PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીની મુલાકાત દરમિયાન PM મોદીના હસ્તે ગુજરાતમાં ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરવામાં આવશે. વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
PM મોદીના ગુજરાત પ્રવાસમાં કયા પ્રોજેક્ટ્સ સામેલ?
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભારતીય રેલવે, NHAI, શહેરી વિકાસ, ઊર્જા, પાણી પુરવઠો, માર્ગ અને મકાન તથા ગ્રામ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો ગુજરાતના રેલવે કનેક્ટિવિટી, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુવિધાઓ, વીજળી, પાણી પુરવઠા અને આવાસ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
WDFCના ત્રણ વિભાગોનું લોકાર્પણ
ભારતીય રેલવે હેઠળ ₹30,766 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તેમાં ₹20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ વિભાગોનું લોકાર્પણ સામેલ છે. ન્યૂ સાણંદ (N)-ન્યૂ મકરપુરા વચ્ચે 138 કિ.મી., ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે વચ્ચે 86 કિ.મી. અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT વચ્ચે 102 કિ.મી.ના વિભાગોનો તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
NHAIના ₹1,840 કરોડથી વધુના રોડ પ્રોજેક્ટ્સ
કેન્દ્ર સરકારના વિકાસકાર્યોમાં NHAIના ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે. NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ, કામરેજ-ચલથાણ છ માર્ગીય કેરેજવે અને NH-53 પર આભવા, મીંઢોળા તથા ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું કામ સામેલ છે. NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે બનેલા છ માર્ગીય ફ્લાયઓવરનું પણ લોકાર્પણ થશે.
વડોદરા રિંગ રોડ અને શહેરી વિકાસને વેગ
ગુજરાત સરકારના ₹2,597 કરોડથી વધુના વિકાસકાર્યોમાં શહેરી વિકાસ વિભાગના ₹916.38 કરોડના 8 જેટલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનો સમાવેશ થાય છે. VUDA વિસ્તારના 11 ગામો માટે પાણીની માળખાકીય સુવિધાઓ, ભાયલી વિસ્તારમાં પાણીની સુવિધાઓ, આજવા સરોવર ખાતે 150 MLD પોન્ટૂન અને વડોદરા શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.
કડાણા ડેમ પર 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. વડોદરા અને સુરતમાં ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
PMAY-G હેઠળ 13,888 આવાસોનું લોકાર્પણપ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ ગુજરાતમાં ₹236.10 કરોડના ખર્ચે નિર્મિત 13,888 આવાસોનું લોકાર્પણ પણ PM મોદીના હસ્તે થશે. આ ઉપરાંત વિવિધ નદી પરના મેજર બ્રિજ, માર્ગ વિકાસકાર્યો અને આણંદના નવા બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કાર્યક્રમમાં સામેલ છે.
વડોદરા બાદ PM મોદી નવસારી જશે
વડોદરા કાર્યક્રમ બાદ PM મોદી નવસારીની મુલાકાત લેશે. અહીં એરુ PHQ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં ₹214.52 કરોડના ત્રણ RWSS પેકેજનું પણ લોકાર્પણ થશે. આ રીતે 8 સપ્ટેમ્બરના PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન રોડ, રેલવે, પાણી, વીજળી, આવાસ અને શહેરી માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા અનેક મોટા વિકાસપ્રોજેક્ટ્સને વેગ મળશે.