દાહોદ મનરેગા કૌભાંડમાં પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીના પુત્રોના નામ ખૂલતાં ગરમાવો
પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બે પુત્રોએ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી

દાહોદ અને ધાનપુરના 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની એજન્સીઓની સંડોવણી

દાહોદ અને ધાનપુરના 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની એજન્સીઓની સંડોવણી
દાહોદ મનરેગા કૌભાંડમાં પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડની મુશ્કેલીઓ વધી શકે છે. રૂપિયા 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રીના બે પુત્રોની એજન્સીઓની સંડોવણી ખુલી છે. તેથી બચુ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડે દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે ચાલતી મનરેગા યોજનામાં ગરીબોને સાઈડલાઈન કરીને પંચાયત મંત્રીના પુત્રોની એજન્સીઓ પાસે કામ કરાવી બારોબાર નાણા જમા કરાવવાનું કૌભાંડ બહાર આવતાં ગુજરાતમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીયાના મનરેગા કૌભાંડમાં પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડે દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. રૂપિયા 71 કરોડના મનરેગા કૌભાંડમાં 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ 35 એજન્સીઓમાંથી બચુ ખાબડના બંને પુત્રોની એજન્સીઓની સંડોવણી ખુલી હોવાથી ફરિયાદ નોંધાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે મનરેગા કૌભાંડ મુદ્દે ફરિયાદ નોંધાવતાં પોલીસે 4 કર્મચારીઓની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં મંત્રી પુત્રોની એજન્સીઓની સંડોવણી ખુલતાં કિરણ ખાબડ અને બળવંત ખાબડે આગોતરા જામીન અરજી કરી છે. મનરેગા યોજના અંતર્ગત વિકાસ કામોના નાણા બારોબાર ઉપાડી લીધા હોવાનુ સામે આવ્યુ છે. નાણાંકીય વર્ષ 2021 થી 2025 દરમિયાન દેવગઢ બારીયાના કુવા, રેઢાણા તેમજ ધાનપુરના સિમામોઇ ગામમાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતુ.
શું હતો સમગ્ર મામલો?
દેવગઢબારિયા તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લિટિશન સર્ટીફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેના બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ પણ લીધો નથી.
બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને નાણા ચૂકવણી કરવાના કૌભાંડમાં અધિકારી અને કર્મચારીઓની મિલીભગત બહાર આવી છે. કૌભાંડની તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારીને વચગાળાનો અહેવાલ કરાયો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 અને ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કર્યો છે.
બોગસ એજન્સીઓનું રૂપિયા 160 કરોડનું ઉઘરાણું બાકી
વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગાના કામોમાં મટિરિયલ પૂરૂં પાડનારી એજન્સીઓના જિલ્લા પંચાયત પાસે 160 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. બાકી રકમ તત્કાલિન ડીડીઓ રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળની છે. જો કે, નવનિયુક્ત ડીડીઓ દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. મટિરિયલના કામોમાં ગેરરીતિ આચરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું છે.
મનરેગા કૌભાંડ મામલે SITની રચના
દેવગઢ બારીયાના 60.90 કરોડ અને ધાનપુરના 10.10 કરોડ મળી કુલ રૂપિયા 71 કરોડની ગેરરીતિ સામે આવી છે. આ રકમ માત્ર બે તાલુકાની છે. અન્ય તાલુકામાં સ્થળ ચકાસણી અને મંજૂર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો કૌભાંડનો આંકડો વધી શકે તેમ છે. આ કૌભાંડ સામુહિક યોજનાનું હોવાથી પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે સંપર્કમાં રહી કામ કરવા SITની રચના કરી છે.
વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો હતો ખુલાસો
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 250 કરોડનું કૌભાંડ થયું હોવાનો વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ બે મહિના અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી ખુલાસો કર્યો હતો. રાજ્ય કક્ષાની કમિટી બનાવી મનરેગા કૌભાંડની તપાસ કરવા તેમણે માગ કરી હતી. પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રોની બે એજન્સીઓને રૂપિયા 250 કરોડ ચુકવાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. દેવગઢ બારીયા તાલુકામાં રાજ કન્ટ્રક્શન નામની એજન્સીને રૂપિયા 211 કરોડ અને ધાનપુર તાલુકામાં રાજ ટ્રેડર્સને ચુકવાયા રૂપિયા 42 કરોડ ચુકવાયા હતા. વર્ષ 2020-21 થી 2024-25 દરમિયાન બંને એજન્સીને નાણા ચુકવાયા હતા. રાજ કન્ટ્રક્શનના માલિક બળવંત ખાબડ અને રાજ ટ્રેડર્સના માલિક કિરણ ખાબડ પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!