PM ના સંબોધન વગર જ પસાર થઈ શકે છે આભાર પ્રસ્તાવ
લોકસભામાં વિપક્ષના વિરોધને કારણે આભાર પ્રસ્તાવ વડાપ્રધાનના જવાબ વિના જ પસાર થવાની શક્યતા

PM મોદી

PM મોદી
સંસદના નીચલા ગૃહમાં ચાલી રહેલા ભારે ગતિરોધ વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ વિના જ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવી શકે છે. બુધવારે લોકસભામાં જ્યારે PM મોદી ચર્ચાનો જવાબ આપવા માટે તૈયાર હતા, ત્યારે વિપક્ષી સાંસદોએ એટલો જોરદાર હંગામો કર્યો કે, ગૃહની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરવી પડી હતી.
લોકસભામાં વિપક્ષનો હોબાળો યથાવત
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો લોકસભામાં વિપક્ષનો હોબાળો યથાવત રહેશે તો વડાપ્રધાન ત્યાં સંબોધન નહીં આપે અને સીધા રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. વિપક્ષી સાંસદોનો આક્ષેપ છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમનું વક્તવ્ય પૂર્ણ કરવા દેવામાં આવ્યું નથી, તેથી તેઓ પણ સત્તાધારી પક્ષના સભ્યોને બોલવા દેશે નહિ. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશો ટાંકીને ચીન સરહદ વિવાદ અંગે સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.
વિપક્ષ આભાર પ્રસ્તાવ દરમિયાન અવરોધ ઊભો કરી રહ્યો
આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સખત વાંધો ઉઠાવતા રાહુલ ગાંધી પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે લોકસભા સ્થગિત થતા રાહુલ ગાંધી પોતાની વાત પૂરી કરી શક્યા ન હતા, જેના વિરોધમાં હવે વિપક્ષ આભાર પ્રસ્તાવ દરમિયાન PM મોદીના ભાષણમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. વિપક્ષની જીદ છે કે, જો તેમના સભ્યોને બોલવાની તક નહિ મળે તો તેઓ PM મોદીને પણ સાંભળશે નહિ. બીજી તરફ, PM મોદી ગુરુવારે સાંજે 5 વાગ્યે રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવાના છે તેવી માહિતી મળી છે. જો લોકસભામાં મડાગાંઠ નહિ ઉકેલાય તો વડાપ્રધાનના વક્તવ્ય વિના જ પ્રસ્તાવ પર મતદાન કરાવીને તેને પસાર કરી દેવાની રણનીતિ સરકાર વિચારી રહી છે.
લોકસભામાં આ પ્રક્રિયા PMના ભાષણ વગર જ પૂર્ણ થાય તેવી શક્યતા
ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ચાલી રહેલી આ તીખી નોકઝોકને કારણે સંસદની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનો જવાબ એક મહત્વની સંસદીય પ્રક્રિયા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા લોકસભામાં આ પ્રક્રિયા વડાપ્રધાનના ભાષણ વગર જ પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?