સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા
સીપી રાધાકૃષ્ણને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, અનેક મહાનુભાવો હાજર રહ્યા
CP રાધાકૃષ્ણન
CP રાધાકૃષ્ણન
નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણનને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ વિધિ કરાવી હતી. આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઓડિશા, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ઉપસ્થિત
આ ઉપરાંત, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે 53 દિવસ પહેલા રાજીનામું આપનાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ આ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું
આ શપથવિધિ પહેલાં ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યો છે. શપથ ગ્રહણ પછી તરત જ, નવા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન રાજ્યસભાના તમામ નેતાઓ સાથે બેઠક કરવાના છે. ઉલ્લેખનીય છે કે, 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 152 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. તેમને કુલ 452 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષી ઉમેદવારને 300 મત મળ્યા હતા.
781 સાંસદોમાંથી 767 લોકોએ કર્યું મતદાન
ચૂંટણીના આંકડા અનુસાર, 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું હતું, જે 98.2% મતદાન દર્શાવે છે. આમાંથી 752 મત માન્ય હતા, જ્યારે 15 મત અમાન્ય ઠર્યા હતા. NDAને 427 સાંસદોનું સમર્થન હતું, પરંતુ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને અપેક્ષા કરતાં 14 વધુ મત મળ્યા, જેણે વિપક્ષી છાવણીમાં ક્રોસ-વોટિંગની અટકળોને જન્મ આપ્યો. મતદાનમાં 13 સાંસદો ગેરહાજર રહ્યા હતા, જેમાં બીજુ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), શિરોમણી અકાલી દળ, અને એક અપક્ષ સાંસદનો સમાવેશ થાય છે.
રાજકીય અને સામાજિક સફર લાંબી
સીપી રાધાકૃષ્ણનનો રાજકીય અને સામાજિક સફર ખૂબ લાંબી છે. તેઓ 16 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે અને 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા. તેઓ 1998 અને 1999માં ભાજપની ટિકિટ પર કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004થી 2007 સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત, તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધિમંડળનો પણ ભાગ રહ્યા હતા. સીપી રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળ કોચી સ્થિત કોઈર બોર્ડની નિકાસ રૂપિયા 2,532 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની શ્રીમતી આર સુમતિને એક પુત્ર અને એક પુત્રી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા