ગુજરાતની ડેરીઓમાં ડખોઃ બરોડા, દૂધસાગર બાદ હવે સુમુલ ડેરીમાં વિવાદ!
મંડળીઓ સામે દંડનીય કાર્યવાહી મુદ્દે ચેરમેન માનસિંગ પટેલ, વાઈસ ચેરમેન રાજુ પાઠક સામસામે

અમૂલ પેટર્નનો ભંગ કરી મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ ડિરેક્ટરોને બરખાસ્ત કરવા માંગ

અમૂલ પેટર્નનો ભંગ કરી મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ ડિરેક્ટરોને બરખાસ્ત કરવા માંગ
ગુજરાતમાં ભાજપની યાદવાસ્થળીના કારણે સહકારી ડેરીઓમાં ડખા શરૂ થયા છે. અગાઉ બરોડા ડેરીમાં એમડીનું રાજીનામુ લીધા બાદ મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેન વચ્ચે લાફા કાંડ અને પાવડર કાંડનો વિવાદ થયો હતો. હવે સુરતની સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રના દૂધનો વેપલા મુદ્દે ચેરમેન અને વાઈસ ચેરમેન સામસામે આવી ગયા બાદ કોંગ્રેસે મામલો ઉઠાવતાં મામલો ગરમાયો છે. આ મુદ્દે સુમુલ ડેરીના ચેરમેનને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સુમુલ ડેરીમાં ચેરમેન માનસિંગ પટેલ અને વાઈસ ચેરમેન રાજુ પાઠકના ગૃપ આમને સામને આવી ગયા છે. સુરત અને તાપી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓ મહારાષ્ટ્રથી દૂધ લાવી સુમુલ ડેરીમાં ભરાવતાં હોવાનો વિવાદ થયો હતો. આ વિવાદ મુદ્દે વાઈસ ચેરમેન રાજુ પાઠકે MD પર હાથ ઉગામ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે રાજુ પાઠક વિરૂદ્ધ સચિવને ફરિયાદ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી દૂધ લાવતી દૂધ મંડળીઓને સુમુલ ડેરીએ રૂપિયા 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. દંડ માફ કરી દેવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા રાજુ પાઠકની હરકતથી ડિરેક્ટરો ડઘાઈ ગયા હતા.
બહારથી દૂધ લાવવાનો મામલો શું છે?
સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 દૂધ મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં ભરાવતી હોવાનું રેકેટ રંગેહાથ ઝડપાયું હતું. અન્ય જિલ્લા કે રાજ્યમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરી સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં નોંધાયેલી મંડળીઓ અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડું દૂધ સુમુલ ડેરીને પધરાવતી હતી. દૂધ મંડળીઓને મસમોટો દંડ ફટકારવામાં આવતાં કેટલાક ડિરેક્ટરોના પેટમાં તેલ રેડાયું હતું. તેથી હુંફાળા દૂધમાં ઠંડુ દૂધ ભેળવવાનો મામલે સુમુલ ડેરીના રાજકારણમાં ઉભરો આવ્યો હતો.
સુમુલ ડેરીના વિવાદમાં કોંગ્રેસે ઝુકાવ્યું
દૂધ મંડળીઓના હુંફાળા દૂધમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ કરવામાં આવતી હોવા મામલે હવે કોંગ્રેસે ઝુકાવ્યું છે. જિલ્લા રજિસ્ટ્રાર અને મિલ્ક ઓડિટર મિલ્ક અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા માંગ કરી છે. સૂચિત મંડળી તેમજ મંડળો પાસે દૂધ ન લેવા કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સુમુલ ડેરી સાથે સંકળાયેલા ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મહારાષ્ટ્રથી ભળતી મંડળીનું દૂધ લાવી સુમુલ ડેરીને પધરાવતી દૂધ મંડળીઓના ગુણવત્તાની તપાસ કરવા તેમણે માંગ કરી છે. દર્શન નાયકે અગાઉ સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન વિરુદ્ધ એક હજાર કરોડના ભ્રષ્ટાચાર અંગે પણ રજૂઆત કરી સુમુલના નિયામક મંડળને બરખાસ્ત કરવાની માંગ કરી હતી.
