સુરત BJP MLAના જમીન કૌભાંડ અંગે તપાસ કરવા આદેશ!
કરંજના ધારાસભ્યે કરેલાં ગોડાદરા જમીન કૌભાંડ મુદ્દે CIDએ ભરેલી 'સી-સમરી' કોર્ટે ફગાવી
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સામે બોગસ સહી કરી કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સામે બોગસ સહી કરી કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ
સુરતના કરંજના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની જમીન કૌભાંડ મુદ્દે મુશ્કેલી વધી છે. ગોડાદરા જમીન કૌભાંડમાં થયેલી ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઈમે ભરેલી 'સી-સમરી' કોર્ટે ફગાવી દીધી છે. જ્યારે કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં પ્રવિણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. પ્રવિણ ઘોઘારી સામે બોગસ સહી કરીને જમીન પચાવી પાડવાનો આરોપ છે. CID ક્રાઈમે ધારાસભ્ય સામે 'સી-સમરી' દાખલ કરી હતી. જેના વિરોધમાં ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી.
સુરતની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગોડાદરા ગામની જમીનના બોગસ દસ્તાવેજો અને વેચાણના કેસમાં ભાજપના કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ મનજી ઘોઘારી વિરુદ્ધ CID ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવેલી 'C-સમરી'ની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે આરોપી પ્રવીણ ઘોઘારી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે ગોડાદરા વિસ્તારમાં આવેલી જમીનમાં બોગસ સહી કરી તેને પચાવી પાડવાનો આરોપ છે. આ મામલે ફરિયાદીએ CID ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. CID ક્રાઇમના અધિકારીઓએ ધારાસભ્ય હોવાના કારણે કોર્ટમાં 'સી-સમરી' ભરી હતી. તેથી ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી. ફરિયાદીએ CID ક્રાઇમ સમક્ષ કેટલાક દસ્તાવેજો રજૂ કરી 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના આદેશ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ ધારાસભ્ય સહિત અન્ય આરોપીઓની પૂછપરછ કરી દસ્તાવેજોની ખરાઈ કરી શકે છે. આ જમીન કૌભાંડ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે પણ તપાસના આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગોડાદરા જમીન કૌભાંડ કેસની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. ઉષાબેન ગોપાળભાઈ લાડનાવાળીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગોડાદરા ગામના બ્લોક નંબર 139માં આવેલી કુલ 15,579 ચો.મી. જમીનમાંથી 6,604 ચો.મી. વણવેચાયેલી જમીન લઈને શાંતિલાલ મદનલાલ શાહ, પ્રવિણ મનજી ઘોઘારી, ઈશ્વરભાઈ કલ્યાણભાઈ લાડ સહિત 14 આરોપીઓએ સાંઠગાંઠ કરીને કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ બોગસ કુલમુખત્યારનામા, એફિડેવિટ અને સાટાખત જેવા દસ્તાવેજો બનાવીને જમીન હડપ કરી લીધી હતી.
CID ક્રાઇમની 'સી-સમરી' સામે સવાલ ઉઠ્યાં
આ જમીન કૌભાંડ કેસની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી હતી. CID ક્રાઇમના તપાસ અધિકારી DySP અનિરુદ્ધસિંહ કેપ્ટને કોર્ટમાં 'C-સમરી' અરજી દાખલ કરી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી તેમની સામેની તપાસ બંધ કરી દેવી જોઈએ. 'C-સમરી'ના વિરોધમાં ફરિયાદી ઉષાબેન લાડનાવાળીએ તેમના વકીલ મારફતે કોર્ટમાં 'પ્રોટેસ્ટ પિટિશન' અને ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ વધુ તપાસની માંગ કરી હતી.
ફરિયાદી પક્ષની કઈ દલીલોને માન્ય રાખવામાં આવી?
21-07-2005ના સીરિયલ નંબર 7074/2005 અને 7075/2005ના પાવર ઓફ એટર્નીમાં ફરિયાદીની ખોટી સહી અને અંગૂઠાના નિશાનનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ છે. આ દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ હજુ સુધી કરવામાં આવી નથી. વકીલોએ જણાવ્યું કે, વર્ષ 2001થી 2003 દરમિયાન ખોડીયાર નગર-1 અને 2ના આયોજન બાદ 5,231 ચો.મી. જમીન બાકી હતી. તેના વિરુદ્ધ, 17-10-2008ના રોજ 18,287 ચો.મી. જમીનનું વેચાણ કેવી રીતે થઈ શકે તે એક મોટો પ્રશ્ન છે.
વકીલોએ દલીલ કરી કે, નોટરી રજિસ્ટરમાં માત્ર એક સહીના આધારે તલાટી દ્વારા ઘોઘારીને ક્લીન ચિટ આપવામાં આવી છે. જે શંકાસ્પદ છે. આ ઉપરાંત પાવર ઓફ એટર્નીને સમર્થન આપતા એફિડેવિટ અને અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા CID દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. વકીલોએ કોર્ટને સમજાવ્યું કે, બ્લોક નંબર 138, 139 અને 140નું કુલ ક્ષેત્રફળ 38,647 ચો.મી. છે. તેમાંથી 10,037 ચો.મી. ટીપી રોડ માટે કપાત થઈ અને 23,378 ચો.મી.માં ખોડીયાર નગર-1 અને 2નું બાંધકામ થયું. બાકી રહેલી 5,232 ચો.મી. જમીન સામે 18,287 ચો.મી.નું વેચાણ કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે.
રેતી ચોરીમાં પ્રવિણ ઘોઘારીને 80.52 લાખનો દંડ ફટકાર્યો હતો
ખનિજ વિભાગે નવાપુર ગામ પાસેની સાબરમતી નદીના તટમાં 8 ઓગસ્ટ 2018ના રોજ રેડ પાડી હતી. અહીં સુરતના કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ નવાપુરાના સર્વે નંબર-303માં 2 લાખ હેક્ટરમાં રેતીની લીઝ રાખી હતી. ધારાસભ્યના બ્લોકમાંથી 33.966 ટન રેતી રોયલ્ટી ભર્યા વિના લઇ જવાતી હતી. તેથી ખનિજ વિભાગે ખોદકામ કરવાનુ મશીન જપ્ત કરી રેતી ચોરીનો કેસ કરી પ્રવિણ ઘોઘારીને રૂપિયા 80.52 લાખનો દંડ ફટકાર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા