મહેસાણા ભાજપમાં જૂથવાદ વકર્યો
સાંસદ મયંક નાયક વિશે અપશબ્દો બોલનાર પિન્ટુ પટેલની મોડી રાત્રે અટકાયત, જાહેરમાં માંગી માફી

મહેસાણા ભાજપમાં જૂથવાદ વકર્યો

મહેસાણા ભાજપમાં જૂથવાદ વકર્યો
Mehsana BJP Audio Controversy: મહેસાણા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદ હવે સપાટી પર આવી ગયા છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરતી ઓડિયો ક્લિપ વાયરલ થવાના મામલે મહેસાણા તાલુકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવાદાસ્પદ ઓડિયોમાં સાંસદ વિરુદ્ધ અપશબ્દો બોલનારા ભાજપના સ્થાનિક નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે. આ રાજકીય લડાઈ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો વિવાદ, કાર્યકરને ફોન પર ધમકાવ્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટથી થઈ હતી. મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાજપના કાર્યકર મૌલિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાંસદ મયંક નાયકના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી. આ બાબતથી નારાજ થઈને પિન્ટુ પટેલે મૌલિક પટેલને ફોન કરીને ખખડાવ્યો હતો. આ વાતચીત દરમિયાન પિન્ટુ પટેલે ગામના અન્ય એક કાર્યકરને કોન્ફરન્સ કોલમાં જોડીને સાંસદ તેમજ પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ વિશે અત્યંત અમર્યાદિત ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.
વાયરલ ઓડિયોમાં પિન્ટુ પટેલે આપ્યા આકરા નિવેદનો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ ભાજપના કાર્યકરને ખુલ્લો પડકાર ફેંકતા સંભળાઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, "મયંક નાયક મારા માટે ઝીરો છે. મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન અને હવેથી તું પણ મારો અઢારમો દુશ્મન છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું કે તું મોટીદાઉ ગામમાં શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ બનીને બતાવ. જો તું ઈન્ચાર્જ બને તો હું મારું રાજકારણ છોડી દઉં. રાજકારણ છોડીશ પણ મયંક નાયકને પગે નહીં પડું." આ ઉપરાંત, તેમણે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ માટે પણ અપમાનજનક શબ્દો બોલ્યા હતા.
પોલીસ ફરિયાદ બાદ અટકાયત અને માફીનામું
ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ જેની સાથે વાતચીત થઈ રહી હતી તે કાર્યકર મૌલિક પટેલે આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એક્શનમાં આવેલી પોલીસે મોડી રાત્રે જ પિન્ટુ પટેલની અટકાયત કરી લીધી હતી. જોકે, પોલીસ કાર્યવાહીના પગલે વિવાદ વધતા પિન્ટુ પટેલે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને સાંસદ મયંક નાયક વિશે બોલેલા અપશબ્દો બદલ જાહેરમાં માફી માગી લીધી છે.
'જેટલા નેતા એટલા જૂથ': મહેસાણા ભાજપમાં આંતરિક ખેંચતાણ
સ્થાનિક સ્તરે પિન્ટુ પટેલ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થક માનવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ બાદ હવે આ બીજી ઘટના સામે આવતા આંતરિક જૂથવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પક્ષના જ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસાણા જિલ્લા ભાજપમાં હાલ 'જેટલા નેતા એટલા જૂથ' જેવી સ્થિતિ છે. અહીં સાંસદ મયંક નાયક, જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોર, નીતિન પટેલ, સાંસદ હરી પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ અને રજની પટેલના અલગ-અલગ જૂથો સક્રિય છે, જેની અસર હવે પક્ષના અને સરકારી કાર્યક્રમોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.