સુમુલ ડેરીના ચેરમેનને ગાંધીનગરનું તેડું!
સુમુલ ડેરીમાં ખોટી રીતે દૂધ ભરાવતી મંડળીઓ સામે કાર્યવાહી કરવા ગાંધીનગરથી આદેશ અપાયો છે. ડેરીના ચેરમેન, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને મિલ્ક ઓડિટરને સહકાર મંત્રીએ ગાંધીનગર તેડાવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બહારથી દૂધ લાવતી મંડળીઓનું ઓડિટ કરી કાર્યવાહી કરવા મિલ્ક ઓડિટરને ફરમાન કરાયું છે. જ્યારે ગેરકાયદે દૂધ મંડળીઓ સામે આંખ આડા કાન કરનારા જિલ્લા સહકારી રજિસ્ટ્રારને સહકાર મંત્રીએ તતડાવ્યા છે. બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીને પધરાવતા મંડળો, દૂધ ખરીદ કેન્દ્રો સામે કાયદાકીય રાહે કાર્યવાહી કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સુરત અને તાપી જિલ્લાની 25 દૂધ મંડળીઓ મહારાષ્ટ્રથી દૂધ લાવી ભેળવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બાદમાં સુમુલ ડેરીના નિયામક મંડળની બેઠકમાં મુદ્દો ગાજ્યો હતો.
બરોડા ડેરીના ભ્રષ્ટાચારનો ભાજપના ધારાસભ્યે ખુલાસો કર્યો હતો!
મેરાકુવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નાણાંકીય કૌભાંડનો ભાજપના ધારાસભ્યએ ખુલાસો કર્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના એમડી ઉપરાંત મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને ડેરીના ચેરમેન સહિતને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી હતી. મરણ પામેલા સભાસદોના નામે દૂધ ભરાવ્યું હોવાનું બતાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. 8 થી 10 સભાસદોના મૃત્યુ થયા બાદ પણ તેમના ખાતામાં નિયમિત દૂધ ભરાવાનું અને રૂપિયા ઉપાડવાનું ચાલુ રહ્યુ હતું. તેમણે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય દૂધ મંડળીઓમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકા વ્યક્ત કરી હતી. બરોડા ડેરી અને વડોદરા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા તપાસ કરવામાં આવે તો પદાધિકારીઓની ભ્રષ્ટ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થવાનો તેમણે દાવો કર્યો હતો. કેતન ઈનામદારના આક્ષેપ બાદ બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું હતું.
દૂધસાગર ડેરીમાં ભાજપના બે જૂથ સામસામે!
અષાઢી બીજના દિવસે દૂધસાગર ડેરીના નિયામક મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વાઈસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન પાસે ડેરીના હિસાબો બાબતે સવાલ કર્યા હતા. આ સમયે બંને વચ્ચે બબાલ થતાં ચેરમેન અશોક ચૌધરીએ યોગેશ પટેલને લાફો માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. બીજા દિવસે યોગેશ પટેલે ચરાડા સ્થિત ડેરીના ગોડાઉનમાં પડેલો દૂધના પાવડરનો જથ્થો જાહેર કરી એક્સપાયર હોવાનો આરોપ મૂક્યો હતો. તેથી ચેરમેનને પત્રકાર પરિષદ કરીને ડેરીના રાજકારણ અને દૂધના પાવડરના જથ્થા અંગે ખુલાસો કરવાની ફરજ પડી હતી. મહેસાણા જિલ્લાના ભાજપના બે નેતાઓની યાદવાસ્થળીના કારણે દૂધસાગર ડેરીનો વિવાદ વકર્યો હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. દૂધસાગર ડેરીમાં હાલ અશોક ચૌધરી અને કનુ ચૌધરીના બે જૂથ પડી ગયા છે. જેની પાછળ રાજ્ય સરકારના એક મંત્રી અને ભાજપના સંગઠનના નેતાનો દોરીસંચાર હોવાની ચર્ચા થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?