રાજકોટના મેયર અને ભાજપના ધારાસભ્ય વચ્ચે બબાલ?
MLAએ આમંત્રણ પત્રિકામાં નામ લખવા જીદ કરી હોવાનો મેયર નયનાબેન પેઢડિયાનો દાવો

ધારાસભ્ય દર્શિતા શાહે બોલાચાલી થયાનો ઇનકાર કર્યો, ઘટનાથી રાજકોટનું રાજકારણ ગરમાયું

ધારાસભ્ય દર્શિતા શાહે બોલાચાલી થયાનો ઇનકાર કર્યો, ઘટનાથી રાજકોટનું રાજકારણ ગરમાયું
રાજકોટ શહેર ભાજપમાં વધુ એક વખત આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. 'દિવાળી કાર્નિવલ'ના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે. ધારાસભ્યએ આમંત્રણ પત્રિકામાં નામ લખવા જીદ કરી હોવાનો મેયરે સ્વીકાર કર્યો છે. જ્યારે ધારાસભ્ય દર્શિતા શાહે બોલાચાલી થયાનો ઇન્કાર કર્યો છે. જો કે, મેયર અને ધારાસભ્યની બબાલની ચર્ચાથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાની શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલાં ભાજપ પ્રમુખની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થતાં કોર્પોરેટરો મિટિંગ હોલમાંથી બહાર નીકળતા હતા. તે સમયે મનપા દ્વારા રેસકોર્સ મેદાનમાં સ્વદેશી મેળાના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હોવથી તેમના ઉદ્ઘાટક તરીકેના નામથી વિવાદ થયો હતો.
રેસકોર્સ મેદાન પર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પોતાના હસ્તે થવું જોઇએ તેવો આગ્રહ ધારાસભ્ય દર્શિતા શાહે રાખ્યો હતો. જ્યારે રેસકોર્સ મેદાનમાં યોજાતા મોટા કાર્યક્રમોને વિધાનસભા મત વિસ્તાર સાથે ન જોડવા મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું હતું. ચાર ધારાસભ્યો, બે સાંસદ સહિતના પદાધિકારીઓને ઉદ્ધાટક તરીકે મનપા દ્વારા આમંત્રણ આપવામાં આવતું હોય છે. ત્યારે તેમાં પોતાના નામનો આગ્રહ રાખવો યોગ્ય નથી તેમ મેયરે જણાવ્યું હતું. જેના જવાબમાં દર્શિતા શાહે મેયર પર તેઓ જાણી જોઇને આવું કરતા હોવાનો આરોપ લગાવતા ચર્ચા ઉગ્ર બની હતી.
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે, આ વિવાદને જાહેર કરતા દાવો કર્યો છે કે, ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં માત્ર પોતાનું નામ લખવાનો આગ્રહ રાખ્યો હતો. કાર્નિવલ જ્યાં યોજાય છે તે રેસકોર્સ તેમના મત વિસ્તારમાં આવતો હોવાથી અન્ય ધારાસભ્યોના નામ ન લખવાનું દબાણ કર્યું હતું.
મેયરના જણાવ્યા પ્રમાણે દિવાળી કાર્નિવલ રાજકોટ શહેરનો સંયુક્ત કાર્યક્રમ હોવા છતાં ધારાસભ્ય દર્શિતા શાહે મારું એકનું જ નામ લખો તેવી જીદ કરી હતી. વાત આટલેથી ન અટકતાં મેયરે ધારાસભ્ય તેમની સાથે સંકલન બેઠકમાં આ અંગે વાત કરી હોવાનું જણાવ્યું હતું. 'દિવાળી કાર્નિવલ'ના આમંત્રણ પત્રિકામાં મહાનુભાવોના નામની યાદીને લઈને વિવાદ થયો હોવાનો તેમણે દાવો કર્યો છે. આ મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહ સાથે બોલાચાલી થઈ હોવાનું મેયરે સ્વીકાર કર્યો છે.
ધારાસભ્ય દર્શિતા શાહે મેયર સાથે કોઈપણ પ્રકારની બોલાચાલી ન થઈ હોવાનું જણાવી આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ રાખવા માટે કહ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. તેથી મેયર અને ધારાસભ્ય વચ્ચે થયેલી બબાલને લઈ ભાજપના નેતાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો છે.
દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકાઓમાં સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ઉદય કાનગડ સહિતના નામ લખવાનો નિર્ણય કરાયો છે. મેયરે જણાવ્યું કે, મેયર તરીકે મારે બધાને સાથે રાખીને ચાલવું જોઈએ. દિવાળી કાર્નિવલ દર વર્ષે યોજાય છે. અત્યાર સુધી પોતાનું નામ લખવાનો આગ્રહ કોઈપણ ધારાસભ્યે રાખ્યો નથી.
ભાજપ સંગઠિત પક્ષ છે અને બધા નેતાઓમાં એકતા છે તેવું કહેતાં ભાજપના નેતાઓ માટે આ તમાચો છે. મેયર અને ધારાસભ્ય જેવા જવાબદાર નેતાઓ વચ્ચે જાહેર મંચ પર વિવાદ થવો, પાર્ટીની આંતરિક એકતા પર સવાલ ઉભા કરી છે. વિવાદ માત્ર બે નેતાઓ વચ્ચેની બોલાચાલીનો નહી રહેતાં પોતાની પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના મેયર અને ધારાસભ્ય વચ્ચે થયેલી બબાલનો મામલો રાજકોટ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
રામ મોકરિયા અને મનપા વચ્ચે પણ વિવાદ થયો હતો
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને 14માં નંદઘરના લોકાર્પણના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામની બાદબાકી કરવામાં આવતાં વિવાદ થયો હતો. રામ મોકરિયાની RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં 'નો-એન્ટ્રી' નો નિર્ણય લેવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. શહેર ભાજપના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવાની સૂચના આપવામાં આવી હોવાનું ભાજપના કાર્યકરોના મુખે સાંભળવા મળ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?