રાજકોટના જેતપુરમાં 31.64 લાખની મગફળીની ચોરી!
કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમારે કોઈ લેવાદેવા નહીં, ખરીદી બાદ નાફેડની જવાબદારી
જેતલસર પાસે ગીરીરાજ વેર હાઉસમાં નાફેડે ખરીદેલી 1,212 બોરી મગફળી રાખવામાં આવી હતી
જેતલસર પાસે ગીરીરાજ વેર હાઉસમાં નાફેડે ખરીદેલી 1,212 બોરી મગફળી રાખવામાં આવી હતી
રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળીની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેર હાઉસમાં નાફેડે ખરીદેલી 57,600 બોરી મગફળીનો જથ્થો રખાયો હતો. જેમાંથી 5 ડિસેમ્બર 2024થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન 1,212 બોરી મગફળી ચોરી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રૂપિયા 31.64 લાખ મગફળીની ચોરી થતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ વેરહાઉસની સિક્યોરિટીનો કોન્ટ્રાકટ અમદાવાદની શ્રીરામ એન્ટપ્રાઈઝ નામની એજન્સીને સોંપવામાં આવ્યો હતો.
નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર 6 મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે. ડિસેમ્બર 2024માં ફિઝિકલ વેરિફિકેશન બાદ જૂનમાં ફરી વેરિફિકેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 26 જૂન 2025ના અમિતકુમાર ગીલ્લાની ટ્રાન્સફર કરી તેમના સ્થાને સંદિપકુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને મૂક્યા હતાં. ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીએ ફિઝીકલ વેરિફિકેશન હાથ ધરાતા 1,2,12 બોરીની ચોરી થયાનું સામે આવ્યું હતું. સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિત ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
જો કે સૌથી મોટો સવાલ એ છે કે, ખરેખર મગફળીની ચોરી થઈ છે કે પછી કૌભાંડ થયું છે. ગોડાઉનમાં સીસીટીવી કેમેરા કેમ રાખવામાં ન આવ્યા હતા. સીસીટીવી કેમેરાનો અભાવ હતો તો કેમ વેર હાઉસને ભાડે રાખવામાં આવ્યું. સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં પણ કેમ મગફળીની ચોરી થઈ? ડિસેમ્બરમાં ફિઝિકલ વેરિફિકેશન થયું ત્યારે કેમ ધ્યાને ન આવ્યું. 6 મહિના સુધી નાફેડના અધિકારીઓ કેમ અંધારામાં રહ્યાં? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળીમાં મોટા ખેલ થયાના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે વધુ એક ખેલ સામે આવતાં સહકારી રાજકારણ ગરમાયું છે.
આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પૂછતાં તેમણે કહ્યું કે, સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. ચોરી અંગે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે. ખરીદી કરતી એજન્સી અને નાફેડ વચ્ચેની આ બાબત છે.
મગફળીની ચોરી થયાનો મામલાનો ખુલાસો થતાં અધિકારીઓએ રાતોરાત CCTV લગાવી દીધા છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે કે, ચાર શખ્સો દ્વારા મગફળી ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ-2025માં પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. આગની ઘટનાને લઈને એક નેતાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે આગ સામાન્ય સંજોગોમાં લાગી નથી. અન્ય એક કિસ્સામાં તળાજાના મહુવામાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરોએ મગફળીના 236 કટ્ટાની ચોરી કર્યાની ઘટના બની હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?