ગુજરાત ભાજપ પ્રમુખની ચૂંટણી, OBC નેતા બનશે પ્રમુખ?
શુક્રવારે 11 થી 2 સુધી ફોર્મ ભરાયા બાદ બપોરે ચકાસણી, શનિવારે 10 થી 11 વાગ્યે મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 292 ભાજપના નેતાઓ કરશે મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 292 ભાજપના નેતાઓ કરશે મતદાન
ગુજરાત ભાજપ પ્રમુખનું એક વર્ષથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયુ છે. ભાજપે ગુજરાત ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર કરી છે. 3 ઓક્ટોબરના રોજ સવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ બપોરે ચકાસણી થશે. જ્યારે 4 ઓક્ટોબરના રોજ 10 થી 11 વાગ્યા સુધી મતદાન બાદ બપોરે મતગણતરી કરાશે. ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં ભાજપના 292 નેતાઓ મતદાન કરશે.
ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.
બપોરે 3 થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મત ગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 11.30 વાગ્યા સુધી કરવામાં આવશે.
ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે.
ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોવાથી તેમજ વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા પ્રમુખની પસંદગી કરાશે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર થતાં કમલમમાં નેતાઓની હલચલ વધી છે. હાલમાં ભાજપના નેતાઓએ બેઠકો શરૂ કરી છે. શુક્રવાર સવાર સુધીમાં સર્વસંમત ઉમેદવારના નામની જાહેરાત થવાની સંભાવના છે.
કમલમ ખાતે મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ છે. ચૂંટણીના પગલે નેતાઓ અને કાર્યકરોમાં નામને લઈ અટકળો શરૂ થઈ છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવાથી પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના આવે તેવી શક્યતા છે. પાટીદાર સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવાય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાવાની શક્યતા વધી જશે. તેથી પ્રદેશ પ્રમુખના જાતિ સમીકરણને લઈ નેતાઓ અને કાર્યકરોમાં ઉત્કંઠા વધી છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે. શનિવારે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા કક્ષાથી આગેવાનો ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સૂચક ભૂમિકા
જાતિગત અને વિસ્તારનું સમીકરણ ગોઠવવા ગુજરાતમાં ભાજપ પ્રમુખ તરીકે યોગ્ય નેતાની પસંદગી કરવાની હોવાથી છેલ્લાં 9 મહિનાથી કોકડું ગૂંચવાયુ હતું. હાલમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી તેમજ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી હોવાથી સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થવાની શક્યતા છે. RSSએ ગુજરાતમાં પોતાની વિચારધારાવાળી વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાથી પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સેવા પખવાડિયાની ઉજવણીના આયોજન માટે કમલમમાં 25 ઓગષ્ટના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રથમ વખત સંઘના અગ્રણી હાજર રહ્યા હતા. RSS ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ બેઠકમાં જોવા મળ્યા હતા. સંગઠન, સાંસદો અને ધારાસભ્યો સાથે RSS ના હોદ્દેદાર પ્રથમ વખત હાજર રહ્યા હતા. સત્તાવાર બેઠક વગર કરાઈ હતી પાટીલની નિમણૂક
ગુજરાત ભાજપ પ્રમુખની વરણી જાન્યુઆરી-2025માં કરવાની હતી. જાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે ભાજપને યોગ્ય પ્રદેશ પ્રમુખ નહી મળતાં કોકડું ગૂંચવાયુ હતું. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલની મહત્વની ભૂમિકા છે. ત્રણેય જૂથના સર્વસામાન્ય નેતાની પસંદગી કરવી અઘરી સાબિત થઈ હતી. RSS એ પણ રાષ્ટ્રીય પ્રમુખની સાથે ગુજરાતમાં પણ પોતાની વિચારધારાવાળા વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હતો.
મુખ્યમંત્રી મધ્ય ગુજરાત અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવાથી સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી થવાની ચર્ચા છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જો કે, સી.આર.પાટીલની નિમણૂક પક્ષની સત્તાવાર બેઠક વગર કરવામાં આવી હતી.
આનંદીબેન પટેલની ગુજરાતની સૂચક મુલાકાત
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તાજેતરમાં કાગવડના ખોડલધામ સહિત ગુજરાતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલ ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. આ નેતાઓ પાસેથી આનંદીબેન પટેલે સેન્સ મેળવી રાષ્ટ્રીય નેતાગીરીને મોકલી હોવાની શક્યતા છે. તેથી આનંદીબેન પટેલની મુલાકાત રાજ્યના રાજકારણ માટે ઘણી સૂચક માનવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?