દેશમાં પોસ્ટ ઓફિસના વહીવટીતંત્રએ દેવાળું ફૂંક્યું?
પોસ્ટ ઓફિસમાં બે મહિનાથી પાસબુક-એફડી બુકની અછત, ગુજરાત કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

AI જનરેટેડ

AI જનરેટેડ
Shortage of passbooks in post offices: રાજ્યની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક, એફડી બુક અને અન્ય જરૂરી સ્ટેશનરી ઉપલબ્ધ ન હોવાનો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આ સ્થિતિના કારણે લાખો ખાતેદારો અને રોકાણકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 9 હજાર પોસ્ટ ઓફિસો કાર્યરત છે. જેમાંથી મોટાભાગની ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસોમાં કરોડો બચત ખાતાઓનું સંચાલન થાય છે. છતાં મૂળભૂત દસ્તાવેજોની અછત ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિવિધ બચત યોજનાઓના ગ્રાહકોને અસર
હેમાંગ રાવલના જણાવ્યા મુજબ સામાન્ય બચત ખાતા, રિકરિંગ ડિપોઝિટ (RD), ટર્મ ડિપોઝિટ (TD), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), માસિક આવક યોજના (MIS), સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) સહિતની વિવિધ યોજનાઓમાં ખાતા ધરાવતા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે નવા ખાતા અથવા નવી એફડી ખોલાવનારાઓને પણ પાસબુક કે અન્ય સત્તાવાર દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી.
માત્ર રસીદના આધારે જમા રકમનો પુરાવો
કોંગ્રેસના જણાવ્યા મુજબ હાલ ગ્રાહકોને જમા કરાવેલી રકમના પુરાવા તરીકે માત્ર સ્ટેમ્પ મારેલી પે-ઇન સ્લિપ આપવામાં આવે છે. પાસબુકમાં એન્ટ્રી અથવા સત્તાવાર દસ્તાવેજ ન મળતાં ભવિષ્યમાં વિવાદો અને ગેરરીતિની શક્યતા ઊભી થઈ શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ડુપ્લિકેટ પાસબુક માટે કડક નિયમો સામે પ્રશ્ન
હેમાંગ રાવલે જણાવ્યું કે જો કોઈ ખાતેદારની પાસબુક ખોવાઈ જાય અથવા નુકસાન પામે તો ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે એફિડેવિટ, પોલીસ ફરિયાદ સહિતની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે સરકાર સામાન્ય નાગરિકો માટે આટલા કડક નિયમો રાખે છે ત્યારે પાસબુક ઉપલબ્ધ કરાવવાની પોતાની મૂળભૂત જવાબદારી કેમ નિભાવતી નથી.
વડીલો અને મધ્યમ વર્ગની ચિંતા
કોંગ્રેસે દાવો કર્યો કે પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ વિશ્વાસ રાખતા સિનિયર સિટિઝન, પેન્શનરો અને મધ્યમ વર્ગના લોકો હાલ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. પોતાની જમા મૂડી અંગે સત્તાવાર દસ્તાવેજ ન મળતાં તેઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી હોવાનું કોંગ્રેસનું કહેવું છે.
સરકાર સમક્ષ કોંગ્રેસની માંગ
કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ટપાલ વિભાગને તાત્કાલિક પાસબુક, એફડી બુક અને અન્ય જરૂરી સ્ટેશનરીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરીને ખાતેદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેના કારણે ઉભી થતી કોઈપણ મુશ્કેલી માટે સરકાર જવાબદાર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?