ખેતી બેંકમાં થાપણદારની બેઠક ઉભી કરી કાયમી કબજો કરવાનો કારસો?
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે પેટા નિયમોમાં કરાયેલા સુધારા સામે મનાઈ હુકમ આપ્યો

એક ડિરેક્ટરે ખેડૂતોને પત્ર લખી ખેતી બેંકનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતાં સહકારી રાજકારણ ગરમાયું

એક ડિરેક્ટરે ખેડૂતોને પત્ર લખી ખેતી બેંકનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતાં સહકારી રાજકારણ ગરમાયું
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક) ઉપર કાયમી કબજો જમાવવા માટે રચાયેલા કારસાને મહેસાણાના એક ખેડૂતે અટકાવ્યો છે. મહેસાણા તાલુકાના રામપુરા ગામના રમેશભાઈ ચૌધરીએ ખેતી બેંકના ચેરમેન દ્વારા રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે રજૂ કરાયેલા પેટા નિયમોના સુધારા ઉપર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવે મનાઈ હુકમ ફરમાવતાં સમગ્રા મામલો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખેતી બેંકના ચેરમેને ડિરેક્ટરોની અને સભાસદોની જાણ બહાર થાપણદારની બેઠક માટે નવા પેટાનિયમમાં સુધારો કરી નાખ્યો છે.
ખેતી બેંકના ચેરમેન દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જાણ બહાર પેટા નિયમોમાં સુધારો કરી થાપણદારની એક બેઠક ઉભી કરીને કાયમી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે એક ડિરેક્ટરે પણ પત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ખેતી બેંકમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતાં સહકારી રાજકારણ ગરમાયું છે.
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન દ્વારા બિન ખેડૂતને ઘુસાડવાના ષડયંત્રને મહેસાણાના એક ખેડૂતે અટકાવી દીધુ છે. ખેતી બેંકની સાધારણ સભામાં એજન્ડા છુપાવી કેટલાક પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાછલા બારણે થાપણદારને પણ સભાસદ બનાવવાનો પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. ખેતીની જમીન ધારણ ન કરતો હોય તેમજ ખેતી બેંકમાં ધિરાણ ન લીધુ હોય તેવા બિન ખેડૂતને સભાસદ બનાવવાના ષડયંત્ર હેઠળ પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. પેટા નિયમોમાં સુધારા મંજૂર કરવા માટે ડિસેમ્બર-2024માં ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી.
ખાસ સાધારણ સભામાં એજન્ડાની જાણ કર્યા વગર પેટા નિયમોમાં સુધારાને વંચાણે લીધા વગર માત્ર કાગળ ઉપર મંજૂર કરાવી રાજ્ય સહકારી રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે રજૂ કરાયા હતા. જેની સામે અનેક ખેડૂતોએ રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ વાંધા રજૂ કર્યા હતા. રાજ્ય રજિસ્ટ્રારે 5 મે 2025ના રોજ સુનાવણી રાખી હતી. જો કે, સુનાવણી પહેલાં રાજ્ય સહકારી રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની બદલીનો હુકમ થયો હતો. તેથી સુનાવણી સમયે એન.વી. ઉપાધ્યાયની હાજર નહી હોવાથી સંયુક્ત રજિસ્ટ્રાર શ્વેતાબેન પટેલે લેખિતમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.
5 મે 2025ના રોજ લેખિત જવાબ રજૂ કરી તમામ સુધારાઓ સામે વાંધા આપ્યા હતા. તેમ છતાં વાંધાઓને ધ્યાને લીધા વગર રજિસ્ટ્રારે બદલીનો હુકમ થઈ ગયો હોવા છતાં વાંધા લેનારને સાંભળ્યા વગર ખેતી બેંકના પાયાના સિધ્ધાંતોને નુકશાન થાય તેવો એકતરફી નિર્ણય કર્યો હતો. અધિકારીની બદલી થઈ ગઈ હોય તે અધિકારી જૂની તારીખમાં સહી કરી સંસ્થાને હાનિ પહોંચાડી હોવાથી મહેસાણા તાલુકાના રામપુરા ગામના રમેશભાઈ ચૌધરીએ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરી હતી.
આ મામલે કોઈ નિર્ણય નહી આવતાં રમેશભાઈ ચૌધરીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરી હતી. તેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ(અપીલ) આર.એચ.દાતણિયાએ રીવીઝન અરજી ગ્રાહ્ય રાખી વામાં આવે ગાંધીનગરના સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારે 7 મે 2025ના રોજ કરેલા હુકમ સામે આગામી 25 જુલાઈ 2025ના રોજ વધુ સુનાવણી રાખી કામચલાઉ મનાઇ હુકમ આપ્યો છે.
વર્તમાન ચેરમેનની GSC બેન્કના ડિરેક્ટર તરીકેની મુદત પૂર્ણ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન ડોલરરાય કોટેચાનો GSC બેન્કના પ્રતિનિધિ તરીકે ખેતી બેંકના બોર્ડમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે આવ્યા હતા. GSC બેન્કમાં ડિરેક્ટર તરીકે ડોલરરાય કોટેચાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ખેતી બેંકના વર્તમાન બોર્ડની મુદત વર્ષ 2026 માં પૂર્ણ થાય છે. તેમ છતાં તેઓ ચેરમેનપદે ચાલુ રહેતાં સહકારી આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
સહકારી કાયદાનો ભંગ કરી બન્યા હતા પેરાશૂટ ચેરમેન
સહકારી કાયદાની કલમ 74(1-ક)ની પેટા કલમ-2માં સ્પષ્ટ જોગવાઈ છે કે, ફક્ત ચૂંટાયેલા સભ્યો જ નિયામક મંડળના હોદ્દેદારો બનવા હક્કદાર છે. તેમ છતાં GSC બેન્કના કો-ઓપ્ટ સભ્ય તરીકે ખેતી બેંકમાં આવી ડોલરરાય કોટેચા પેરાશૂટ ચેરમેન બની ગયા હતા. તેઓ ચૂંટાયેલા નહી હોવા છતાં ખેતી બેંકના ચેરમેન પદે ચીટકી રહ્યા છે.
ખેતી બેંકને બચાવવા લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
ખેતી બેંકમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર બાબતે બેંકના એક ડિરેક્ટરે સહકારી અગ્રણીઓ અને ખેડૂતોને પત્ર પાઠવ્યો છે. ખેતી બેંકને બચાવવા માટે લખેલા પત્રમાં વર્તમાન બોર્ડ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં તેમણે નવા પેટા નિયમમાં કરાયેલા સુધારાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો છે. બેંકની 176 શાખા પૈકી 35 શાખાઓ નુકસાન કરતી હોવા છતાં નફો કરતી બતાવવા બાબતે, ખેડૂતોને પાંચ લાખ રૂપિયાના ધિરાણમાં ધક્કા ખવડાવતાં અધિકારીઓ ભાગેડું અને ચીટર બિલ્ડરને 20 કરોડની લોન આપ્યા બાદ વસૂલાત બાબતે, સાધારણ સભાના નામે થતાં ખોટા ખર્ચા કરવા બાબતે, કોઈપણ બેંક થાપણદારોને સભાસદ બનાવતી નથી. માત્ર નોમીનલ સભાસદ બનાવે છે. તેમ છતાં ખેતી બેંકમાં 5 (ગ)નો સુધારો કરી ખેડૂત ન હોય તેવા વ્યક્તિઓને થાપણ મૂકી સભાસદ બનાવવાના ષડયંત્ર બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મેનેજીંગ ડિરેક્ટરની જગ્યા કાઢી નાંખી CEO ને સર્વોચ્ચ પદ આપી સરકારનું નિયંત્રણ દૂર કરી સત્તાધીશોના પોતાના અંગત વ્યક્તિને બેસાડી ખેતી બેંકને ફડચામાં લઈ જવાનું ષડયંત્ર હોવાનો પણ પત્રમાં આરોપ મૂક્યો છે. રાજ્યની 176 શાખામાં બેસવાની ખુરશી કે પીવાના પાણીનાં ઠેકાણાં નથી. તેમ છતાં હેડ ઓફિસમાં કરોડો રૂપિયાના ખર્ચે બોર્ડ રૂમ કોના લાભાર્થે બનાવવામાં આવ્યો? ક્યા પેટા નિયમના સુધારાથી સંસ્થાને શું ફાયદો કે નુકસાન થશે તેનો અભ્યાસ કોઈ બોર્ડ ડિરેક્ટર સાહેબે કર્યો છે ખરા? બિન ખેડૂત, બિન સભાસદ ચેરમેનના ષડયંત્રમાં સામેલ થઈ સૌ ડિરેક્ટરોએ સંસ્થા સાથે દગો કર્યો હોવાનો પત્રમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.