ખેતી બેંકની સાધારણ સભા પહેલાં અટકાયતને લઈ વિવાદ!
ચેરમેન ડોલર કોટેચાની પોલ ન ખૂલે તે માટે સાધારણ સભા પહેલાં 3 ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત

ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા અને અટકાયત કરાયેલા ખેડૂત પ્રતિનિધિઓની તસવીર

ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા અને અટકાયત કરાયેલા ખેડૂત પ્રતિનિધિઓની તસવીર
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ના ચેરમેન ગેરકાયદે સભાસદ બની ગયા હોવાનો એક વર્ષ અગાઉ ખુલાસો થયો હતો. અમદાવાદના ટાઉનહોલમાં ગુરૂવારે યોજાયેલી સાધારણ આ ખુલાસો ન થાય તે માટે સાધારણ સભા પહેલાં મહેસાણા અને થરાદના ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત કરવામાં આવી હતી. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાને ગેરકાયદે સભાસદ બનવા મામલે રાજ્યપાલની ઉપસ્થિતિ દરમિયાન સાધારણ સભામાં પોલ ન ખુલે તે માટે મહેસાણા અને થરાદના ત્રણ ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત કરી નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ મામલો લઈને સહકારી આગેવાનોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
અમદાવાદના ટાઉનહોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા, બેંકના ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યા હતા. સાધારણ સભા યોજાય તે પહેલાં ખેડૂત પ્રતિનિધિઓને લેખિત આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં મહેસાણાના બે અને થરાદના એક ખેડૂત પ્રતિનિધિને સાધારણ સભામાં જતાં અટકાવીને અટકાયત કરી લેવામાં આવી હતી. મહેસાણાના રમેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ પટેલ તેમજ થરાદના ગણેશભાઈ દેસાઈની પોલીસે અટકાયત કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા.

સાધારણ સભામાં પ્રશ્ન પૂછવાની તક આપવા ખેડૂત પ્રતિનિધિઓની માંગ
અટકાયત કરાયેલાં ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ખેતી બેંકની 74 મી વાર્ષિક સાધારણ સભા યોજાય તે પહેલા એક અઠવાડિયા અગાઉ નિયમાનુસાર 3 ખેડૂત પ્રતિનિધિઓએ ખેતી બેંકના જનરલ મેનેજરને લેખિત પ્રશ્નો સુપરત કર્યા હતા. સાધારણ સભા શરૂ થાય તે પહેલાં પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી હતી. સાધારણ સભા પૂરી થઈ ત્યાં સુધી અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે આ જ પ્રકારની પદ્ધતિ અપનાવી ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે કરેલી ગેરરીતિઓના કારણે સરકારી જોઈન્ટ રજિસ્ટ્રાર ઓડીટ દ્વારા તેમના વિરુદ્ધ રાજ્ય રજિસ્ટ્રારને ખાસ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. પોતાની પોલ ખુલ્લી ન પડે અને સભામાં કોઈ પ્રશ્ન ન ઉઠે તે માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયાનું ગળું દબાવવામાં આવ્યું છે. આ પ્રકારનું કૃત્ય નિંદનીય છે અને ખેડૂત હિતોની વિરુદ્ધ છે. અમે માગણી કરીએ છીએ કે, આ ઘટનાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થાય અને ખેડૂત પ્રતિનિધિઓને તેમના બંધારણીય અધિકાર મુજબ સાધારણ સભામાં પ્રશ્ન પૂછવાની તક મળે.
ખેડૂત પ્રતિનિધિઓએ સાધારણ સભા પહેલાં ખેતી બેંકના જનરલ મેનેજરને કરેલાં લેખિત પ્રશ્નો



ગત વર્ષની સાધારણ સભામાં પણ થયો હતો હોબાળો
ગત વર્ષે ગાંધીનગરના ટાઉનહોલમાં ખેતી બેંકની 73મી વાર્ષિક સાધારણ સભા અને મુખ્યમંત્રી ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદે સભાસદ બનવા મુદ્દે કેટલાક સભાસદોએ હોબાળો કર્યો હતો. ગેરકાયદે સભાસદ હોવાનો ખુલાસો માંગવામાં આવતા ચેરમેને જવાબ ટાળીને સાધારણ સભા તાત્કાલિક આટોપી લીધી હતી. આ સમયે ખેતી બેંકના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ કાનભા ગોહિલે પણ મંચ ઉપરથી ખુલ્લો વિરોધ કર્યો હતો. સાધારણ સભા શરૂ થાય તે પહેલાં મહેસાણા ખેતી બેંકના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી અને સાબરકાંઠા ખેતી બેંકના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ગેરકાયદે ઠરાવોનો બંને પ્રતિનિધિએ વિરોધ કર્યો હતો.
શું છે ગેરકાયદે સભાસદનો મામલો?
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સાધારણ સભામાં એજન્ડા છુપાવી કેટલાક પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાછલા બારણે થાપણદારને પણ સભાસદ બનાવવાનો પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. ખેતીની જમીન ધારણ ન કરતો હોય તેમજ ખેતી બેંકમાં ધિરાણ ન લીધુ હોય તેવા બિન ખેડૂતને સભાસદ બનાવવાના ષડયંત્ર હેઠળ પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. પેટા નિયમોમાં સુધારા મંજૂર કરવા માટે ડિસેમ્બર-2024માં ખાસ સાધારણ સભા પણ બોલાવાઈ હતી.
ખાસ સાધારણ સભામાં એજન્ડાની જાણ કર્યા વગર પેટા નિયમોમાં સુધારાને વંચાણે લીધા વગર માત્ર કાગળ ઉપર મંજૂર કરાવી રાજ્ય સહકારી રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે મોકલાયા હતા. જેની સામે ખેડૂત પ્રતિનિધિઓએ વિરોધ કર્યો હતો. મહેસાણાના રમેશભાઈ ચૌધરીએ તત્કાલિન સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. પરંતુ કોઈ નિર્ણય નહી આવતાં રમેશભાઈ ચૌધરીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ આર.એચ.દાતણિયાએ રિવિઝન અરજી ગ્રાહ્ય રાખી રાજ્ય રજિસ્ટ્રારે કરેલાં હુકમ સામે કામચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો.
સહકારી કાયદાનો ભંગ કરી બન્યા હતા પેરાશૂટ ચેરમેન
સહકારી કાયદાની કલમ 74(1-ક)ની પેટા કલમ-2માં સ્પષ્ટ જોગવાઈ છે કે, ફક્ત ચૂંટાયેલા સભ્યો જ નિયામક મંડળના હોદ્દેદાર બનવા હક્કદાર છે. તેમ છતાં GSC બેન્કના પ્રતિનિધિ તરીકે કો-ઓપ્ટ સભ્ય તરીકે ખેતી બેંકમાં આવેલા ડોલર કોટેચા પેરાશૂટ ચેરમેન બની ગયા છે. ડોલર કોટેચા GSC બેન્કના પ્રતિનિધિ તરીકે ખેતી બેંકના બોર્ડમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે આવ્યા હતા. GSC બેન્કમાં ડિરેક્ટર તરીકે ડોલર કોટેચાની મુદત પણ ગત વર્ષે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં તેઓ ચેરમેનપદે ચાલુ રહેતાં સહકારી આલમમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ, બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડમાં અકસ્માત

માયાવતી અને જયંત ચૌધરીનો વળતો પ્રહાર

21 સામે FIR, 13ની ધરપકડ