Gandhinagar Municipal Election 2026: ગાંધીનગર મનપા ચૂંટણી 2026ને લઈને ગાંધીનગરના રાજકારણમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા તેજ બની છે. કોંગ્રેસે 25 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ યાદીમાં 5 વોર્ડના 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે AAP અગાઉ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચૂકી છે. ભાજપ તરફથી પણ ઉમેદવારોની પસંદગી અને યાદી જાહેર કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.
ગાંધીનગરમાં 2.56 લાખથી વધુ મતદારો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર છે. ગાંધીનગરમાં 2.56 લાખથી વધુ મતદારો માટે 295 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોંગ્રેસે 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10 માટે કુલ 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની યાદીમાં મહિલા, પછાતવર્ગ, અનુસૂચિત જાતિ અને સામાન્ય વર્ગના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પક્ષની યાદી જાહેર થતાં જ ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં ઉમેદવારીને લઈને ચર્ચા તેજ બની છે. વોર્ડ નંબર 1માંથી જલ્પાબેન ઠાકોર, સુનિતાબેન પટેલ, રવિન્દ્રકુમાર ત્રિવેદી અને નંદુભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3માંથી હેતલ રાઠોડ, શિવાની શાહ, માનાજી મોદી અને મહેન્દ્રસિંહ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માંથી આશાબેન ઠાકોર, દક્ષાબેન પરમાર, ચિરાગ ઠાકોર અને ફેવીન પટેલના નામ જાહેર થયા છે. વોર્ડ નંબર 9માંથી રંજનબેન રમલાવત, અશ્વિનકુમાર સુહાન અને ધ્રુવ પટેલને તક આપવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 10માંથી પલકબેન ગોહિલ, વૈશાલીબેન પરમાર, રમેશભાઈ દેસાઈ અને ઉમેશકુમાર પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપની ઉમેદવાર પસંદગી પર નજર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર પસંદગી પણ મહત્વનો મુદ્દો બની છે. પક્ષે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી અને ત્રણ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક બેઠક માટે દાવેદારોમાંથી પેનલ તૈયાર કરીને અંતિમ નિર્ણય માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપની યાદીમાં સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસને ફરી તક મળ્યાની માહિતી સામે આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અંકિત બારોટને પણ ઉમેદવારી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. બીજી તરફ વર્તમાન મેયર અને ડેપ્યુટી મેયરને ટિકિટ ન મળવાની માહિતી સામે આવી છે.
AAPની 23 ઉમેદવારોની પ્રથમ યાદી
આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણી માટે અગાઉ પોતાની પ્રથમ યાદીમાં 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં વોર્ડ નંબર 1થી 11 સુધીના વિવિધ વોર્ડના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. AAPએ સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીના કેન્દ્રમાં રાખવાની વાત કરી છે, જેમાં પીવાનું પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને શિક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. AAPની યાદીમાં વોર્ડ નંબર 10માંથી ‘એન્જલ માસી’ તરીકે જાણીતા પારેખ જયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીની યાદીમાં વિવિધ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
44 બેઠકો માટે હવે ઉમેદવારીનો અંતિમ તબક્કો
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા આગળ વધતાં ચૂંટણીનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. 26 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેની વધુ સ્પષ્ટતા થશે. ગાંધીનગર મનપા ચૂંટણી 2026માં રોડ-રસ્તા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, શિક્ષણ અને શહેરના વિકાસ જેવા સ્થાનિક મુદ્દાઓ પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. હવે બાકી રહેલી ઉમેદવારી, પક્ષોની ચૂંટણી રણનીતિ અને આગામી પ્રચારથી ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધુ વધવાની શક્યતા છે. ગાંધીનગર મનપા ચૂંટણીનું મતદાન 11 ઓક્ટોબરે થશે અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. તેથી આગામી દિવસોમાં ઉમેદવારોની અંતિમ યાદી અને પક્ષોના પ્રચાર અભિયાન પર ગાંધીનગરના મતદારોની નજર રહેશે.