Congress Slams MHA Decision Jantar Mantar Ban: દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતરને સત્તાવાર વિરોધ પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવાના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણયને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. સોમવાર, 12 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ, સાંસદ ચરણજીત સિંહ ચન્ની અને લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ આ નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જંતર-મંતરને વિરોધ સ્થળોની સત્તાવાર યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવાની દિશામાં લેવાયેલું પગલું છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.
જયરામ રમેશે મોદી-શાહ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના મહાસચિવ અને સંચાર મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગૃહ મંત્રાલયના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું, “ઐતિહાસિક જંતર મંતર હવે એવી જગ્યા રહેશે નહીં જ્યાં આપણા લોકશાહીને દરરોજ નવી તાકાત મળતી હતી. આ સ્પષ્ટ સંકેત છે કે પીએમ-એચએમ જોડી કેટલી હદે નર્વસ છે.” તેમણે વધુમાં કહ્યું, “આ કાવતરાખોર જોડી ચારે બાજુથી ઘેરાયેલી છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં આપણે જોયું છે કે તેમણે શાંતિપૂર્ણ જાહેર પ્રદર્શનોને કેટલી નિર્દયતાથી કચડી નાખ્યા છે. તેમના માટે, લોકશાહી હવે લોકશાહી ખુરશી બની ગઈ છે.” જયરામ રમેશે આ નિવેદન દ્વારા કેન્દ્ર સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતાં આરોપ લગાવ્યો કે સરકાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવી રહી છે.
ચરણજીત સિંહ ચન્નીએ શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ પણ જંતર-મંતરને વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવાના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “આજે તેમણે વિરોધ સ્થળોની યાદીમાંથી જંતર-મંતરને દૂર કરી દીધું છે. હવે તેઓ ધીમે ધીમે કહેશે કે તમે દિલ્હી આવી શકતા નથી, જાણે દિલ્હી તેમના બાપનું હોય.” ચન્નીના આ નિવેદનથી કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે.
ગૌરવ ગોગોઈએ ભાજપ પર કર્યા પ્રહાર
લોકસભામાં વિપક્ષના ઉપનેતા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પણ આ નિર્ણયને લઈને ભાજપની ટીકા કરી હતી. તેમણે કહ્યું. “ભારતીય જનતા પાર્ટી (BJP) ડરી ગઈ છે. તેઓ સમજી રહ્યા છે કે તેમનું સિંહાસન વધુ સમય સુધી તેમની સાથે રહેશે નહીં.” કોંગ્રેસના ત્રણેય નેતાઓનાં નિવેદનો બાદ જંતર-મંતરને વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવાનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે દિલ્હીમાં ક્યાં કરી શકાશે વિરોધ પ્રદર્શન?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે ત્રણ વૈકલ્પિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે:
રામલીલા મેદાન
બુરારી મેદાન
સીબીડી ગ્રાઉન્ડ, પૂર્વ દિલ્હી
જંતર-મંતર લાંબા સમયથી વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને નાગરિકોના વિરોધ પ્રદર્શનો માટે જાણીતું સ્થળ રહ્યું છે. તેને સત્તાવાર યાદીમાંથી દૂર કરવાના નિર્ણયથી વિરોધ પ્રદર્શન માટેની મંજૂરી પ્રક્રિયા અને જાહેર અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ચર્ચા શરૂ થઈ છે.