દિલ્હીમાં કાર્યાલય ખાલી કરવા કોંગ્રેસને નોટિસ
24 અકબર રોડ પર જૂના કાર્યાલય અને 5 રાયસીના રોડ પર યુથ કોંગ્રેસ કાર્યાલયને ખાલી કરવા સૂચના

દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસનું જૂનું કાર્યાલય

દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસનું જૂનું કાર્યાલય
દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કોંગ્રેસ પાર્ટીને બે ઓફિસ ખાલી કરવાની નોટિસ મળી છે: 24 અકબર રોડ પરના કોંગ્રેસ પક્ષના જૂના કાર્યાલય અને 5 રાયસીના રોડ પરના યુથ કોંગ્રેસ કાર્યાલયને ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. ઇન્દિરા ભવનમાં તેના નવા કાર્યાલયમાં ગયા પછી કોંગ્રેસ પાર્ટીએ 24 અકબર રોડ પરનો બંગલો ખાલી કર્યો નથી. પક્ષની પ્રવૃત્તિઓ ત્યાં રાબેતા મુજબ ચાલુ છે.
બંગલો ખાલી કરવાની સમય મર્યાદા સમાપ્ત
સરકારી નોટિસ મુજબ કાર્યાલય ખાલી કરાવવા માટે બે મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે. ગયા વર્ષે (15 જાન્યુઆરી, 2025) કોંગ્રેસે કોટલા રોડ પર સ્થિત નવા આધુનિક કાર્યાલય ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નિયમો અનુસાર નવું કાર્યાલય પ્રાપ્ત થયા પછી સરકારી બંગલો સોંપવો આવશ્યક છે. 24 અકબર રોડ ફાળવવાની સમયમર્યાદા ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ પાર્ટીએ તેનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. હવે, સરકારે કડક વલણ દાખવીને 28 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે.
યુવા કોંગ્રેસના કાર્યાલયને પણ નોટિસ
માત્ર મુખ્ય મથક જ નહીં, પરંતુ 5 રાયસીના રોડ પર સ્થિત ભારતીય યુવા કોંગ્રેસ (IYC) કાર્યાલયને પણ ખાલી કરાવવાની નોટિસ મળી છે. કોર્ટ દ્વારા 28 માર્ચ સુધીમાં રાહત આપવામાં નહીં આવે તો કોંગ્રેસને લુટિયન્સની દિલ્હીમાં તેની દાયકાઓ જૂની ઓળખ છોડી દેવી પડી શકે છે.
કોંગ્રેસ કોર્ટમાં અપીલ કરશે
પક્ષે નોટિસને "રાજકીય રીતે પ્રેરિત" ગણાવીને કાયદેસર રીતે લડવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ સ્પષ્ટતા કરી છે કે પાર્ટી આ નોટિસ સામે કોર્ટમાં જશે. સિંઘવીએ દલીલ કરી છે કે પાર્ટીની લાગણીઓ અને દાયકાઓનો ઇતિહાસ આ ઐતિહાસિક સંકુલ સાથે જોડાયેલો છે અને તેને અચાનક ખાલી કરાવવાનો આદેશ આપવો અન્યાયી છે.
સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે, સરકાર વિચારી રહી છે કે તે કોંગ્રેસ પાર્ટી પર દબાણ કરીને તેને ચૂપ કરી શકે છે. તેમને ડરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. શું તેમને અશોકા રોડ પર 11 નંબર પરનું કાર્યાલય મળ્યું છે કે પંત માર્ગ પરનું? ઈરાન યુદ્ધ અંગે તેઓ કંઈ કરી શક્યા નથી. તેથી તેઓ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
24 અકબર રોડ 48 વર્ષથી કોંગ્રેસનું મુખ્ય મથક રહ્યું છે. કોંગ્રેસનું નવું મુખ્ય મથક "ઇન્દિરા ભવન" ગયા વર્ષે ઉદ્ઘાટન થયું હોવા છતાં કોંગ્રેસે હજુ સુધી 24 અકબર રોડ પરનું કાર્યાલય ખાલી કર્યુ નથી. નોટિસ મળ્યા પછી કોંગ્રેસ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે. 24 અકબર રોડ ઉપરાંત 5 રાયસીના રોડ પર ભારતીય યુવા કોંગ્રેસ (IYC) કાર્યાલય માટે પણ નોટિસ આપવામાં આવી છે. બળજબરીથી ખાલી કરાવવાની સ્થિતિમાં કોંગ્રેસ કોર્ટમાં અપીલ કરી શકે છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ 1978માં કટોકટી પછી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં બંગલાને તેનું મુખ્ય મથક બનાવ્યું હતું. છેલ્લાં 48 વર્ષથી આ બંગલો ભારતીય રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન (10 જનપથ) બંગલાની પાછળ જ છે. જે એક નાના દરવાજાથી સીધું જોડાયેલું છે. નરસિંહ રાવ સરકારથી લઈને મનમોહન સિંહ સરકારની રચના સુધી કોંગ્રેસના મોટાભાગના વ્યૂહાત્મક નિર્ણયો આ સંકુલની દિવાલોની અંદર લેવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો