Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી સમયે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. એક તરફ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ નવરાત્રિમાં ગરબાના સમયગાળા અને સનાતન ધર્મના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. મતદાન પહેલાં બંને પક્ષના નેતાઓનાં નિવેદનોએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.
295 મતદાન મથકો પર ચૂંટણી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ છે. શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 295 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી છે. સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું. જ્યાંથી 39 વિશેષ બસો દ્વારા EVM, મતદાન કુટિર, ચૂંટણીલક્ષી સાહિત્ય અને પોલિંગ સ્ટાફને મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવશે. મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આશરે 1,570 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
EVM અને સ્ટાફની વૈકલ્પિક વ્યવસ્થા
મતદાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક વ્યવસ્થા કરી શકાય તે માટે 10 ટકા EVM મશીનો રિઝર્વ રાખવામાં આવ્યાં છે. આકસ્મિક સ્થિતિમાં કામગીરી જાળવી રાખવા 15 ટકા તાલીમબદ્ધ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6ના 17 મતદાન મથકો પર ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી બે-બે બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યાં છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ EVMનું મોક પોલ, ટેસ્ટિંગ અને સીલિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવી છે.
ગરબાના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
ચૂંટણી વચ્ચે નવરાત્રિમાં ગરબાના સમયગાળાનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું કે દેશની જનતા સનાતન ધર્મમાં માને છે અને શક્તિની આરાધના કરવાનો અધિકાર સૌને છે. દવેએ દાવો કર્યો કે ભૂતકાળમાં પણ નવરાત્રિ દરમિયાન ગરબાનો સમય વધારવાના મુદ્દે કેટલાક તત્વોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગર મનપા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આવો સૂર વ્યક્ત થયો હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે ગાંધીનગરની જનતા આવા વલણને માફ નહીં કરે.
કોંગ્રેસનો પલટવાર: ભાજપ લોકોને ગુમરાહ ન કરે
કોંગ્રેસના મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી જગત શુક્લાએ ભાજપના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે નવરાત્રિમાં ગરબા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તે નક્કી કરવાની સત્તા કોર્પોરેટરો પાસે નથી. તેમણે ભાજપને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવાની સલાહ આપી. શુક્લાએ દાવો કર્યો કે માલધારી સમાજની સભામાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો રાત્રે 12 વાગ્યા પહેલાં ગરબા બંધ કરાવી દેશે. શુક્લાએ આ નિવેદનને આરોપબાજી ગણાવ્યું હતું. આમ, ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતદાનની સાથે ગરબા અને સનાતન ધર્મનો મુદ્દો પણ ચર્ચામાં છે. હવે મતદાન પર આક્ષેપ-પ્રતિઆક્ષેપની સ્થાનિક રાજકારણમાં કેટલી અસર પડે છે, તેના પર સૌની નજર રહેશે.