રાજકોટ કલેક્ટર કચેરીમાં ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે કોંગ્રેસનું હલ્લાબોલ!
₹ 1204 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજકોટ-જેતપુર હાઇવેની કામગીરી દોઢ વર્ષે પણ અધૂરી

67 કિલોમીટરની કામગીરી બે વર્ષે પૂર્ણ કરવાની હતી, 50 ટકા કામગીરી પણ નહી થતાં ભારે હાલાકી

67 કિલોમીટરની કામગીરી બે વર્ષે પૂર્ણ કરવાની હતી, 50 ટકા કામગીરી પણ નહી થતાં ભારે હાલાકી
રાજકોટ-જેતપુર સિક્સલેન 67 કિલોમીટરના હાઈવેની કામગીરી છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહી છે. રૂપિયા 1204 કરોડના ખર્ચે હાઈવેની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી. જો કે, 50 ટકા કામગીરી પણ નહી થતાં સૌરાષ્ટ્રમાં અવર-જવર કરતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશન મેવાણીની આગેવાની હેઠળ જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા રાજકોટ કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાથ અને માથામાં પાટા બાંધી ‘ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે રેલી યોજી કોંગ્રેસ કાર્યકરો કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બનાવી ગડકરીના સ્થાને ગડ્ડા-કરી લખીને માંગ કરી હતી કે, પહેલા આપો રોડ અને પછી માંગો ટોલ.
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરી સપ્ટેમ્બર-2022માં શરૂ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2025માં 67 કિમીના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાની ટેન્ડરમાં જોગવાઈ કરી હતી. જેના બદલે માત્ર 20 કિલોમીટરનું કામ થયું છે. સમયસર પૂર્ણ કરાવવાના બદલે તંત્રએ સમય મર્યાદા વધારી જૂન, 2026 કરી આપવામાં આવી છે. હાલમાં ભારે વરસાદના કારણે રાજકોટ-જેતપુર હાઈવે પર મોટા ખાડા પડી જતાં દરરોજ ભારે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. બિસ્માર રસ્તાના કારણે અકસ્માતો પણ વધ્યાં છે.
કોંગ્રેસ અને જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિના આગેવાનો, કાર્યકરો, વેપારીઓ સહિતના લોકો વિરોધમાં જોડાયા હતા. તમામ લોકોએ ક્રોસ રોડથી અડધા કિલોમીટરની રેલી કાઢી કલેક્ટર એફિસ પહોંચી ‘ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા લગાવ્યા હતા.
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ જેતપુર સિકસ લેન હાઇવે પરથી દરરોજ અઢી લાખ વાહનો નીકળે છે. કામગીરી પૂર્ણ નહી થતાં લોકોને ખાસ કરીને એમ્બ્યુલન્સ તેમાં ફસાઈ જતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલું જ કહેવાનું કે એક વખત રાજકોટ-જેતપુર વચ્ચે રોડ શો યોજે તો આ હાઇવેનું કામ તુરંત થઈ જશે.
કોંગ્રેસ અને જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિએ કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે, હાઇવેનું 100 ટકા કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરાય અને બિસ્માર વૈકલ્પિક માર્ગની મરામત તાકીદે કરવામાં આવે. ખોટી વસૂલાત માટે ટોલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી થાય. બે ટોલ પ્લાઝા વચ્ચેના અંતરના નિયમો મુજબ સમીક્ષા કરવામાં આવે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ, કોન્ટ્રાક્ટર અને NHAI વચ્ચે સંકલિત કામગીરી થાય. Work Zone માટે IRC-SP 55:2014 મુજબ ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવે. બિનકાયદેસર દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી થાય. અકસ્માતગ્રસ્તો માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ, મેડિકલ સહાય અને વળતર યોજના અમલમાં મુકવામાં આવે. માલવાહક અને સામાન્ય વાહનો માટે વિકલ્પરૂપ સ્મૂથ રૂટ બનાવવામાં આવે. ટોલ વસૂલાત માટે કયા કરાર હેઠળ, કઈ તારીખથી અને કેટલા સમય માટે મંજૂરી આપવામાં આવી છે તેનો જાહેર ખુલાસો થાય.
રાજકોટ કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું કે, રાજકોટ-જેતપુર હાઈવેનું સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને એસપી સાથે વાત કરવામાં આવી છે. અહીં 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં 14 જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલા છે. ત્યાં વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો સામે આવે છે. ત્યાં 12 જેટલી ક્રેન મૂકાવવામાં આવી છે. જેમાં 2 ક્રેન ટોલ પ્લાઝા ઉપર મૂકાવવામાં આવી છે. હાલ એક બ્રિજ શરૂ થઈ ગયો છે અને 48 કલાકનો ડ્રાય સ્પેલ મળી જાય એટલે કે વરસાદ ન આવે તો નવા ત્રણ બ્રિજ ખુલ્લા મૂકી શકાય તેમ છે. જેમાં જામવાડીથી વિરપુર, ગોમટા ફાટક અને વિરપુર બાયપાસનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ કે, ટોલ પ્લાઝા પાસે સડક પીપળીયા નજીક ટ્રાફિક જામ થાય છે ત્યાં 16 ટ્રાફિક માર્શલ ત્રણ શિફ્ટમાં મૂકવામાં આવશે. ટ્રાફિકજામ શરૂ થાય ત્યારે ખ્યાલ આવી જાય અને ત્યારબાદ ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની મદદથી ટ્રાફિકનો ઝડપથી નિકાલ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રસ્તા ઉપર ખાડાના કારણે વાહનો ખૂબ જ ધીમા ચાલે છે. તેથી રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. ટોલ વસૂલવા બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.
રાજકોટથી જેતપુરનું અંતર 67 કિલોમીટર છે. જેમાં ભરૂડી ટોલ બુથ અને પીઠડ ટોલ બુથ આવે છે. કારચાલક પાસેથી 45 રૂપિયા વસૂલવામાં આવે છે. બંને ટોલ બૂથની વાર્ષિક આવક અંદાજે 140 કરોડ છે. હાઈવે પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. કાર ડાન્સ કરે છે, તો દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ગોકળગતિએ પસાર થાય છે. તેમ છતાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરતો આપવા છતાં વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા મળતી નથી.
સિક્સલેન હાઇવેની કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવાતા વૈકલ્પિક માર્ગની હાલત અત્યંત બિસ્માર છે. તેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈકલ્પિક રસ્તાઓ ઉપર કાચો પેચવર્ક, કાદવ, ખાડા હોવાથી વાહનોને નુકસાન થાય છે. ટોલ સંચાલકોની અવ્યવસ્થાથી ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ થતું નથી. જેના કારણે ટોલ પ્લાઝા નજીક ભારે ટ્રાફિકજામ સર્જાય છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનોના સ્પેરપાર્ટ્સના નુકસાનની ઘટનાઓ વધી રહી છે. માલવાહક વાહનોમાં ભરેલા સામાનને પણ નુકસાન પહોંચે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?