્ચામાં છે.
જામનગરમાં પણ સામાન્ય મહિલા માટે અનામત
જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે. જેમાં મોનિકાબેન વ્યાસ, તૃપ્તિ ખેતિયા, હર્ષાબા જાડેજા, ખ્યાતિ મુંગરા અને જયોત્નાબેન પાંભર દાવેદાર છે. ડેપ્યુટી મેયર માટે પૂર્વેશ પરમાર, અમર કનખરા, ધીરેનકુમાર મોનાણી દાવેદાર છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પાર્થ કોટડીયા, આલાભાઇ રબારી, અમર મોદી દાવેદાર છે.
મહેસાણામાં OBC મહિલા મેયર
મહેસાણા મેયર પદની રેસમાં નયના પ્રજાપતિ, મિત્તલ પ્રજાપતિ, ઉષા ચૌધરી અને ગીતા ચૌધરીના નામ ચર્ચામાં છે. નયના પ્રજાપતિ મહેસાણા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની છે. તેઓ ભાજપના નેતાઓ સાથે નજીકથી સંકળાયેલા છે. આ ઉપરાંત મિત્તલ પ્રજાપતિ બીજી ટર્મ માટે ચૂંટાયા છે.
ઉષા ચૌધરી સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી મિલન ચૌધરીના પત્ની છે. મિલન ચૌધરી પણ રાજ્યસભા સાંસદ મયંક નાયક અને ભાજપના અનેક નેતાઓની નજીકના ગણાય છે. જ્યારે વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા ગીતા ચૌધરીના પતિ વિષ્ણુ ચૌધરી સંઘ સાથે સંકળાયેલા છે. તેથી સંઘની રીતે પસંદગી કરવામાં આવે તો ગીતા ચૌધરી મેદાન મારી જાય તેમ છે.
ડેપ્યુટી મેયર પદ માટે રાકેશ બારોટ અને રાકેશ પટેલ વચ્ચે જોરદાર હરીફાઈ ચાલી રહી છે. રાકેશ બારોટ સેવા કેન્દ્રની નજીક એટલે કે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર અને રાજ્યસભા મયંક નાયક જૂથના ગણાય છે. જ્યારે રાકેશ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયકના ધંધામાં ભાગીદાર છે. રાકેશ પટેલને એસપીજીમાંથી ભાજપમાં લાવીને ટિકિટ તેમજ હોદ્દો અપાવવામાં મયંક નાયકનો વિશેષ ફાળો રહ્યો છે. તેથી મયંક નાયક જૂથ માટે ક્યા રાકેશની પસંદગી કરવી તે અઘરૂ સાબિત થાય તેમ છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે દિપક પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેઓ મહેસાણા નગરપાલિકાની છેલ્લી ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. આ ઉપરાંત મહેસાણા એપીએમસી અને ડિસ્ટ્રીક્ટ બેન્કના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નજીકના ગણાય છે.
અન્ય શહેરોમાં પણ ગરમાવો
સુરેન્દ્રનગર, નડિયાદ અને ભાવનગર વાપી, ગાંધીધામ, નવસારી, મોરબી અને પોરબંદર મનપામાં ભાજપની જીત થઈ છે. વાપી મનપાના પ્રથમ મેયર પદ પછાત વર્ગની મહિલા માટે અનામત છે. મિત્તલ નંદાણિયા, ઉન્નતિ પટેલ અને પ્રિયંકા કહાર રેસમાં છે. ગાંધીધામમાં મીનુ ગોયલ, અનિતા દક્ષિણી અને પૂજા લાલવાણી વચ્ચે હરીફાઈ છે. નવસારીમાં અશોક ધોરાજીયા, મુકેશ અગ્રવાલ અને ધર્મેશ પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
મોરબીમાં ભૂપત જારીયા, ગણેશ ડાભી, ભાવેશ કણજરીયાની પસંદગી થાય તેમ છે. જ્યારે પોરબંદરમાં સાગર મોદી અને નિરવ દવેના નામની ચર્ચા થઈ રહી છે. તમામ મનપામાં મેયર અને ચેરમેનપદ માટે રાજકીય હલચલ તેજ બની છે. દરેક શહેરમાં સ્થાનિક અને જાતિગત સમીકરણો અનુસાર પક્ષના મોવડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.