સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ 50 ટકા યુવાઓને તક આપશે
11 થી 20 માર્ચ દરમિયાન નિરીક્ષકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને રૂબરૂ સાંભળશે

મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા માગતાં ઉમેદવારો માટે QR CODE જાહેર કરવામાં આવ્યો

મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા માગતાં ઉમેદવારો માટે QR CODE જાહેર કરવામાં આવ્યો
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના ઉમેદવારો માટે QR CODE જાહેર કરાયો હતો. આ તબક્કે અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ 50 ટકા યુવાનોને તક આપશે.
મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં 15 મહાનગરપાલિકાની 1044, 34 જિલ્લા પંચાયતની 1084, 262 તાલુકા પંચાયતની 5214 અને 83 નગરપાલિકાની 2596 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. રાજ્યના અંદાજે 95 ટકા વિસ્તારની આશરે 10 હજાર જેટલી બેઠકો પર ચૂંટણી યોજાનાર છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં 50 ટકા બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકા, શહેર, વોર્ડ અને જિલ્લા કક્ષાએ લોકો વચ્ચે જઈ સંવાદ સ્થાપિત કરાયો છે. મહાનગરોમાં “કોંગ્રેસ આપકે દ્વાર” કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી ગોટાળા ચાલતા હતા. નવા સીમાંકન બાદ બહાર આવેલી યાદીમાં 70 લાખ જેટલા મતદારોના નામ ઓછા થયા. જે અગાઉની મતદાર યાદીઓમાં બોગસ અને ડુપ્લીકેટ મતદારો હોવાની શંકાને વધુ મજબૂત બનાવે છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટ વધ્યો છે. રસ્તાઓ, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક, પ્રદૂષણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા 15 મહાનગરોમાં ઉમેદવારી ઇચ્છતા લોકો માટે ઓનલાઇન ક્યુઆર કોડ દ્વારા અરજીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ક્યુઆર કોડ સ્કેન કરીને ઉમેદવારો પોતાની વિગતો સાથે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 11 થી 20 માર્ચ દરમિયાન તેમની રૂબરૂ મુલાકાત લઈને પેનલ તૈયાર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે તેમજ એસસી, એસટી અને ઓબીસી વર્ગો માટે પણ અનામત બેઠકો છે. તેથી મહિલાઓ અને પછાત વર્ગોના સક્ષમ લોકોને પણ આગળ આવી ઉમેદવારી નોંધાવવાની અપીલ કરવામાં આવી છે.
વિધાનસભા વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગુજરાતમાં 73 લાખ 73 હજાર જેટલા મતોનો ઘટાડો થયો છે. 2022ની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત લગભગ 80 લાખ મતનો હતો. આટલા મોટા પ્રમાણમાં મત ઘટતા તફાવત નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.
તેમણે ઉમેર્યું કે, અમદાવાદ અને સુરત શહેરની લગભગ 23 વિધાનસભા બેઠકોમાં 47 હજારથી લઈને 1.94 લાખ સુધીના મત ઓછા થયા છે. જેમાં મુખ્યમંત્રીની ઘાટલોડિયા બેઠક પર લગભગ 97 હજાર મત ઓછા થયા છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક પર પણ આશરે 85 હજાર મત ઓછા થયા છે. તેમના મતે આ ઘટાડો અગાઉના બોગસ મતદારોના કારણે હતો અને તેના પરિણામે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે.
આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલાક શહેરોમાં મેયર પદના સંભવિત ઉમેદવારોની અગાઉથી જાહેરાત કરે તેવી શક્યતા છે. જેથી મતદારોને સ્પષ્ટ નેતૃત્વનો વિકલ્પ મળી શકે. હાલ મળતા પ્રતિસાદના આધારે કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતાઈથી મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો