ભાજપ નેતા બચુ ખાબડના પરિવારની જમીનો પર મનરેગાના કામો કરાયાનો પર્દાફાશ
બચુ ખાબડના વતન પીપેરો ગામના 12 સર્વે નંબરોમાં મનરેગા યોજનાનું કૌભાંડ થયાનો આક્ષેપ

મનરેગા યોજનાના કામો કર્યા વગર બારોબાર રૂપિયા 3 કરોડનું ચુકવણું કરી દેવાયું હોવાનો દાવો

મનરેગા યોજનાના કામો કર્યા વગર બારોબાર રૂપિયા 3 કરોડનું ચુકવણું કરી દેવાયું હોવાનો દાવો
રાજ્ય સરકારના કૃષિ અને રાજ્ય મંત્રી બચુ ખાબડના વતનમાં તેમની અને પરિવારની જમીનો પર મનરેગામાં યોજના હેઠળ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. બચુ ખાબડના પરિવારના 12 સર્વે નંબરમાં 3 કરોડ કરતા વધુ રકમના મનરેગાના કામો કર્યા વગર બારોબાર બિલ ચૂકવી દેવાયા હોવાનું સામે આવ્યુ છે. વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ સમગ્ર મામલાનો ખુલાસો કરીને મનરેગા કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાના રૂપિયા 71 કરોડના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બે પુત્રો હાલમાં જેલમાં છે.
દાહોદ, પંચમહાલ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યુ છે. અધિકારીઓની મીલીભગતથી ભાજપના નેતાઓ, પરિવારનો લોકો દ્વારા મનરેગા યોજનામાં ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં મનરેગા યોજનાની તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે. બચુ ખાબડની માલિકીની તેમજ પરિવારની જમીનોમાં મનરેગા યોજનાના કામો કર્યાનું બતાવી રૂપિયા 3 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનો વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, દાહોદના મનરેગા કૌભાંડમાં પુરાવાઓ સાથે લેખિત રજૂઆતો કરી તપાસની માગણી કરી તેમજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરી ત્યારે દેવગઢબારિયા અને ધાનપુરના થોડા ગામોની તપાસ કરી છે. માત્ર બે ફરિયાદમાં 80 કરોડ કરતા વધારે રકમનું કૌભાંડ સામે આવ્યું છે. તે જોતા 100 કરોડ નહિ પણ અનેકગણી રકમ વધી જાય તેવી શક્યતા છે.
ચાવડાએ ઉમેર્યુ કે, ફરિયાદ થયા બાદ મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન ગંગાજળની વાત કરવાવાળી સરકાર હજુ સુધી મંત્રીને છાવરી રહી છે. બચુ ખાબડ મંત્રી પદની સત્તાનો દુરૂપયોગ કરી તપાસને દબાવવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવી જોઈએ.
મંત્રી બચુ ખાબડના ગામના લોકોએ પુરાવાઓ સાથે માહિતી આપી છે. બચુ ખાબડના પીપેરો ગામમાં 498 સર્વે નંબરો છે. તે પૈકી 12 સર્વે નંબરોની વિગતો સામે આવી છે. 12 સર્વે નંબરમાં માલિક અને ખેડૂત તરીકે મંત્રી બચુ ખાબડનું નામ ચાલે છે. બીજા સર્વે નંબરમાં માલિક તરીકે તેમના પરિવારના લોકોના નામ છે. 12 સર્વે નંબરોની માહિતી જોઈએ તો લગભગ 3 કરોડ રૂપિયાના મનરેગાના કામો કરવામાં આવ્યા છે. સ્થળ પર એકપણ કામ કરવામાં આવ્યું નથી. તમામ વિગતો મનરેગાના ડેટા પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. સર્વે નંબરમાં મંત્રીના નામની અને પરિવારના લોકોના નામની જમીન ઉપર 3 કરોડ કરતા વધારે રકમના કામો મંજૂર કરાયા છે. આ કામોની તપાસ થાય તો મંત્રી અને તેમના પરિવાર અને ભાજપના મોટા નેતાઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતા છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર ઓપરેશન ગંગાજળની વાત કરતા હોય અને તટસ્થ તપાસ કરવા માંગતા હોય તો મંત્રી જાતે રાજીનામું ના આપે તો તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ. આજે પણ મંત્રી બિન્દાસ રીતે સરકારી સવલતો અને અધિકારો ભોગવી રહ્યા છે. જે લોકો ફરિયાદ કરે છે ત્યાં પોલીસ મોકલીને ધમકીઓ આપી તપાસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવા સંજોગોમાં મંત્રીના ગામની ફરિયાદ સંદર્ભે તાત્કાલિક તપાસ કરાવીને કાર્યવાહી કરવી જોઈએ.
જાંબુઘોડા તાલુકામાં 100 કરોડથી વધુનું કૌભાંડ
પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટચાર થયો છે. જાંબુઘોડા તાલુકામાં 26 ગામની 42 હજાર વસતી હોવાથી રાજ્યમાં નાનો તાલુકો છે. તેમ છતાં ચાર વર્ષમાં મનરેગામાં 300 કરોડ રૂપિયાના કામો મનરેગા યોજના હેઠળ થયા છે. નાણાપંચ, તાલુકા-જિલ્લા આયોજન, એમ.પી.-એમ.એલ.એ. ગ્રાન્ટ, ટ્રાયબલ ગ્રાન્ટ અને ફોરેસ્ટની ગ્રાન્ટ બધાનો સરવાળો કરીએ તો 500 કરોડ કરતા વધારેના કામ ચાર વર્ષમાં થયા છે. મનરેગામાં 300 કરોડના કામોમાં જોગવાઈ મુજબ 60 ટકા લેબર કમ્પોનન્ટ હોય અને 40 ટકા મટિરિયલ કમ્પોનન્ટ હોય. પરંતુ મટિરિયલ સપ્લાય કરતી એજન્સીઓમાં એક એજન્સી જિલ્લા ભાજપના પ્રમુખની છે. બીજી એજન્સી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પત્નીના નામે છે. ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજાના નામે છે. ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે. ચાર વર્ષમાં 200 કરોડ રૂપિયાનું મટિરિયલ સપ્લાય કરાયું છે. રજૂઆત કરી હોવા છતાં સરકારની એકપણ એજન્સીએ તપાસ કરી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.