ગુજરાત કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં સરકારની જાસૂસી?
મહેસાણામાં કોંગ્રેસની ઉત્તર ઝોનની સમીક્ષા બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસતાં રાજકીય ગરમાવો

AI જનરેટેડ

AI જનરેટેડ
કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં સર્જાયો વિવાદ
મહેસાણામાં યોજાયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સમીક્ષા બેઠક દરમિયાન અચાનક ઘટેલી ઘટનાથી વિવાદ થયો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે થઈ રહેલી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસી જતાં હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતાઓએ IB કર્મચારીઓની પકડી મોબાઈલ તપાસતાં તેમાંથી અશ્લિલ વીડિયો મળતાં વિવાદ ઘેરાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કોંગ્રેસની જાસૂસી મામલે સરકાર સામે સવાલ કરતાં વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ઉત્તર ગુજરાત પ્રભારી સુહાસિની યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારો સાથે બે કર્મચારીઓનો પ્રવેશ
બેઠકની શરૂઆતમાં મીડિયા પ્રતિનિધિઓને વીડિયો મેળવવા માટે મર્યાદિત સમય માટે અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બે વ્યક્તિઓ પણ પત્રકારો સાથે બેઠકમાં પહોંચી ગયા હતા. કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેમને બેઠકની અંદર વીડિયો રેકોર્ડિંગ કરતા જોતાં તેમની ઓળખ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
નેતાઓએ વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસના નેતાઓએ બેઠક ખાનગી અને આંતરિક હોવાનું જણાવી પરવાનગી વિના વીડિયો બનાવવા બાબતે વિરોધ કર્યો હતો. ઘટનાને લઈને બેઠક સ્થળે થોડીવાર માટે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. નેતાઓએ સંબંધિત વ્યક્તિઓને વીડિયો રેકોર્ડિંગ બંધ કરવા જણાવીને બેઠકમાંથી બહાર જવા કહ્યું હતું.
મોબાઇલ તપાસ બાદ ચર્ચા તેજ
સ્થાનિક કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ, ઘટનાક્રમ દરમિયાન સંબંધિત વ્યક્તિઓના મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. આ તપાસને લઈને વિવિધ પ્રકારના દાવા અને આક્ષેપો સામે આવ્યા છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર તપાસ એજન્સી અથવા સંબંધિત વિભાગ તરફથી જાહેર નિવેદન સામે આવ્યું નથી.
અમિત ચાવડાએ જાસૂસી મામલે ઉઠાવ્યા સવાલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં IBના કર્મચારીઓની જાસૂસી મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી. કોંગ્રેસની બેઠકમાં જાસૂસી માટે મોકલવામાં આવેલા કર્મચારીઓ મુદ્દે સવાલ ઉઠાવી અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે તેમ છતાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય છે. રાજ્યમાં દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે. બુટલેગરો બેફામ બન્યા છે. તેવા સમયે ડ્રગ્સ અને દારૂની હેરાફેરીની જાસૂસી કરવાના બદલે કોંગ્રેસના કાર્યક્રમોની જાસૂસી કરવામાં આવી રહી છે. તે ખરેખર વખોડવા લાયક છે.
IB કર્મચારીના મોબાઇલમાંથી અશ્લીલ વીડિયો મળ્યા
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, પરવાનગી વગર કોંગ્રેસની ઓફિસમાં ઘૂસી આવેલા કર્મચારીઓના મોબાઈલની તપાસ કરવામા આવી ત્યારે તેમાં કોંગ્રેસની બેઠકના વીડિયો ઉપરાંત અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. સરકારી કર્મચારી હોવા છતાં મોબાઈલમાંથી અસંખ્ય અશ્લીલ વીડિયો મળતાં ઘટનાને કલંકરૂપ ગણાવી નારાજગી વ્યક્ત કરી હતી.
રાજકીય વર્તુળોમાં ઉઠ્યા સવાલ
ઘટના બાદ કોંગ્રેસે બેઠકમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરનારાઓની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે. પક્ષના નેતાઓએ આવી ઘટનાઓને રાજકીય ગતિવિધિઓ પર નજર રાખવાના પ્રયાસ સાથે જોડીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ, સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે.
સત્તાવાર સ્પષ્ટતાની રાહ
સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી સંબંધિત એજન્સી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સૌની નજર એ બાબત પર છે કે આ મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને વિવાદ અંગે સત્તાવાર હકીકત શું બહાર આવે છે.
શું હતો સમગ્ર મામલો?
મહેસાણા કોંગ્રેસ કાર્યાલયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉત્તર ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પત્રકારોને વિઝ્યુલ્સ લેવા બોલાવ્યા ત્યારે IBના બે કર્મચારીઓ પહોંચી ગયા હતાં. તેઓ બેઠકના વીડિયો બનાવતા હતા તે સમયે કેટલાક નેતાઓને શક જતાં તેમણે પકડી મોબાઇલ ચેક કર્યા હતા. અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ તાત્કાલિક વીડિયો ડિલીટ કરવા જણાવ્યું હતું અને આઈબીના કર્મચારીઓને બેઠકમાંથી બહાર હાંકી કાઢ્યા હતા. આ સમયે IB કર્મચારીના મોબાઇલમાંથી અશ્લિલ વીડિયો મળી આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ બેઠકના વીડિયો ડિલીટ કરી કર્મચારીઓનો ઉધડો લેતાં તેઓ રવાના થઈ ગયા હતા.
નકલી IB અધિકારી બની ધમકી આપનાર AAPના નેતા ઝડપાયા હતા
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે IB અધિકારી તરીકે ખોટી ઓળખ આપી પાર્ટીના એક કાર્યકરને ધમકી આપવાના કેસમાં વડોદરા શહેર પ્રમુખ અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા અને નીતિન ડોબરિયાની બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 28 મેના રોજ દિલ્હીના પૂર્વ AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ગુજરાત પોલીસના ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા AAP કાર્યકરોને હેરાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ કરાયા હતા. બાદમાં આ પોસ્ટને અરવિંદ કેજરીવાલે પણ શેર કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.
આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પોસ્ટમાં દર્શાવાયેલા મોબાઇલ નંબરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, IB અધિકારી તરીકે ઉપયોગમાં લેવાયેલો નંબર નીતિન ધીરુભાઈ ડોબરિયાના નામે નોંધાયેલો હતો. નીતિન મૂળ રાજકોટ જિલ્લાના વિરપુરનો રહેવાસી છે અને હાલમાં આણંદમાં મજૂર કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અશોક ઓઝા અને નીતિન ડોબરિયાએ મળીને AAP કાર્યકર કેશાજી ચૌહાણને ડરાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ યોજના હેઠળ કથિત રીતે IB અધિકારી બની ફોન કરીને વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, કેશાજી ચૌહાણને થોડા સમય પહેલાં પાર્ટીની જવાબદારી માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. આ કારણે અશોક ઓઝા તેમને રાજકીય સ્પર્ધક તરીકે જોતા હતા. આંતરિક મતભેદ અને રાજકીય અદાવતને કારણે તેમને હેરાન કરવા માટે આ આખું કાવતરું રચાયું હતું. તેથી આણંદ સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?